તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Rajkot
  • In Rajkot, Only 1 Tree Per 3 Persons, The Number Of Trees In The Area Considered As Center Point Is Less, If There Is A Lack Of Oxygen In This, It Is Not New.

વિશ્વ પર્યાવરણ દિવસ:રાજકોટમાં 3 વ્યક્તિએ માત્ર 1 જ વૃક્ષ, સેન્ટર પોઇન્ટ ગણાતા વિસ્તારોમાં વૃક્ષોની સંખ્યા ઓછી,આમાં ઓક્સિજનની અછત સર્જાય તો નવાઈ નહીં

રાજકોટ7 દિવસ પહેલાલેખક: શુભમ્ અંબાણી
પ્રદૂષણથી બચવા આપણે માસ્ક પહેરવાં પડશે.
  • હાઇરાઇઝ બિલ્ડિંગ તથા બાંધકામોને પગલે વૃક્ષોનું નિકંદન

5 જૂન, એટલે વિશ્વ પર્યાવરણ દિવસ. આજે 47મા પર્યાવરણ દિવસની સમગ્ર વિશ્વમાં ઉજવણી થઈ રહી છે. વૃક્ષોની કિંમત આપણને કોરોનાની બીજી લહેરમાં બરાબરની સમજાય ગઈ છે, કારણ કે બીજી લહેરમાં ઓક્સિજનની અછતને કારણે રાજકોટ સહિત દેશભરમાં કોરોના દર્દીનાં ટપોટપ મૃત્યુ થયાં હતાં. આ સમયે લોકોને પોતાના સ્વજનને બચાવવા માટે રઝળપાટ કરી વલખાં મારવા પડ્યા હતા. આ પાછળનું એક જ કારણ છે એ છે વૃક્ષોનું નિકંદન. રાજકોટમાં પર્યાવરણની જાળવણીની વાત કરીએ તો શહેરમાં 3 વ્યક્તિએ માત્ર 1 જ વૃક્ષ છે. 152 ગાર્ડન છે. તેમાંય સૌથી વધુ હરિયાળી વોર્ડ નં.9, 10, 11 અને 12માં, સૌથી ઓછી જૂના રાજકોટમાં છે, પરંતુ રાજ્યમાં 100 ટકા વૃક્ષારોપણની દૃષ્ટિએ 50 ટકા જ વૃક્ષારોપણ થયું છે.

રાજકોટના સેન્ટર પોઇન્ટ ગણાતા વિસ્તારોમાં વૃક્ષોની સંખ્યા ઓછી
રાજકોટમાં રહેલી હરિયાળી લાલીમા વિશે Divya Bhaskar સાથે વાત કરતાં રાજકોટ મહાનગરપાલિકાના પાર્ક્સ એન્ડ ગાર્ડન શાખાના ડાયરેક્ટર ડો.કે.ડી. હાપલિયાએ જણાવ્યું હતું કે રાજકોટમાં 7 લાખથી વધુ વૃક્ષો આવેલાં છે, જેમાં સૌથી વધુ વૃક્ષો વોર્ડ નં.9, 10, 11, 12, 13માં આવેલાં છે અને જૂના રાજકોટમાં સૌથી ઓછાં વૃક્ષો છે અર્થાત કરણપરા, વિજયપ્લોટ, દીવાનપરા, પરાબજાર સહિતના રાજકોટના સેન્ટર પોઇન્ટ ગણાતા વિસ્તારોમાં વૃક્ષોની સંખ્યા ઓછી છે. હાલ રાજકોટમાં 152 પ્રજાજોગ ગાર્ડન આવેલાં છે. ખાસ તો લોકોએ બિનજરૂરી વૃક્ષોનું નિકંદન થતું રોકવું જોઈએ.

રાજકોટમાં 700 વર્ષ જૂનું વૃક્ષ રાજવી પેલેસમાં છે
તેમણે વધુમાં જણાવ્યું હતું કે તાઉ-તે વાવાઝોડામાં સર્જાયેલી તારાજીને કારણે 135 જેટલાં વૃક્ષ ધરાશાયી થયાં હતાં તેમજ 300 વૃક્ષમાં ડાળીઓ તૂટી ગઇ હતી. પર્યાવરણના સંદર્ભમાં જોઈએ તો રાજ્યમાં 100 ટકા વૃક્ષારોપણની દૃષ્ટિએ રાજકોટમાં 50 ટકા વૃક્ષારોપણ થયું છે. હાલ રાજકોટમાં આમ્ર, જામ્બુ, સાગ, રાયણ, ફણસ, વડો, બીલી, વાંસ, મધુપર્ણિકા, અરિસ્ઠ, મહુડો, તિલક, બોરડી, આમળાં, કદમ્બ, વેંત, ઇન્દ્રજવ,પોરિયા, અર્જુન, તમાલ, અશોક, ગુલાબ, કેવડો, ખેર, ખીજડો, કેસુડો, વડ, કરેણ, બહેડા, હરડે, લેજેસ્ટોમિયા, વડ, પીપળો, કેરડા સહિત અનેક વૃક્ષો આવેલાં છે.તેમજ રાજકોટમાં 700 વર્ષ જૂનું વૃક્ષ રાજવી પેલેસમાં આવેલું છે, જેનું નામ એડન સોનિયા ડીજી ટાટા (મહાવૃક્ષ) છે.

