રાજકોટ શહેર પોલીસે વર્ષ 2022-23 દરમિયાન કરોડો રૂપિયાની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. આજરોજ નામદાર કોર્ટનાં આદેશ મુજબ સોખડા નજીક કુલ રૂપિયા 4.94 કરોડનાં આ વિદેશી દારૂના જથ્થા ઉપર ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું. જેને લઈને અનેક પ્યાસીઓમાં ભારે કચવાટ જોવા મળી રહ્યો છે. જોકે વર્ષ 2022 - 23 દરમિયાન રાજકોટ શહેર પોલીસ પર દારૂની ખેપ મારવાનો આક્ષેપ પણ લાગી ચૂક્યો છે. જે મામલે પોલીસ તપાસ ચાલી રહી છે.
દારૂના જથ્થાનો નાશ કરવામાં આવ્યો
જાણવા મળતી વિગત મુજબ, રાજકોટ શહેરના કુવાડવા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા સોખડા ખાતે રાજકોટ શહેર પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવેલા કરોડો રૂપિયા ના દારૂ ઉપર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું છે. વર્ષ 2022 23 દરમિયાન ક્રાઈમ બ્રાન્ચ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ તેમજ ઝોન 1 અને ઝોન 2 ટીમ દ્વારા રૂપિયા 4.94 કરોડનો દારૂ ઝડપી પાડવામાં આવ્યો હતો. ત્યારે આજરોજ સોખડા ખાતે ઉચ્ચ પોલીસ અધિકારીઓ તેમજ મેજિસ્ટ્રેટની હાજરીમાં બુલડોઝર ફેરવી આ દારૂના જથ્થાનો નાશ કરવામાં આવ્યો છે.
કુલ રૂપિયા 4.94 કરોડનો વિદેશી દારૂનો જથ્થો
સમગ્ર મામલે એસીપી સજ્જનસિંહે જણાવ્યું હતું કે, છેલ્લા દસેક મહિનામાં રાજકોટનાં જુદા-જુદા 12 પોલીસ મથકો તેમજ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ઝડપાયેલા કરોડોનાં વિદેશી દારૂના જથ્થાનો નાશ કરવામાં આવ્યો છે. જેમાં નશાબંધી અને આબકારી જકાત વિભાગનાં અધિકારીઓ તેમજ ડેપ્યુટી કલેક્ટર સહિતનાઓની હાજરીમાં કુલ 12 પોલીસ મથક અને ક્રાઈમ બ્રાન્ચ મળીને દ્વારા કરાયેલા પ્રોહીબિશનનાં મુદ્દામાલનો નાશ કરવામાં આવ્યો છે. જેમાં ઝોન-1 355 કેસની 81 હજાર બોટલો કિ. 2.81 કરોડ, ઝોન-2 286 કેસની 16116 બોટલો કિ. રૂ. 53.79 લાખ અને ક્રાઈમ બ્રાન્ચનાં 192 કેસની 42,778 બોટલો કિ. રૂ. 1.59 કરોડ મળી કુલ 833 કેસોની 1.40 લાખ બોટલ સહિત રૂ. 4.94 કરોડનાં વિદેશી દારૂ ઉપર બુલડોઝર ફેરવી નાશ કરવામાં આવ્યો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.