ચુકાદો:રાજકોટમાં 13 વર્ષની સગીરા પર 6 શખસના દુષ્કર્મ કેસમાં 5ને અંતિમ શ્વાસ સુધી અને 17 વર્ષની સગીરા પર દુષ્કર્મ આચરનારને આજીવન કેદની સજા

રાજકોટ19 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર.

રાજકોટની 13 વર્ષની બાળકી ઉપર એક સગીર અને 5 આધેડ વયના શખસોએ અનેક વખત દુષ્કર્મ ગુજારી ગર્ભવતી બનાવી હતી, ભાંડો ફૂટતા વર્ષ 2018માં ગુનો નોંધાયો હતો. જેમાં સ્પેશિયલ પોક્સો કોર્ટેના ન્યાયમૂર્તિ જે.ડી. સુથારે 5 આધેડ આરોપીને અંતિમ શ્વાસ સુધી કેદની સજા ફટકારી છે. આ ઉપરાંત દોઢ લાખનો દંડ અને ભોગ બનનારને 4 લાખનું વળતર ચૂકવવા હુકમ કર્યો છે. જ્યારે બીજો કેસ વર્ષ 2016માં મવડી રોડ વિસ્તારની 17 વર્ષીય વિદ્યાર્થિનીનું અપહરણ કરી દુષ્કર્મ ગુજારનાર ઉદયનગરના વિમલ ઉર્ફે કાના ચૌહાણને કોર્ટે આજીવન કેદની સજા ફટકારી છે.

પહેલા કેસમાં 13 વર્ષની સગીરાનું પેટ વધી જતા હોસ્પિટલ લઇ જવાઇ
પ્રથમ કેસની વિગત એવી છે કે, વર્ષ 2018માં રાજકોટમાં પોતાની માતા સાથે રહેતી અને દુષ્કર્મનો ભોગ બનનાર 13 વર્ષની સગીરાનુ પેટ વધી ગયું હોવાથી તાત્કાલિક ડોક્ટર પાસે લઈ જવામાં આવી હતી. હોસ્પિટલમાં દુષ્કર્મનો ભોગ બનનાર સગીરા ગર્ભવતી હોવાનું જાણવા મળ્યું હતું. આથી માતાએ પૂછપરછ કરતા ભોગ બનનાર સગીરાએ સૌ પ્રથમ એક બાળ આરોપી અને બે આધેડ આરોપીનું નામ આપ્યું હતું. જેઓએ તેની સાથે અનેક વખત દુષ્કર્મ આચર્યાનું જણાવ્યું હતું.

બાળ આરોપીના લોહીના સેમ્પલો પણ લીધા હતા
પોલીસ ફરિયાદ બાદ મહિલા પોલીસ મથકના PI પી.બી. સાપરાને તપાસ સોંપાતા અન્ય ત્રણ વ્યક્તિઓએ પણ દુષ્કર્મ આચર્યાનું હોવાનુ સામે આવ્યું હતું. બે માસના સમયગાળા દરમિયાન નરાધમોએ અનેક વખત દુષ્કર્મ આચર્યાનું સગીરાએ જણાવ્યું હતું. આરોપીઓએ ભોગ બનનારને પોતાના ઘરે અલગ અલગ સમયે ઘર કામ માટે બોલાવી વારાફરતી દુષ્કર્મ આચરતા હતા. જે પછી ભોગ બનનારે જન્મ આપેલ મૃત બાળકના ભ્રુણના પિતૃત્વના પરીક્ષણ અર્થે સેમ્પલો લીધા હતા. તેમજ પાંચેય આરોપીઓના તથા એક બાળ આરોપીના લોહીના સેમ્પલો પણ લીધા હતા.

રિપોર્ટ મુજબ આ ભ્રુણના પિતા આરોપી નાનજી નીકળ્યો
ન્યાય સહાયક લેબોરેટરીના રિપોર્ટ મુજબ આ ભ્રુણના પિતા આરોપી નાનજી જાવીયાનું જાણવા મળ્યું હતું. સરકારી વકીલની દલિલો બાદ નાનજીને રૂપિયા 50 હજારનો દંડ ફટકારવામાં આવ્યો છે. જ્યારે અન્ય ચાર આરોપી અરવિંદ લક્ષમણદાસ કુબાવત, વિજાનંદ રવા મૈયડ, હિપુલ ઉર્ફે વિપુલ કાંતિલાલ ચાવડા અને ગોવિંદ દેવરાજ સાંકળીયાને 25 હજારનો દંડ ફટકારવામાં આવ્યો છે. તેમજ તમામ આરોપીને અંતિમ શ્વાસ સુધી જેલની સજા ફટકારવામાં આવી છે.

બીજા કેસમાં 17 વર્ષની સગીરા પર 27 વર્ષના શખસે દુષ્કર્મ આચર્યું હતું
બીજા કેસમાં મવડી રોડ વિસ્તારમાં રહેતી 17 વર્ષીય સગીરાને વર્ષ 2016માં ઉદયનગર 2માં રહેતો 27 વર્ષીય વિમલ ઉર્ફે કાનો હરેશ ચૌહાણ લલચાવી ફોસલાવી ભગાડી ગયો હતો. 25 દિવસ સુધી જુદા જુદા ગામોમાં રોકાઈ સગીરા ઉપર દુષ્કર્મ આચર્યું હતું. માલવીયાનગર પોલીસ મથકમાં આ મામલે કેસ નોંધાયો હતો. સગીરા અને આરોપી મળી આવતા પોલીસે ધરપકડ કરી હતી. કેસ ચાલતા મુખ્ય જિલ્લા સરકારી વકીલ એસ.કે. વોરાએ દલીલ કરી કે, ભોગ બનનાર સગીરા છે. તેની સહમતી માન્ય ન ગણી શકાય અને સગીરાના ગુપ્તાંગ પરથી તેમજ કપડાંમાંથી આરોપીના બ્લડ સેમ્પલ મળ્યા છે. જે ફોરેન્સિલ પુરાવો છે. આ દલિલો ધ્યાને લઇ ન્યાયમૂર્તિ સુથારે આરોપી વિમલને આજીવન કેદની સજા ફટકારી છે. બન્ને કેસમાં સરકાર તરફે મુખ્ય જિલ્લા સરકારી વકીલ સંજયભાઈ કે. વોરા રોકાયેલા હતા.

અન્ય સમાચારો પણ છે...