47 એકરમાં અઢી કરોડના ખર્ચે રામવન બનશે
આ ઉપરાંત રાજકોટમાં 47 એકર જમીનમાં મહાનગરપાલિકાએ અઢી કરોડના ખર્ચે આજી ડેમ પાસે અર્બન ફોરેસ્ટ બનાવવાનું શરૂ કર્યું છે, જેનું ભૂમિપૂજન CM વિજય રૂપાણીના હસ્તે કરવામાં આવ્યું હતું અને CMએ તેને રામવન નામ આપ્યું છે, જેમાં વિવિધ સુવિધા ઊભી કરવામાં આવશે, જેમાં પક્ષીઓને ભોજન મળી રહે એ પ્રકારનાં વૃક્ષો શેતૂર, ઉમરો, ગોરસ આંબલી જેવાં વૃક્ષોનું વાવેતર થશે. આ અંગે વધુમાં ડો. હાપલિયાએ જણાવ્યું હતું કે રાશિવનમાં રાશિ મુજબ વૃક્ષારોપણ કરવામાં આવશે. જેથી લોકોને ખ્યાલ આવે કે તેમની રાશિ મુજબ કયુ વૃક્ષ આવે છે. આપણા ગ્રહોને ધ્યાને રાખી વૃક્ષોની પસંદગી કરવામાં આવી છે અને જૈન સમાજના 24 તીર્થકર છે એ મુજબ પીપળો, ઉમરો, વડ સહિતનાં વૃક્ષોનું વાવેતર કરવામાં આવશે.

13 નર્સરી ખાતે વન વિભાગ દ્વારા 15.79 લાખ રોપાઓનો ઉછેર
કલકત્તા વિશ્વવિદ્યાલયના પ્રોફેસર ટી.એમ. દાસના એક રિસર્ચ મુજબ, 50 વર્ષનું વૃક્ષ તેના જીવનકાળ દરમિયાન ઓક્સિજનનો પ્રત્યક્ષ કે પરોક્ષ લાભ માનવજીવનને આપે છે, જેમાં વૃક્ષ દ્વારા ઉત્પન કરાતો ઓક્સિજન, હવાનું શુદ્ધીકરણ, જમીનનું સંરક્ષણ, પશુ-પંખીઓનું સંરક્ષણ સહિત અનેક રીતે વૃક્ષ માનવજીવનને ઉપયોગી બને છે. ત્યારે રાજકોટમાં ફૂલ-છોડના વિવિધ રોપાઓનો ઉછેર અંગે નાયબ વન-સંરક્ષક રવિ પ્રસાદ રાધેક્રિશ્નને જણાવ્યું હતું કે વન વિભાગ દ્વારા સામાજિક વનીકરણ યોજના અંતર્ગત વર્ષ 2021-22માં 72મા વન મહોત્સવ હેઠળ રાજકોટ જિલ્લાની 13 નર્સરી ખાતે વન વિભાગ દ્વારા 15.79 લાખ રોપાનો ઉછેર તેમજ વેચાણ શરૂ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત 52 વિકેન્દ્રિત નર્સરીઓ હેઠળ 6.60 લાખ રોપા તૈયાર કરવામાં આવ્યા છે.

વૃક્ષછેદન કેસમાં કલમો હેઠળ ગુનો નોંધાય છે
આ થઈ શહેરી વિકાસની વાત, પરંતુ રાજકોટને ગ્રીનસિટી બનાવવાની વાત કરવામાં આવે છે. ગ્રીનસિટીને બદલે રાજસ્થાનના રણ જેવી સ્થિતિ સર્જાય છે. ઉનાળાની સીઝનમાં સૂર્યદેવ કોપાયમાન બન્યા હોય છે ત્યારે ગરમીનો પારો શહેરમાં વધતો જ જાય છે. શહેરી વિસ્તારમાં વૃક્ષછેદન કરનાર વિરુદ્ધ સૌરાષ્ટ્ર વૃક્ષછેદન ધારો 1951ની કલમ હેઠળ મામલતદાર ગુનો નોંધી શકે, જ્યારે જંગલ વિસ્તારમાં ભારતીય વન અધિનિયમ 1927 મુજબ વન વિભાગ ગુનો નોંધી શકે છે, પરંતુ આવા કેસ તંત્રના ચોપડે આંગળીના વેઢે ગણાય એટલા નોંધાયા છે.

