તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બાયોડીઝલનો વેપલો:રાજકોટમાં માલિયાસણ પાસેથી 9 હજાર લીટર બાયોડીઝલ સાથે બે શખ્સોની પોલીસે ધરપકડ કરી, રૂ.11.85 લાખનો મુદામાલ કબ્જે

રાજકોટએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પોલીસે બન્ને આરોપીઓની ધરપકડ કરી - Divya Bhaskar
પોલીસે બન્ને આરોપીઓની ધરપકડ કરી
  • નકલી મનાતો બાયોડીઝલનો જથ્થો કયાંથી લાવ્યા? કોને કોને સપ્લાય કરતાં હતાં તે અંગે તપાસ શરુ
  • પોલીસ અત્યારસુધી દિશાહીન કે આંખો બંધ? પોલીસને હવે અચાનક બાતમી મળવા લાગી !

રાજ્ય સરકારના ગૃહ વિભાગ દ્વારા ગેરકાયદે બાયોડીઝલના વેચાણ કે સંગ્રહ પર કડક કાર્યવાહી કરવા સૂચના આપવા છતાં આજે પણ રાજકોટમાં રાત્રિ દરમિયાન બાયોડીઝલના ગેરકાયદે પમ્પ પોલીસની મીઠી નજર હેઠળ ચાલી રહ્યાં છે. કલેકટર તંત્રના દરોડા બાદ હવે દિશાહિન કે આંખો બધં કરીને બેઠેલી શહેર પોલીસની આંખો ખુલી હોય તેમ આજે વહેલી સવારે કુવાડવા પોલીસે ચોક્કસ બાતમીને આધારે રાજકોટ આવતું આઈસર માલિયાસણ પાસે આવેલા ખેરડી રોડ પર પકડી પાડયું હતું. અને તેમાં તપાસ કરતા બાયોડીઝલનો 9 હજાર લીટરનો જથ્થો મળી આવ્યો હતો. તેથી પોલીસે આઇસર ચાલક અને તેના સાગરીતની ધરપકડ કરી કુલ રૂ.11.85 લાખનો મુદામાલ કબ્જે કર્યો હતો. ઉલ્લેખનીય છે કે રાજકોટમાં અલગ-અલગ વિસ્તારમાં ભયાનક હોનારત નોતરી શકે એવા બાયોડીઝલના ગેરકાયદે પંપ હજુ પણ ધમધમી રહ્યા છે. આ પંપો નેતાઓ, મોટા માથાં, કલેક્ટર અને પોલીસની મીઠી નજર હેઠળ બેરોકટોક ધમધમી રહ્યા હોવાની ચર્ચા છે.

પાછળની સાઈડ પ્લાસ્ટિકના બે ટેંક હતા
પ્રાપ્ત માહિતી અનુસાર ખેરડી તરફ જતાં માર્ગ પરથી કથિત બાયોડીઝલ ભરેલું વાહન નીકળવાનું હોવાની કુવાડવા રોડ પોલીસ પેટ્રોલિંગમાં હતી ત્યારે પોલીસને બાતમી મળી હતી જેના આધારે પોલીસે GJ03AZD 8585 નંબરનું આઈસર અટકાવ્યું હતું. અને આઈસરચાલક અશોક ગોવિંદભાઈ ચૌહાણ તથા મુન્ના રામાભાઈ કોરેડા અટકાયત કરી હતી. પોલીસ તપાસ દરમિયાન આઇસરની પાછળની સાઈડ પ્લાસ્ટિકના બે ટેંક હતા તેમાં નકલી બાયોડીઝલ ભરેલું હતું. પોલીસે રૂ.5,85,000ની કિંમતનું 9 હજાર લીટરનું બાયોડીઝલ કબ્જે કર્યુ હતું. આઈસર મળી કુલ 11.85 લાખનો મુદામાલ કબજે લઈ ચાલક સાયલાના ધોળીધારના વતની અશોકને તથા સાથે રહેલા જથ્થો લઈ જનારા મુન્ના બન્નેને સકંજામાં લીધા હતા.

પોલીસે રણજીતની શોધ આદરી છે
પોલીસની પ્રાથમિક પૂછપરછમાં બાયોડીઝલનો જથ્થો માલધારી સોસાયટીમાં રહેતા રણજીત નામના શખસનો છે તેણે મંગાવ્યો હતો અશોક ભાડાની લાલચે આઈસર લઈને ગયો હતો. જયારે મુન્નો રણજીતનો ભાગીદાર કે માણસ હોવાથી જથ્થો લઈને આવતો હતો. રાજકોટમાં માર્કેટ યાર્ડ પાસે જથ્થો છુટકમાં આપી દેવાનો હતો. કોને કયાં? આપવાનો હતો તે રણજીત જાણતો હોવાનું કથન કરતા પોલીસે રણજીતની શોધ આદરી છે.

ટેન્કરના બદલે હવે માલવાહક કે આવા વાહનોમાં રાત્રે હેરાફેરી
પુરવઠા વિભાગના દરોડા બાદ ચોક્કસના બની ગયેલા ધંધાર્થીઓએ સરા જાહેર અડ્ડા, પંપો બધં કરી દીધા છે પરંતુ પીપ, કેરબા કે અન્ય વાહનોમાં હેરફેરની છૂપી સીસ્ટમ ચાલુ કરી છે. મોડી રાત્રીથી વહેલી સવાર સુધી ડેલાઓ કે આવા સ્થળોએથી ટેન્કર સિવાયના માલવાહક કે આવા વાહનોમાં પ્લાસ્ટિકની ટાંકીઓમાં જથ્થો ભરી લવાય છે. અને શહેરમાં ચોક્કસ સ્થળોએ પહોંચાડી દેવાતો હોવાનો આ વધુ એક પુરાવો છે.

લેભાગુ તત્ત્વો દ્વારા લાઇસન્સ વગર જ બાયોડીઝલ પંપ ખોલવામાં આવ્યા
કેન્દ્ર સરકાર દ્વારા માત્ર બ્લેડિંગ માટે જ ફ્યુઅલ ઓઇલ મિશ્રિત બાયોડીઝલ વેચવાની પરવાનગી આપવામાં આવી છે અને એ માટે એવી શરત રાખવામાં આવી છે કે પેટ્રોલ-ડીઝલ પંપની જેમ બાયોડીઝલ પંપ ખોલવા માટે પણ લાઇસન્સ અને મંજૂરી લેવાં જરૂરી છે, પરંતુ આજે રાજકોટમાં એક પણ લાઇસન્સ ઇસ્યુ ન કર્યા હોવા છતાં કેટલાંક લેભાગુ તત્ત્વો દ્વારા લાઇસન્સ અને પરવાનગી વગર જ બાયોડીઝલ પંપ ખોલવામાં આવ્યા છે અને તેમના દ્વારા બ્લેડિંગની જગ્યાએ આખી ટાંકી બાયોડીઝલથી ભરવામાં આવે છે.

અન્ય સમાચારો પણ છે...