રાજકોટમાં સામાન્ય દિવસોમાં રોજબરોજ સોના-ચાંદી, ડાયમંડ, રોકડના વ્યવહારો આંગડિયા પેઢીમાં રોજના અંદાજિત રૂ. 30 કરોડના થાય છે, પરંતુ હાલમાં રૂ.10 હજારનો દાગીનો પણ કોઈ મોકલવા તૈયાર નથી. આચારસંહિતાને કારણે 80 ટકા વ્યવહારો ઠપ થઈ ગયા છે.
તેમ આંગડિયા પેઢીના સંચાલકો જણાવે છે. રાજકોટમાં રોજના દિલ્હી, મુંબઈ, અમદાવાદ, સુરત, વડોદરા, રાજસ્થાન, ઉત્તરપ્રદેશ, સહિત દેશભરમાં થાય છે. આંગડિયા પેઢીના સંચાલકોના જણાવ્યાનુસાર અત્યારે હાલમાં કોઈ વેપારીઓ જ આવતા નથી. સૌ કોઈને પોતાનો માલ પડકાઈ જવાનો અને કાયદાકીય આંટીઘૂંટીમાં ફસાઇ જવાનો ડર છે.
હાલ લગ્ન સિઝન ચાલી રહી છે. જેને કારણે સોના-ચાંદીના પાર્સલ મોકલવાનું અને મગાવવાનું પ્રમાણ સૌથી વધારે હોય છે. રોકડ, સોના-ચાંદી ઉપરાંત જનરલ ગુડઝ, કાપડ સહિતની ચીજવસ્તુના આંગડિયા થાય છે.
માલ મોકલવા અને મગાવવા વિશ્વાસુ કર્મચારીનો સહારો
હાલ લગ્ન સિઝન ચાલુ છે. એટલે પાર્સલ મોકલવા અને મગાવવાનું પ્રમાણ સૌથી વધારે રહેતું હોય છે. ઓર્ડરના અનુસંધાને ફરજિયાત રીતે પાર્સલ કરવું પડે એમ જ હોય ત્યારે વેપારીઓ પાર્સલ એકસાથે મોકલવાને બદલે બે-ત્રણ ભાગમાં મોકલી રહ્યાં છે. અથવા તો પેઢીના એકદમ વિશ્વાસુ માણસ હોય તેને જ પાર્સલ મોકલે છે. અને તે પણ પૂરતી તકેદારી અને સુરક્ષા સાથે. સામાન્ય રીતે માસ ટ્રાન્સપોર્ટના બદલે ખાસ વાહનમાં માલ મોકલવા-મગાવવામાં આવે છે.
આ સપ્તાહમાં આંગડિયા પેઢી ચાલુ રાખવી કે બંધ કરવી તેનો નિર્ણય લેવાશે
હાલ આંગડિયા પેઢીમાં કોઈ વ્યવહાર કે વેપાર નથી. માણસોના પગાર, વીજબિલના ખર્ચા વગેરે ચાલુ જ છે. આમાં ઘરના પૈસા નાખીને કામ કરવું પડે છે. આ પરિસ્થિતિમાં કામકાજ કરવું પોષાય એમ નથી. આથી આંગડિયા પેઢી બંધ કરવા અંગે ચર્ચા- વિચારણા ચાલી રહી છે. આ સપ્તાહે બેઠક યોજાશે. જેમાં નિર્ણય લેવામાં આવશે કે પેઢી ચાલુ રાખવી કે બંધ. જોકે લગભગ તો આંગડિયા પેઢી ચૂંટણી સુધી બંધ રહે તેવી સંભાવના છે. સોની વેપારીઓ ખુદ માલ અને રોકડ મોકલવામાં ડર અનુભવી રહ્યા છે. > દીપકભાઈ પટેલ, ઉપપ્રમુખ આંગડિયા પેઢી એસોસિએશન
સોની બજાર, આંગડિયા પેઢીમાં આ ચર્ચા સૌથી વધુ
કોઈ પાર્સલ અટકાવે છે કે કેમ?
હાઈવે પર કેવું ચેકિંગ છે?
ગાડી,વાહનમાં દરેક ચીજવસ્તુ ચેક કરે છે?
મારે પાર્સલ મોકલવું છે કોઈ પ્રોબ્લેમ થશે કે કેમ?
હાલમાં કોઈ ધંધા જ નથી
આમાં કેવી રીતે વેપાર કરવો
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.