હાઇરાઇઝ બિલ્ડિંગ તથા બાંધકામોને પગલે વૃક્ષોનું નિકંદન
સિમેન્ટ-કોંક્રીટનાં જંગલોને પગલે શહેરમાં હરિયાળી માત્ર નામની રહી ગઈ છે. મિનિસ્ટ્રી ઓફ અર્બન ડેવલપમેન્ટના નિયમ મુજબ, મીડિયમ ટાઉનમાં 18થી 20 ટકા વૃક્ષ હોવાં જોઇએ, પરંતુ રાજકોટ શહેરમાં વહીવટી તંત્રના આંખ મીંચામણાને કારણે એક સમયે શહેરના રસ્તાઓ પર ઘટાટોપ વૃક્ષો શહેરની શાન હતી, એ આજે ભૂતકાળ બની ગયો છે. શહેરમાં ઠેકઠેકાણે હાઇરાઇઝ બિલ્ડિંગ તથા બાંધકામોને પગલે વૃક્ષોનું નિકંદન કરવામાં આવતાં એની સંખ્યા ઘટી છે. કેન્દ્ર સરકારના મિનિસ્ટ્રી ઓફ અર્બન ડેવલપમેન્ટના નિયમ મુજબ, સ્મોલ ટાઉનમાં 12થી 14 ટકા, મિડિયમ ટાઉનમાં 18થી 20 ટકા અને મેટ્રોસિટીમાં 20થી 25 ટકા વૃક્ષ હોવાં જોઇએ.

ગ્રીન એક્શન પ્લાન નિષ્ફ્ળ
રાજકોટમાં ગ્રીન એક્શન પ્લાનની જાહેરાત કરવામાં આવી છે, પણ રાજકોટ શહેરની કડવી વાસ્તવિકતા એવી છે કે ગુજરાતના સુરત, વડોદરા, ગાંધીનગર, ભાવનગર, અમદાવાદ, જૂનાગઢ અને જામનગર શહેરની તુલનામાં રાજકોટ છઠ્ઠા ક્રમાંકે છે. સુરત અને અમદાવાદ સિવાયનાં અન્ય તમામ શહેરો ગ્રીન કવરમાં રાજકોટ કરતાં આગળ છે. શહેરમાં 5.56 લાખ જેટલાં વૃક્ષો હોવાનો સર્વે વર્ષ 2012માં થયો હતો. જોકે ત્યાર પછી સરકારી તંત્ર દ્વારા કોઈ સરવે થયો નથી, પણ છેલ્લાં ત્રણ વર્ષમાં ચોમાસા દરમિયાન વૃક્ષારોપણના કાર્યક્રમ યોજી મહાપાલિકા અનેક સંસ્થાઓ દ્વારા લાખો વૃક્ષોનું પ્લાન્ટેશન કરવામાં આવ્યું છે. જોકે જવાબદાર તંત્ર દ્વારા વૃક્ષારોપણ બાદ વૃક્ષોની જાળવણીમાં જોઇએ એટલું ધ્યાન અપાતું નથી, જેને કારણે લાખો રૂપિયાના ખર્ચે વાવવામાં આવેલાં વૃક્ષોનું બાળમરણ થઈ જાય છે અને શહેરને ગ્રીનકવરની વાત માત્ર મહાપાલિકાની ફાઈલોમાં સમાય જાય છે.

પ્રદૂષણથી બચવા આપણે માસ્ક પહેરવાં પડશે
કોવિડ-19ને કારણે જીવનમાં કદી ન કલ્પેલી સામાજિક, આર્થિક પરિસ્થિતિ આપણે અનુભવી છે, ત્યારે પ્રકૃતિ પ્રત્યેના પ્રેમને અને તેની સાથેના આપણા સંબંધોને પુનઃ મજબૂત કરવાના આ મહામૂલા અવસરને આપણે કાયમ માટે ટકાવી રાખીને પર્યાવરણના જતનની સાથે આપણી આવનારી પેઢીને સ્વચ્છ અને સુંદર પર્યાવરણની ભેટ આપીએ. અત્યારે તો આપણે કોરોનાથી બચવા માસ્ક પહેરીએ છીએ, પણ જો પર્યાવરણની યોગ્ય રીતે જાળવણી નહીં કરીએ તો એ દિવસ દૂર નથી જ્યારે પ્રદૂષણથી બચવા આપણે માસ્ક પહેરવાં પડશે. તો ચાલો, આ વિશ્વ પર્યાવરણના દિવસે પર્યાવરણની જાળવણી માટે સમય ફાળવવા અને એક છોડ રોપી એના જતન થકી પ્રકૃતિની જાળવણી માટે સંકલ્પબદ્ધ બનીએ.