માંગ:રાજકોટમાં NSUIએ DEO કચેરી ખાતે બેનર સાથે વિરોધ પ્રદર્શન યોજી ધો.10-12ના અભ્યાસક્રમમાં 30% ઘટાડો કરવાની માંગ કરી

રાજકોટ5 મહિનો પહેલા
  • શિક્ષણવિભાગ ત્વરીત નિર્ણય નહી લે તો વાલીઓ- વિધાર્થીઓને સાથે મોટુ આંદોલન થશે: NSUI

રાજકોટમાં ધો.10-12ના અભ્યાસક્રમમાં 30 ટકાનો ઘટાડો કરવાની માંગ ઉઠાવી NSUI દ્વારા આજે જિલ્લા શિક્ષણાધિકારીને આવેદનપત્ર સુપ્રત કરી રજૂઆત કરવામાં આવી હતી. તેમજ આ મામલે યોગ્ય પગલા નહીં લેવાય તો ગાંધી ચીંધ્યા માર્ગે ઉગ્ર આંદોલનના મંડાણ કરવાની ચેતવણી પણ આપવામાં આવી હતી. આ રજૂઆત સમયે NSUIએ સુત્રોચ્ચાર કરી વાતાવરણ ગજવી મુકેલ હતું.

ઓનલાઈન શૈક્ષણિક કાર્ય ચાલુ હતુ
આ અંગે NSUIના જિલ્લા પ્રમુખ રોહિતસિંહ રાજપુતે જણાવ્યું હતું કે, કોરોના કાળને લીધે શાળા-કોલેજોમાં ફીઝીકલ શિક્ષણ બંધ હતું અને ઓનલાઈન શૈક્ષણિક કાર્ય ચાલુ હતુ. પરંતુ આ વર્ષનાં સત્ર-1માં ધો. 10-12નાં વિદ્યાર્થીઓનાં શૈક્ષણિક કાર્ય માટે સરકારે જાહેર કરેલી ગાઈડલાઈન અનુસાર 50 ટકા કેપેસીટી સાથે ક્લાસમાં બેસાડવાની મંજુરી હોવાથી મોટાભાગની સ્કૂલો અઠવાડિયામાં માંડ 3 દિવસ વિદ્યાર્થીઓને બોલાવતા હતા.

ઝડપથી અભ્યાસક્રમ પૂર્ણ કરવો પડે છે
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, સ્વાભાવિક છે કે ધો. 10-12ના વિદ્યાર્થીઓ માટે જેના કારકિર્દીના અતિ મહત્વપૂર્ણ ગણાતા વર્ષમાં જ કોર્ષ પૂર્ણ ના થાય તો કેવી પરિસ્થિતિઓનું નિર્માણ થયું હોય. અને જો શિક્ષકોએ કોર્ષ પૂર્ણ કરવો હોય તો સ્કૂલમાં વિદ્યાર્થીઓને એકસ્ટ્રા સમય બોલાવીને ઝડપથી અભ્યાસક્રમ પૂર્ણ કરવો પડે છે.

બોર્ડની પરીક્ષાઓમાં 30 ટકા કોર્સ ઘટાડો કરવામાં આવ્યો
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, જો કે મહત્વપૂર્ણ બાબત એ પણ છે કે સીબીએસઇ બોર્ડ પણ ત્રણ મહિના અગાઉ જ જાહેરાત કરી છે કે બોર્ડની પરીક્ષાઓમાં 30 ટકા કોર્સ ઘટાડો કરવામાં આવ્યો છે. ગુજરાત બોર્ડનાં ધોરણોમાં રાખવામાં આવેલ એનસીઇઆરટીના મોટાભાગનો કોર્સ સીબીએસઇની સાથે સરખામણીમાં એકસરખો છે

70 ટકા અભ્યાસક્રમમાં પરીક્ષા આપશે
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, સીબીએસઇના વિદ્યાર્થીને પરીક્ષામાં 70 ટકા અભ્યાસક્રમ અને ગુજરાત બોર્ડનાં વિદ્યાર્થી 100 ટકા અભ્યાસક્રમની પરીક્ષાઓ આપશે એટલે ગુજરાત બોર્ડનાં વિદ્યાર્થીઓને ધો.12 પરિણામોમાં અને તે પછી મહત્વપૂર્ણ કોર્સોમાં એડમીશન સમયે અન્યાય થશે.

જનરલ ઓપ્શનનો નિર્ણય ચિંતાજનક
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, કોરોનાની બીજી લહેરને લીધે મોટાભાગના વિદ્યાર્થીઓનાં પરિવારો આર્થિક દ્રષ્ટિની સાથે અમુક વિદ્યાર્થીઓએ પરિવારજન ગુમાવ્યા તેથી માનસિક રીતે પણ ચિંતામાં છે ત્યારે આ તમામ બાબતો પરિણામો પર સીધી અસર કરતી હોય છે. આ બાબતનો શિક્ષણ વિભાગના મોટા અધિકારીઓને ખ્યાલ હોવા છતાં તાજેતરમાં જ જનરલ ઓપ્શનનો નિર્ણય લીધો તે વિદ્યાર્થી જગત માટે ચિંતાજનક છે.

તત્કાલ પગલા લેવા અમે માંગ ઉઠાવી છે
વધુમાં તેમણે જણાવ્યું હતું કે,વિદ્યાર્થીઓએ, વાલી સંગઠનો અને સ્કૂલ સંચાલકોએ સરકારમાં અનેક રજૂઆતો કર્યા છતાં શિક્ષણ વિભાગ હજુ ઘોર નિંદ્રામાં છે જેથી આ બાબતે તત્કાલ પગલા લેવા અમે માંગ ઉઠાવી છે.