કોર્ટ કાર્યવાહી:રાજકોટમાં વકીલ સહિતના લોકો પાસે ક્રિપ્ટો કરન્સીના નામે રોકાણ કરાવી સુરતના 4 ચીટરની કરોડોની છેતરપિંડી, પકડાયેલા બે આરોપીના 12 દિવસના રિમાન્ડ મંજૂર

રાજકોટએક મહિનો પહેલા
  • કૉપી લિંક
આરોપી બ્રિજેશ જગદીશચંદ્ર ગડીયાલ અને કિરણ પંચાસરાના 12 દિવસના રિમાન્ડ મંજૂર - Divya Bhaskar
આરોપી બ્રિજેશ જગદીશચંદ્ર ગડીયાલ અને કિરણ પંચાસરાના 12 દિવસના રિમાન્ડ મંજૂર
  • 4 આરોપીઓ પૈકી એક આરોપી દુબઇ નાસી ગયો હોવાની માહિતી પોલીસ તપાસમાં સામે આવી

ક્રિપ્ટો કરન્સીના નામે રોકાણની આકર્ષક સ્કીમ આપી રાજકોટના વકીલ સહિત અનેક લોકો પાસે કરોડો રૂપિયાનું રોકાણ કરાવી સુરતના ચાર શખ્સે છેતરપિંડી આચરી હતી. જેમાં ગઈકાલે રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે બે શખ્સને ઝડપી લીધા હતા. જેને 14 દિવસના રિમાન્ડની માંગ સાથે કોર્ટમાં રજૂ કરતા નામદાર કોર્ટે 12 દિવસના રિમાન્ડ મંજૂર કરતા પોલીસે રિમાન્ડ મેળવી વધુ તપાસ હાથ ધરી છે.

4 આરોપીઓ પૈકી એક આરોપી દુબઇ ગયો
રાજકોટ શહેરના યુનિવર્સિટી રોડ પર જલારામ પ્લોટમાં રહેતા એડવોકેટ મહેન્દ્રભાઇ દાદભાઇ વાળા (ઉં.વ.48)એ છેતરપિંડી અંગે ક્રાઇમ બ્રાંચમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે સુરતના બ્રિજેશ જગદીશચંદ્ર ગડિયાલ, કિરણ વનમાળીદાસ પંચાસરા, ધવલ લહેરી અને હિતેશ ગુપ્તાના નામ આપ્યા હતા. આ ફરિયાદના આધારે રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે સુરતના બ્રિજેશ જગદીશચંદ્ર ગડીયાલ અને કિરણ પંચાસરાની ધરપકડ કરી આજે 14 દિવસના રિમાન્ડની માગ સાથે કોર્ટમાં રજૂ કરતા નામદાર કોર્ટે 12 દિવસના રિમાન્ડ મંજૂર કરતા પોલીસે રિમાન્ડ મેળવી અન્ય ફરાર આરોપીઓ અને રોકાણકારો અંગે વધુ તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે 4 આરોપીઓ પૈકી એક આરોપી દુબઇ નાસી ગયો હોવાની માહિતી પોલીસ તપાસમાં સામે આવી છે.

એડવોકેટે 4 હજારનું રોકાણ કરી 2000 ટ્રોન ખરીદ કર્યા
મહેન્દ્રભાઇ વાળાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, 17 સપ્ટેમ્બર 2020ના તેમના મિત્ર મુન્ના બાવળિયાના સંપર્કથી ફૂલછાબ પાસેની એક હોટેલમાં કિરણ પંચાસરા અને ધવલ લહેરીને મળ્યો હતો, સુરતના બંને શખસે પોતાની ઓળખ ક્રિપ્ટો કરન્સીમાં કામ કરતા હોવાનું કહી તેમની ટ્રોનથી ઓળખાતી ક્રિપ્ટો કરન્સીમાં રોકાણ કરવા કહ્યું હતું અને રોકાણ પર 150 દિવસ સુધી 2 ટકા વળતરની ખાતરી આપી હતી, એડવોકેટ વાળાએ રૂ.4 હજારનું રોકાણ કરી 2000 ટ્રોન ખરીદ કર્યા હતા, આરોપીઓએ રોકાણ થતાં જ એક એપ્લિકેશન ડાઉનલોડ કરાવડાવી હતીઅને તેમાં મહેન્દ્રભાઇનું એકાઉન્ટ ખૂલી ગયું હતું. જેમાં તેમણે ખરીદેલા 2000 ટ્રોન દેખાતા હતા.

વિક્રમસિંહે પણ 10 હજારનું રોકાણ કર્યું હતું
ત્યારબાદ ચીટર ગેંગે લાલચ આપી હતી કે, તમે રોકાણકાર લાવશો તો 20 ટકા વળતરની ખાતરી આપી હતી, મહેન્દ્રભાઇ હોટેલમાં તેના મિત્ર વિક્રમસિંહ જાડેજાને લઇ ગયા હતા અને વિક્રમસિંહે પણ 10 હજારનું રોકાણ કર્યું હતું. ત્યારબાદ મહેન્દ્રભાઇએ તેમના પરિચિત મયંકભાઇ પંડ્યા, વિક્રમસિંહ જાડેજા, અનિલભાઇ જાની, જયદેવભાઇ પીપળિયા, વિક્રમસિંહ રાઠોડ, પરાગભાઇ રૂપારેલ પાસે રોકાણ કરાવડાવ્યું હતું.

એડવોકેટ મહેન્દ્રભાઇએ રૂ.52,20,100 રોકાણ કર્યું હતું
એડવોકેટ મહેન્દ્રભાઇએ રૂ.52,20,100 રોકાણ કર્યું હતું, જ્યારે તેમના દ્વારા રોકાણ થયેલી રકમનો આંક કરોડો સુધી પહોંચતી હતી, નાણાંની જરૂરિયાત ઊભી થતાં મહેન્દ્રભાઇએ પૈસાની ઉઘરાણી કરતાં આરોપીઓએ કટકે કટકે રૂ.13.90 લાખ પરત આપ્યા હતા, બાકીની રકમ રૂ.38,30,100નું ટ્રોનમાંથી મેગાટ્રોનમાં રોકાણ કરાવડાવી દઇ ત્યારબાદ મેગાટ્રોનની કિંમત ઝીરો કરાવડાવી આરોપીઓ રોકાણકારોની રકમ હજમ કરી ગયા હતા.

દીવ, ગોવાની હોટેલમાં બોલવાતા
સુરતના ચારેય ચીટરોએ પોતાની ઓનલાઇન પેઢી બનાવી ક્રિપ્ટો કરન્સીના નામે લોકોને આકર્ષક સ્કીમ આપી રોકાણ કરવા ફસાવ્યા હતા. રોકાણકારોને આકર્ષવા માટે ચીટર ગેંગ દીવ, ગોવા અને રાજસ્થાનની નામાંકિત હોટેલમાં મિટીંગ રાખતા હતા અને ત્યાં રોકાણકારોને બોલાવી તેમનો તમામ ખર્ચ પોતે ઉઠાવતા હતા, પોતે સાચી જગ્યાએ રોકાણ કરી રહ્યા છે તેવો વિશ્વાસ અપાવી ચીટર ગેંગ દર વખતે આરોપીઓને વધુ રોકાણ કરવા ફસાવતા હતા.