તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મથામણ:રાજકોટમાં કોરોના સાવ નબળો પડ્યો, હવે સિવિલને એક અઠવાડિયામાં ‘મ્યુકોરમાઈકોસિસલેસ’ બનાવવાનો લક્ષ્યાંક, 700 સર્જરીનો નવો રેકોર્ડ

રાજકોટ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
રાજકોટ સિવિલ હોસ્પિટલનો મ્યુકોરમાઈકોસિસ વોર્ડ. - Divya Bhaskar
રાજકોટ સિવિલ હોસ્પિટલનો મ્યુકોરમાઈકોસિસ વોર્ડ.
  • અત્યારે 190 દર્દીઓ દાખલ, સર્જરીની જરૂર હશે તેવા દર્દીઓને 30 જૂન સુધીમાં સર્જરી પુરી દેવાશે
  • હાલ રોજ બેથી ત્રણ જ મ્યુકોરમાઈકોસિસના કેસ મળી રહ્યા છે, 19 વર્ષથી નીચેના ત્રણ દર્દી

કોરોના બાદ મ્યુકોરમાઈકોસિસથી ઉભરાયેલી સિવિલ હોસ્પિટલમાં ધીમે ધીમે સ્થિતિ થાળે પડી રહી હોય તેવી રીતે બંન્ને બીમારીના દર્દીઓમાં નોંધપાત્ર ઘટાડો થઈ રહ્યો છે. કોરોનાના કેસમાં ઘટાડો થવા લાગતાં હવે સિવિલમાં આંગળીના વેઢે ગણી શકાય તેટલા જ દર્દીઓ સારવાર મેળવી રહ્યા છે. એક સમયે 800થી વધુ મ્યુકોરમાઈકોસિસના દર્દીઓ દાખલ થઈ જતાં મચેલી અફડાતફડી પણ શાંત પડવા લાગી છે. અત્યારે સિવિલમાં મ્યુકોરના 190 જેટલા દર્દીઓ જ દાખલ હોવાથી નવ દિવસની અંદર જરૂર હોય તેવા તમામ દર્દીઓની સર્જરી કરીને તેમને રજા આપી દેવાનો લક્ષ્યાંક સિવિલ હોસ્પિટલ દ્વારા નિર્ધારિત કરવામાં આવ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે. સિવિલમાં 700 સર્જરીનો રેકોર્ડ થયો છે.

અત્યારે દરરોજ 15થી 20 જેટલી સર્જરી કરવામાં આવી રહી છે
આ અંગે સિવિલ સુપરિટેન્ડેન્ટ ડો.આર.એસ.ત્રિવેદીએ જણાવ્યું કે, હવે મ્યુકોરમાઈકોસિસની બીમારી કાબૂમાં આવી રહી છે અને દરરોજ બેથી ત્રણ જ કેસ આવી રહ્યા છે. અત્યારે સિવિલમાં 190 દર્દીઓ મ્યુકોરમાઈકોસિસની સારવાર મેળવી રહ્યા છે અને તે પૈકીના જે દર્દીને સર્જરી કરવાની જરૂર લાગશે તેમને તા.30 જૂન સુધીમાં મતલબ કે નવ દિવસમાં પૂર્ણ કરી દઈને રજા આપી દેવાનો લક્ષ્યાંક તબીબો દ્વારા રાખવામાં આવ્યો છે. અત્યારે દરરોજ 15થી 20 જેટલી સર્જરી કરવામાં આવી રહી છે. પરંતુ 30 સુધીમાં સિવિલને ‘મ્યુકોરમાઈકોસિસલેસ’ કરવાનો લક્ષ્યાંક રખાયો હોવાથી જરૂર પડ્યે સર્જરીની સંખ્યામાં પણ વધારો કરવામાં આવશે. સિવિલ હોસ્પિટલમાં અત્યાર સુધીમાં 700 જેટલા દર્દીઓની સર્જરી કરવામાં આવી છે જે સમગ્ર દેશમાં નવો રેકોર્ડ છે.

મોટી ઉંમરના દર્દીઓ મ્યુકોરમાઈકોસિસમાં સપડાયા હતા.
મોટી ઉંમરના દર્દીઓ મ્યુકોરમાઈકોસિસમાં સપડાયા હતા.

