વિવાદ:રાજકોટમાં શિક્ષક દિન નિમિતે કોરોના મહામારીનો ભોગ બનેલા શિક્ષકોને સહાય નહીં મળતાં શિક્ષકોએ અફસોસ વ્યક્ત કર્યો

રાજકોટ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
રાજકોટના જિલ્લા શિક્ષણાધિકારી બી.એસ.કૈલા - Divya Bhaskar
રાજકોટના જિલ્લા શિક્ષણાધિકારી બી.એસ.કૈલા
  • ઓનડયૂટી માત્ર બે શિક્ષકોના નિધન થયા,વહીવટી કર્મચારીઓ પણ કોરોનાની મહામારીનો ભોગ બન્યા.
  • કોરોના વોરીયર્સ તરીકે જાહેર કરવામાં આવ્યા પછી આ શિક્ષકોને સરકારે કોઇ પ્રકારની મદદ કરી નથી.

રાજ્ય સરકારે કોરોના વોરિયર્સ ગણીને શિક્ષકોને કોરોનાની મહામારી દરમિયાન કામે લગાડી લીધા બાદ અનેક શિક્ષકો અને તેમના પરિવારજનો કોરોનાની મહામારીની ઝપટે ચડી ગયા છે. તેને આર્થિક મદદ કે સારવારમાં પ્રાયોરીટી આપવાની વાત તો દૂર રહી મહામારીને કારણે હોમ આઇસોલેશન રહેવું પડયું તેની 14 દિવસની રજા પણ સ્પેશ્યલ લીવ તરીકે મંજૂર નથી કરી. જેનો અફસોસ આજે શિક્ષક દિન નિમિતે માધ્યમિક શિક્ષકોએ વ્યક્ત કર્યો હતો.

બે શિક્ષકો કોરોના મહામારીનો ભોગ બન્યાં
કોરોનાને કારણે રાજકોટ જિલ્લામાં ઓન ડયૂટી જે શિક્ષકનું અવસાન થાય તેને જ કોરોના વોરીયર્સ તરીકે 25 લાખની સહાય ચુકવવામાં આવે છે. જે પૈકી રાજકોટ જિલ્લામાં 2 શિક્ષકો ઓનડયૂટી દરમિયાન કોરોનાની મહામારીનો ભોગ બન્યા હતા. તેમાંથી ગોંડલ તાલુકાના શિક્ષકને 25 લાખની સહાય ચુકવાઇ છે જયારે બીજા શિક્ષકની દરખાસ્ત ગાંધીનગર કરવામાં આવી છે. પણ હજુ સુધી સહાય ચુકવાઇ નથી.

ઓનડયૂટી માત્ર બે શિક્ષકોના નિધન થયા છે
આ પ્રકારની વિગતો સાથે રાજકોટના જિલ્લા શિક્ષણાધિકારી બી.એસ.કૈલાએ જણાવ્યું હતું કે, રાજકોટ જિલ્લામાં 9 શિક્ષકો કોરોનાને કારણે અવસાન પામ્યા છે. અલબત્ત ઓનડયૂટી માત્ર બે શિક્ષકોના નિધન થયા છે. શાળાના વહીવટી કર્મચારીઓ પણ કોરોનાની મહામારીનો ભોગ બન્યા છે. પરંતુ તેમના માટે કોઇ સહાયની જોગવાઇ કરવામાં આવી નથી. રાજકોટ જિલ્લામાં અંદાજે 1500 થી વધુ શિક્ષકો રસીકરણ, અનાજ વિતરણ, ઓક્સિજન વિતરણ હોસ્પિટલમાં દર્દીઓને ફ્રુટ વિતરણ સહિતની પ્રવૃત્તિઓમાં કામે લાગ્યા હતા. શિક્ષકોને કામે લગાડવા માટે વોરીયર્સ તરીકે જાહેર કરવામાં આવ્યા હતા. જે પૈકી અનેક શિક્ષકો મહામારીનો ભોગ બન્યા હોવા છતાં આજ સુધી કોઇ પ્રકારની આર્થિક મદદ મળી નથી.

સ્પેશ્યલ લીવ મંજૂર કરવાને બદલે રજા ઉધારવામાં આવી
રાજકોટ જિલ્લામાં કોરોનાની મહામારીએ અનેક પરિવારોની હાલત ડામાડોળ કરી દીધી છે. જેમાં શિક્ષક પરિવારોની સ્થિતિ સૌથી વધુ ચિંતાજનક બની રહી હોવાની વિગતો સાથે રાજકોટ જિલ્લા માધ્યમિક શિક્ષક સંઘના આગેવાનોએ જણાવ્યું હતું કે, કોરોનાને કારણે અનેક શિક્ષકોએ પોતાના પરિવારજનોને ગુમાવ્યા છે. કોરોના વોરીયર્સ તરીકે જાહેર કરવામાં આવ્યા પછી આ શિક્ષકોને સરકારે કોઇ પ્રકારની મદદ કરી નથી. સ્પેશ્યલ લીવ મંજૂર કરવાને બદલે રજા ઉધારવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...