સી.આર.પાટીલે છેદ ઉડાડ્યો:રાજકોટમાં પાટીલે ખોડલધામના નરેશ પટેલની PM સાથેની મુલાકાતને અવગણી, કહ્યું- આનાથી ભાજપને ફાયદાની આવશ્યકતા નથી

રાજકોટએક મહિનો પહેલા

રાજકોટમાં ભાજપનું નવું કાર્યાલય કમલમ તૈયાર થતા આજે ધનતેરસે પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનો હાથ પકડીને રિબીન કાપી ખુલ્લું મૂક્યું હતું. સાથે જ સિનિયર નેતા વજુભાઈ વાળાના હસ્તે પણ રિબીન કપાવી હતી. બાદમાં પાટીલે ખોડલધામના નરેશ પટેલ અને વડાપ્રધાનની મુલાકાતને લઈને નિવેદન આપ્યું હતું કે, નરેશ પટેલની પ્રધાનમંત્રી સાથેની મુલાકાતથી ભાજપને ફાયદાની આવશ્યકતા નથી. ભાજપના કાર્યકર્તાઓ ખૂબ મજબૂત છે.

અમારા કાર્યકર્તાઓ જે ટાર્ગેટ લઈને ચાલી રહ્યા છે તે પૂર્ણ થશે
પાટીલે વધુમાં જણાવ્યું હતું કે, આજે રાજકોટમાં ભાજપનું કમલમનું લોકાર્પણ છે તેમાં આવ્યો છું. કદાચ આખા દેશમાં સૌથી સુંદર વ્યવસ્થાવાળું આ કાર્યાલય છે. વડાપ્રધાન સાથે નરેશ પટેલની મુલાકાત ભાજપને એટલા માટે આવશ્યકતા નથી કે, ભાજપના કાર્યકર્તાઓ બહુ મજબૂત છે. નરેશ પટેલ એક સામાજિક-ધાર્મિક સંસ્થા સાથે જોડાયેલા છે. આવી સંસ્થાના વડા જ્યારે આજે વડાપ્રધાનને મળ્યા ત્યારે અમને લાગે છે કે, ચૂંટણીમાં અમારા કાર્યકર્તાઓ જે ટાર્ગેટ લઈને ચાલી રહ્યા છે તે પૂર્ણ થશે.

રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણીને તેમની ચેમ્બરમાં ખુરશી પર બેસાડતા પાટીલ.
રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણીને તેમની ચેમ્બરમાં ખુરશી પર બેસાડતા પાટીલ.

પાટીલે પોતાની ચેમ્બર બહાર પોતાનું નામ હટાવ્યું
પાટીલે વધુમાં જણાવ્યું હતું કે, નવા બનેલા કાર્યાલયમાં મારી પણ એક ચેમ્બર બનાવવામાં આવી છે. ચેમ્બર બહાર સી.આર. પાટીલ, પ્રદેશ અધ્યક્ષ એવું લખેલું હતું. મેં મારા નામની પ્લેટ મેં કઢાવી નાખી છે. માત્ર પ્રદેશ અધ્યક્ષ જ રાખો, કારણ કે આ તો મ્યુઝિકલ ચેર છે, લોકો આવતા રહેવાના અને જતા રહેવાના. ટિકિટની વહેચણી મામલે કેટલાક આગેવાનોમાં નારાજગી છે. તે સવાલ અંગે તેમણેકહ્યું કે, ટિકિટની વહેચણી નરેન્દ્ર મોદી અને અમિત શાહ કરવાના છે.

વજુભાઈએ ભાજપના કાર્યકરોને ટકોર કરી
વજુભાઈ વાળાએ જણાવ્યું હતું કે, હવાઈ ગયેલા ફટાકડાની જેમ અવાજ ન કરો, આગળની ખુરશીમાં બેસવા માટે બીજાને કોણીઓ મારવાનું બંધ કરજો. તાળીઓ પાડવાથી કામ નહીં થાય, 182 સીટ જીતવા અથાગ પ્રયત્નો કરવા પડશે. દિવાળીના દિવસોમાં વધુમાં વધુ લોકો મળે ત્યારે ભાજપ માટે સંદેશો આપવાનો છે. બેસણું હોય કે ઉઠમણું હોય ત્યાં અચૂક જવાનું છે. ત્યાં જઈ ભાજપની વિચારધારાને પ્રબળ બનાવવા પ્રયત્નો કરવાના છે.