મોટાભાગના દર્દીઓની ઉંમર 52થી 59 વર્ષની હતી
ડો.ત્રિવેદીએ ઉમેર્યું કે સિવિલમાં અત્યાર સુધીમાં જેટલા દર્દીઓ દાખલ થયા છે તેમાંથી મોટાભાગના દર્દીઓની ઉંમર 52થી 59 વર્ષની હતી જેમને મ્યુકોરમાઈકોસિસની બીમારી લાગુ પડી હતી. જ્યારે ત્રણ દર્દી એવા પણ છે જેમની ઉંમર 19 વર્ષથી નીચેની હતી. જો કે તેમની સફળ સર્જરી થઈ જતાં અત્યારે તેઓ સાજા થઈ ચૂક્યા છે.

એક સમયે મ્યુકોરમાઈકોસિસના 35થી વધુ કેસ રોજના નોંધાતા
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, હવે મ્યુકોરમાઈકોસિસના કેસમાં પણ નોંધપાત્ર ઘટાડો થઈ રહ્યો છે અને એક સમયે 35થી વધુ કેસ દૈનિક નોંધાતાં હતા જે હવે ઘટીને ત્રણ જેટલા થઈ ગયા છે. સિવિલમાં દાખલ 190 દર્દીઓની સારવારમાં ઝડપ લાવી 30 જૂન સુધીમાં તમામને રજા આપી દેવામાં આવે તે પ્રકારની અમારી તૈયારી છે. એકંદરે નવ દિવસમાં સિવિલમાં મ્યુકોરમાઈકોસિસનો એક પણ દર્દી દાખલ ન રહે તેવો અમારો લક્ષ્યાંક છે અને તેને હાંસલ કરવા માટે અમે તમામ પ્રયાસો કરી લેશું.

મ્યુકોરમાઈકોસિસને પણ નેસ્ત નાબૂદ કરવા તબીબો મેદાને
ઉલ્લેખનીય છે કે રાજકોટમાંથી કોરોના વિદાય લઈ રહ્યો હોય તેવી રીતે ગઈકાલે બપોર સુધીમાં એક પણ કેસ નોંધાયો નથી કે છેલ્લા 24 કલાકમાં એક પણ દર્દીનું મૃત્યુ થયું નથી ત્યારે હવે કોરોનાની સાથે સાથે મ્યુકોરમાઈકોસિસને પણ નેસ્ત નાબૂદ કરવા માટે તબીબો મહેનત કરી રહ્યાં છે.

સિવિલ હોસ્પિટલના સુપરિન્ટેન્ડેન્ટ ડો.આર.એસ.ત્રિવેદી.
સિવિલ હોસ્પિટલના સુપરિન્ટેન્ડેન્ટ ડો.આર.એસ.ત્રિવેદી.

મ્યુકોરમાઈકોસિસનું પ્રમાણ વધવાના કારણો

1.86% દર્દીઓ કોવિડ પોઝિટિવ રિપોર્ટ આવ્યો હતો અને અન્ય 14% માં પણ એસિમ્પટેમેટિક કોરોના હોય શકે છે.
2.વેક્સિનના બન્ને ડોઝ લીધા હોય તેવા દર્દીઓની સંખ્યા 0.39% છે અને એક ડોઝ લીધો હોય તેવા 1.66% છે. જ્યારે 64 % દર્દીઓએ વેક્સિન નહીં લીધાનું જણાવ્યું છે.
3.દર્દીઓના વયજૂથમાં સૌથી વધુ 50થી 59 વર્ષના 32%, 60થી 69 વર્ષના 25%, 30થી 39 વર્ષના 11% અને 40થી 49 વર્ષના 21% દર્દીઓ છે. આમ, સૌથી વધારે દર્દીઓ 40થી 60 વર્ષના છે.
4.મ્યુકોરમાઈકોસિસ મોટાભાગે એવા લોકોને જ થયો છે જેઓ કોમોર્બીડ અથવા ડાયાબિટીસ જેવી અન્ય બિમારી ધરાવે છે. આવા દર્દીની સંખ્યા 83% છે.
5.સિવિલના રેકોર્ડ અનુસાર બાયપેપ કે વેન્ટિલેટરથી ઓક્સિજન ટ્રીટમેન્ટ લીધી હોય અને મ્યુકોરમાઈકોસિસ હોય તેવા દર્દીઓ 39% છે.
6.60% કેસો એવા છે જેઓએ સ્ટીરોઈડની સારવાર લીધી છે.

અન્ય સમાચારો પણ છે...