વાતાવરણમાં પલટો:રાજકોટમાં પવન સાથે અમુક વિસ્તારોમાં વરસાદ, માધાપરનો આજીડેમ ઓવરફ્લો થતા દરવાજા અડધો ફૂટ ખોલ્યા, કિનારાના વિસ્તારોને એલર્ટ

રાજકોટ7 મહિનો પહેલા
વરાસદને પગલે વાહનચાલકોએ ધીમી ગતિએ વાહન ચલાવવા પડ્યા
  • શહેરના યાજ્ઞીક રોડ અને ગોંડલ ચોકડીની નજીકના વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ
  • વાતાવરણમાં ઠંડક પ્રસરતા લોકોએ ગરમીમાંથી રાહત મેળવી

છેલ્લા ઘણાં દિવસથી રાજકોટ જિલ્લાના વાતાવરણમાં પલ્ટો જોવા મળી રહ્યો છે. ગઈકાલે સાંજે વીજળીના કડાકા ભડાકા અમુક વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો. ત્યાં આજે ફરી મેઘરાજાનું અમુક વિસ્તારોમાં આગમન થયું છે.શહેરમાં આજે બપોર સુધી ધોમ ધખતો તડકો અને અસહ્ય બફારો જોવા મળ્યો હતો. પરંતુ બપોર બાદ વાતાવરણમાં પલ્ટો આવતા આકાશ કાળા ડિબાંગ વાદળોથી ઘેરાયું હતું. પવન સાથે ધીમી ધારે વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરતા લોકોએ અસહ્ય ગરમીમાંથી રાહત મેળવી છે. આ સાથે જ માધાપર પાસેનો આજીડેમ ઓવરફ્લો થયો છે. જેને લઇને એક દરવાજો અડધો ફૂટ ખોલવામાં આવ્યો છે. તો બીજી બાજુ નદીકિનારાના આસપાસના વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા છે.

ધૂળની ડમરી ઉડતા વાહનચાલકો પરેશાન થયા
શહેરના યાજ્ઞીક રોડ અને ગોંડલ ચોકડીની નજીકના વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ વરસતા રસ્તા પર પાણી વહેવા લાગ્યા હતા.જેનાથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. આ ઉપરાંત સમગ્ર શહેરમાં વાદળછાયું વાતવરણ જોવા મળી રહ્યું છે. પવન ફૂંકાતા ધૂળની ડમરી ઉડતા રસ્તા પર પસાર થતા વાહનચાલકો પરેશાન થયા હતા.

રાજકોટ અને ગોંડલમાં રાત્રે વરસાદ
રાત્રે રાજકોટના વાતાવરણમાં એકાએક પલટો જોવા મળ્યો હતો. શહેરમાં તોફાની પવન ફૂંકાવા સાથે વરસાદ થયો હતો. જેમાં શહેરના જંક્શન વિસ્તાર, યુનિવર્સિટી રોડ, કાલાવડ રોડ, 150 ફૂટ રિંગ રોડ સહિતના મોટા ભાગના વિસ્તરોમાં વરસાદ થયો હતો. રાજકોટ જિલ્લાના લોધિકા વિસ્તારના ગામોમાં પવન સાથે વરસાદ થયો હતો. ગોંડલ પંથકમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદ થયો હતો. ગોંડલના દેરડી(કુંભાજી)અને મોટીખિલોરીમાં ધોધમાર વાવણી લાયક વરસાદ થયો હતો.

વરસાદ પડતાં અનેક વિસ્તારમાં વીજપુરવઠો ખોરવાયો
વરસાદ પડતાની સાથે જ રવિવારે સાંજે રાજકોટના કાલાવડ રોડ, કોટેચા ચોક સહિતના જુદા જુદા વિસ્તારોમાં પીજીવીસીએલના પાંચથી વધુ ફીડર બંધ પડી ગયા હતા. બે-બે કલાક સુધી લાઈટ નહીં આવતા લોકોએ પીજીવીસીએલના ગ્રાહક સેવા કેન્દ્રમાં અને ફોલ્ટ સેન્ટરમાં ફરિયાદ કરવા ફોન કર્યા પરંતુ સંપર્ક નહીં થઇ શકતા લોકો અકળાયા હતા. વરસાદને કારણે શહેરના અનેક વિસ્તારમાં અડધો કલાકથી લઈને બે કલાક સુધી વીજળી ગુલ રહી હતી. કન્ઝ્યુમર કેર સેન્ટરમાં ફરિયાદો મળતા પીજીવીસીએલની ટીમ જે-તે વિસ્તારમાં જઈને ફોલ્ટ રિપેર કરી વીજપુરવઠો પૂર્વવત કર્યો હતો. બે-બે કલાક સુધી લાઈટ નહીં આવતા અને વીજકંપનીના ફોલ્ટ સેન્ટરમાં પણ સંપર્ક નહીં થતા લોકો નજીકમાં આવેલી વીજ કચેરીમાં પણ પહોંચી ફરિયાદ કરી હતી.

ગઇકાલે આટોકમાં વરસાદ ખાબક્યો હતો
ગઇકાલે આટકોટ પંથકમાં મેઘરાજાએ ધામા નાખ્યા હતા. આટકોટમાં બપોર બાદ વાતાવરણ ગોરભાતા આકાશ કાળા ડિબાંગ વાદળોથી ઘેરાયુ હતું. અચાનક વીજળીનાં કડાકા ભડાકા સાથે કરા કરા સાથે વરસાદ વરસતા લોકોએ ગરમીમાંથી રાહત મેળવી હતી. ભારે બાફરાં વચ્ચે વરસાદ આવતા વાતાવરણ ઠંડુ બની ગયું છે. ગઈકાલે રાજકોટનાં ગ્રામ્ય વિસ્તારમાં પણ ભારે પવન સાથે વરસાદ પડ્યો હતો.મેઘરાજાનું આગમન થતાની સાથે જ વાવણીલાયક વરસાદ પડતાં ખેડૂતો ખુશીથી જુમી ઉઠ્યા હતા.