ગુજરાત વિધાનસભાની ચૂંટણી પૂર્વે ખાસ કરીને પાટીદાર સમીકરણો ભાજપે અંકે કરી લીધા હોય એવા સંકેત છે. ખાસ કરીને હાર્દિક પટેલની ભાજપમાં એન્ટ્રીને નોન ઈવેન્ટ બનાવી દીધા બાદ હવે નરેશ પટેલ ફેક્ટર પણ એ બાજુ જ જઈ રહ્યું છે. રવિવારે ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે રાજકોટ આવીને આ સંકેત આપી દીધા હતા. બે અલગ અલગ કાર્યક્રમમાં પાટીદાર નેતા નરેશ પટેલ રૂબરૂ થયા, પણ બન્નેની બોડી લેંગ્વેજ એ દર્શાવતી હતી કે આગામી સમયમાં ખોડલધામના ચેરમેન કોઈ નાટયાત્મક પગલું લેશે નહીં. જોકે નરેશ પટેલના માથે ભગવા રંગની પાઘડી નહોતી, પરંતુ તેણે સફેદ પહેરી. જ્યારે પાટીલના માથે ભગવા રંગની પાઘડી હતી. આમ, મંચ એક હતું, પણ બંને વચ્ચે ‘રંગ’ અલગ જોવા મળ્યો હતો. પાટીલે કાર્યકર્તાઓને કટાક્ષમાં કહ્યું હતું કે પાર્ટીની ટોપી પહેરજો, પણ કોઈને પહેરાવતા નહીં.
‘હાર્ટલી વેલકમ’નાં બેનર ચર્ચા જગાવવા લગાવ્યાં હતાં
આ પહેલાં પણ મોદીના કાર્યક્રમમાં નરેશ પટેલ ભાજપથી દૂરી રાખી હતી. નરેશ પટેલ મગનું નામ મરી પાડતા નથી, એ સમયે પાટીલનું સૂચક નિવેદન ઘણું કહી જાય છે. મવડી રોડ પર એક જિમનું પાટીલે ઉદઘાટન કર્યું હતું. ભાજપના પ્રદેશ પ્રમુખે તેમના વ્યસ્ત શેડ્યૂલમાં પણ આ પ્રકારના ઉદઘાટનમાં હાજરી આપીને એક મેસેજ પણ આપી દીધો હતો. બે દિવસ પૂર્વે અહીં ‘હાર્ટલી વેલકમ’ સાથે જે બેનર લાગ્યાં એ પણ કોઈ સૂચક નહીં, ફક્ત ચર્ચા જગાવવા માટેનાં હતાં એવું ભાજપનાં સૂત્રોએ જણાવ્યું હતું.
સમૂહલગ્નમાં પાટીલ અને નરેશ પટેલે સાથે ફોટોસેશન કર્યું
જિમના ઉદઘાટનમાં પાટીલ અને નરેશ પટેલ વચ્ચે ભાગ્યે જ આંખ મિલાવીને વાત થઈ હતી. બાદમાં વોર્ડ નં. 6ના પૂર્વ કોર્પોરેટર મુકેશ રાદડિયાના ટ્રસ્ટ હેઠળના સમૂહલગ્નમાં બન્નેએ ફોટોસેશન કર્યું. અહીં પણ પાટીલ નરેશ પટેલને મળ્યા, પણ બન્ને વચ્ચે બોડી લેંગ્વેજ અલગ જ દેખાઈ હતી. બન્નેમાંથી કોઈએ મેસેજ આપ્યો નહીં અને આયોજકોએ પાટીલને ભગવા તથા નરેશ પટેલ માટે સફેદ પાઘડી તૈયાર રાખી હતી. બાદમાં ભાજપના જ નેતાઓ સાથે ફોટોસેશન થયું, પણ હવે નરેશ પટેલના રાજકારણમાં પ્રવેશમાં વધુ એક મુદત પડી છે, જે છેક માર્ચ મહિનાથી ચાલી આવે છે. આમ, આ એક એપિસોડનો અંત આવ્યો હોય એવી ચર્ચા છે.
કાર્યકર્તાઓને કહ્યું- ટોપી પહેરજો, પણ પહેરાવતા નહીં
રાજકોટ આવેલા પાટીલે ખાસ રાજકોટમાં શહેર ભાજપના અપેક્ષિત કાર્યકર્તા સાથે મુક્ત મને સંવાદ કર્યો હતો. આ સમયે સૌને ભાજપની નવી ભગવા રંગની ટોપી પહેરાવવાનો આગ્રહ રાખ્યો અને તેમણે એમ પણ કહ્યું હતું કે ટોપી પહેરજો, પણ પહેરાવતા નહીં. આમ કહીને તેમએ હાસ્ય ફેલાવી દીધું હતું. આ ઉપરાંત તેમણે ખાસ ભ્રષ્ટાચારનો મુદો છેડતાં અધિકારીઓ કે પક્ષના કોઈ નેતા ભ્રષ્ટાચાર કરતા હોય, ફાઈલો ફેરવતા હોય તો એની મને સીધી જાણ કરવા કહ્યું હતું. આ અંગે માહિતી આપનારનું નામ ગુપ્ત રખાશે એવી પણ ખાતરી આપી હતી. આમ હવે પક્ષમાં જ પાટીલનું એન્ટી કરપ્શન બ્યૂરો શરૂ થઈ ગયું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.