ઢોલ-નગારા સાથે પાટીલનું સ્વાગત કરાયું.
ઢોલ-નગારા સાથે પાટીલનું સ્વાગત કરાયું.

2250 વારમાં કાર્યાલયનું નિર્માણ કરવામાં આવ્યું
પ્રદેશના હોદ્દેદારો, શહેરના આગેવાનો અને પદાધિકારીઓની હાજરીમાં ભાજપનો નવો ગૃહપ્રવેશ કરવામાં આવ્યો હતો. દાયકાઓ જૂના કરણપરા કાર્યાલયમાંથી પક્ષનું 150 ફૂટ રીંગ રોડ પર સ્થળાંતર થઈ રહ્યું છે ત્યારે જૂનું કાર્યાલય પણ સ્થાનિક કક્ષાએ ચાલુ રહેશે. વિશાળ ઓડિટોરીયમ અને વીડિયો હોલ સાથેનું આ સૌરાષ્ટ્રનું પ્રથમ કાર્યાલય છે. જેમાં વિવિધ મોરચાથી માંડી પ્રદેશ પ્રમુખ સુધીની ચેમ્બર બનાવવામાં આવી છે. 2250 વારમાં કાર્યાલયનું નિર્માણ કરવામાં આવ્યું છે.

પાટીલે કાર્યાલયમાં પૂજા કરી.
પાટીલે કાર્યાલયમાં પૂજા કરી.

પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ભૂમિપૂજન કર્યું હતું
આ કમલમનું ભૂમિપૂજન બે વર્ષ પહેલા પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી અને પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે કર્યું હતું. આવતીકાલે ધનતેરસના પાવન પર્વે સૌરાષ્ટ્રના પાટનગર રાજકોટ શહેર ખાતે ભાજપના અત્યાધુનિક નવનિર્મિત કાર્યાલયનું શિતલ પાર્ક બસ સ્ટોપ પાસે સી.આર.પાટીલના હસ્તે અને સૌરાષ્ટ્ર ઝોનના ભાજપના પ્રભારી અને સાંસદ વિનોદભાઈ ચાવડા, પ્રદેશ ભાજપ સંગઠન મહામંત્રી રત્નાકરજી અને શહેરના સાંસદો, ધારાસભ્યો સહિતના ભાજપના આગેવાનોની ઉપસ્થિતિમાં ઉદઘાટન કરવામાં આવશે.

કમલમ સૌરાષ્ટ્ર ભાજપને અર્પણ કર્યું.
કમલમ સૌરાષ્ટ્ર ભાજપને અર્પણ કર્યું.

સંપૂર્ણ સુવિધાસભર સાથે કાર્યાલય બનાવવામાં આવ્યું
આ અંગે રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણીએ જણાવ્યું હતું કે, શહેર ભાજપના દેશનું સૌથી મોટું અને નમૂનારૂપ શહેર અને ઝોન કાર્યાલયનું શનિવારે સાંજે 5 વાગ્યે ઉદઘાટન થવા જઈ રહ્યું છે. ત્યારે આ અત્યાધુનિક નવનિર્મિત કાર્યાલય 2200 વાર કરતા વધુ વિશાળ જગ્યા પર ફેલાયેલુ છે. અદ્યતન બાંધકામ અને સંપૂર્ણ સુવિધાસભર સાથે કાર્યાલય બનાવવામાં આવ્યું છે. વર્ષો પહેલા એક નાની ઓરડીથી શરૂ થયેલ ભાજપ કાર્યાલય આજે એક વિશાળ જગ્યા પર અદ્યતન રીતે આકાર લઈ રહ્યું છે તેનું આજે ગૌરવ છે.

મા ભારતીની છબિ રાખવામાં આવી.
મા ભારતીની છબિ રાખવામાં આવી.

2250 વાર જગ્યામાં 40 હજાર ચોરસ ફૂટનું બાંધકામ
નવા કાર્યાલયના બાંધકામ નિર્માણની પૂરી જવાબદારી ઉપાડનાર અને રોજ એકવાર વિઝીટ લઈને ખડેપગે કામ કરનાર સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પુષ્કર પટેલ જ એક રીતે બિલ્ડીંગના આર્કિટેક્ટ છે. તેઓએ જણાવ્યું હતું કે, 2250 વાર જગ્યામાં 40 હજાર ચોરસ ફૂટનું બાંધકામ ત્રણ માળમાં કરવામાં આવ્યું છે. 514 બેઠકના ઓડિટોરીયમમાં 169ની સ્ક્રીનનો વીડિયો હોલ, ઝુમ મિટિંગની સુવિધા પણ છે. સેલરમાં પાર્કિંગ બાદ ગ્રાઉન્ડ ફ્લોર પર મિટિંગ હોલ રૂમ અને અદ્યતન ડાઈનિંગ હોલ છે.

આધુનિક સુવિધાથી કાર્યાલય સજ્જ.
આધુનિક સુવિધાથી કાર્યાલય સજ્જ.

ત્રીજા માળે 514 બેઠકનું આધુનિક ઓડિટોરીયમ
પ્રથમ માળે શહેર ભાજપ, કાર્યાલય મંત્રી, વિવિધ મોરચાની ચેમ્બર છે. IT, સોશિયલ મીડિયા વોર રૂમ, સર્વર રૂમ, કોમ્પ્યુટર વિભાગ, પ્રેસ કોન્ફરન્સ અને પેન્ટ્રી છે. બીજા માળે પ્રદેશ અધ્યક્ષ અને મહામંત્રીની ચેમ્બર, પ્રદેશના વિવિધ મોરચાની ચેમ્બર, કોન્ફરન્સ રૂમ, VIP બેઠક રૂમ, પેન્ટ્રી અને ત્રીજા માળે 514 બેઠકનું આધુનિક ઓડિટોરીયમ છે.

વિજય રૂપાણી સહિતના ભાજપના નેતાઓ હાજર રહ્યા.
વિજય રૂપાણી સહિતના ભાજપના નેતાઓ હાજર રહ્યા.

વોટર રિચાર્જ, સોલાર સહિતનો ગ્રીન કન્સેપ્ટ
ભાજપના નવનિર્મિત કાર્યાલયમાં નવા બાંધકામ સાથે પર્યાવરણની જાળવણી સહિતના ગ્રીન કન્સેપ્ટ પણ ખાસ ધ્યાનમાં રાખવામાં આવ્યાનું જણાવ્યું હતું. આ વિશાળ જગ્યામાં વરસાદી પાણી સહિતના પાણીનું રિચાર્જ થાય તેવી પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે. વીજળીની બચત અને પરંપરાગત ઊર્જાના ઉપયોગ માટે સોલાર સિસ્ટમ પણ બેસાડવામાં આવશે. કુદરતી હવા-ઉજાસ માટે પણ પૂરતી વ્યવસ્થા અને પ્લાન રાખવામાં આવ્યા છે.

ભાજપ એક અલગ પાર્ટી છે, તેમની કાર્યપદ્ધતિ પણ અલગ
વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, રાજકોટમાં કમલમ-2 એટલે કે ભારતીય જનતા પાર્ટીનું સૌરાષ્ટ્રનું હેડ ક્વાર્ટર. ભાજપ એક અલગ પાર્ટી છે, તેમની કાર્યપદ્ધતિ પણ અલગ છે. ભાજપમાં કાર્યાલય, કાર્યક્રમ આ બધાનું મહત્વ છે. વગર કાર્યાલયે કામ શક્ય પણ નથી. અમિત શાહ રાષ્ટ્રીય અધ્યક્ષ હતા ત્યારે અમિતભાઈએ દરેક જિલ્લામાં ભાજપનું પોતાનું કાર્યાલય બનવું જોઈએ તેવો આગ્રહ કર્યો હતો. જેના કારણે ભવ્ય કાર્યાલયનું નિર્માણ પાર્ટી કરી રહી છે. આ કાર્યાલયથી સૌરાષ્ટ્રમાં કાર્યનો વ્યાપ ખૂબ વધશે. ભાજપ સૌરાષ્ટ્રના ખૂણે ખૂણે આગળ વધશે. આ કાર્યાલય સુવિધાસભર છે.

રાજકોટના ભાજપના કાર્યાલયને કમલમ નામ અપાયું.
રાજકોટના ભાજપના કાર્યાલયને કમલમ નામ અપાયું.

વિધાનસભાની ચૂંટણીનું કેન્દ્ર બનશે
વિધાનસભાની આગામી ચૂંટણીનું કેન્દ્ર હવે નવું કાર્યાલય બનશે. આ કાર્યાલય પહોંચવા માટે સૌરાષ્ટ્રના મોરબી, જામનગર, જુનાગઢ, પોરબંદર જિલ્લાના આગેવાનોને પણ હાઈવેથી સીધા 150 ફૂટ રોડ પહોંચવામાં સરળતા બનશે. એકંદરે સૌરાષ્ટ્રનું પણ આ મધ્યવર્તી કાર્યાલય બની રહેવાનું છે.