સુધા સુધરતી જ નથી:રાજકોટમાં નામચીન ડ્રગ પેડલર સુધા ધામેલીયા ફરી મેફેડ્રોન ડ્રગ સાથે ઝડપાઇ, રૂ.1.22 લાખનો મુદામાલ કબ્જે

રાજકોટએક મહિનો પહેલા
  • કૉપી લિંક
મહિલા ડ્રગ પેડલર સુધા ધામેલિયા - Divya Bhaskar
મહિલા ડ્રગ પેડલર સુધા ધામેલિયા
  • ડ્રગ્સ, દારૂ, જુગાર, રાયોટિંગ, મારામારીના ગુનામાં સુધા ધામેલિયા પોલીસ ચોપડે ચડી ચૂકી છે

રાજકોટની કુખ્યાત મહિલા ડ્રગ પેડલર સુધા ધામેલીયા આજે ફરી પોલીસના હાથે મેફેડ્રોન ડ્રગ સાથે ઝડપાઇ છે. રાજકોટ SOG પોલીસે મહિલા ડ્રગ પેડલર સુધા અને તેના સાગરીત અનિરૂધ્ધસિંહ વાઘેલાને 10.75 ગ્રામ મેફેડ્રોન ડ્રગ સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે સુધા અગાઉ અનેક વખત ગ્સ, દારૂ, જુગાર, રાયોટિંગ, મારામારી,તેમજ NDPS ના ગુનામાં પોલીસના હાથે પકડાઇ ચુકી છે.

10.75 ગ્રામ MD ડ્રગ ઝડપાયું
રાજકોટ શહેરમાં ડ્રગ તેમજ નશીલા પદાર્થનું વેચાણ અટકાવવા માટે ગૃહમંત્રી હર્ષ સંઘવીએ રાજકોટની મુલાકાત દરમિયાન અધિકારીઓને સૂચના આપી હતી. જે બાદ પોલીસ અલગ અલગ દિશામાં કાર્યવાહી કરી હતી અને ગાંજા તેમજ મેફેડ્રોન ડ્રગ સાથે આરોપીની ધરપકડ કરી હતી. આજ રોજ પોલીસે ચોક્કસ બાતમીના આધારે રામધામ સોસાયટી મેઈન રોડ પર હર્ષિલ ટાઉનશીપ પાસેથી સુધા ધામેલીયા અને તેના સાગરીત અનિરૂધ્ધસિંહ વાઘેલાની મેફેડ્રોન ડ્રગ સાથે ધરપકડ કરી હતી. પોલીસે સુધા અને તેના સાગરીત પાસેથી પાસેથી 1 લાખ 7 હજાર 500 કિંમતના 10.75 ગ્રામ MD ડ્રગ સહીત બે મોબાઈલ ફોન મળી કુલ 1,22,650નો મુદામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આરોપી અનિરૂધ્ધસિંહ વાઘેલા
આરોપી અનિરૂધ્ધસિંહ વાઘેલા

ડ્રગ્‍સ મુંબઇથી લઇ આવ્‍યાનું રટણ
સુધાની પ્રાથમિક પુછતાછમાં સુધા અને અનિરૂધ્‍ધસિંહે પોતે આ ડ્રગ્‍સ મુંબઇથી લઇ આવ્‍યાનું રટણ કર્યુ છે. ઉલ્લેખનિય છે કે મનહરપ્‍લોટમાંથી બે દિવસ પહેલા ઝડપાયેલો વણિક શખ્‍સ યોગેશ બારભાયા પણ 6.69 લાખનું એમડી ડ્રગ્‍સ મુંબઇથી લાવ્‍યાનું કબુલ્‍યું હતું. તેના રિમાન્‍ડ પુરા થતાં તે જેલહવાલે થયો છે. ત્‍યાં હવે નામચીન ડ્રગ્‍સ પેડલરની છાપ ધરાવતી સુધા ધામેલીયા અને તેનો સાગરીત મેફેડ્રોન સાથે ઝડપાયા છે. આ બંનેએ પણ મુંબઇથી માદક પદાર્થ લઇ આવ્‍યાનું રટણ કર્યુ હોઇ વિશેષ તપાસ પીઆઇ બી. એમ. ઝણકાટ અને ટીમે હાથ ધરી છે.

વેચાણ નહિ કર તો મારી નાખીશ
ઉલ્લેખનીય છે કે આરોપી સુધા ધામેલીયા રાજકોટની નામચીન મહિલા ડ્રગ પેડલર છે. અગાઉ તે એક વખત પાસા હેઠળ પણ જેલવાસ ભોગવી ચુકી છે તદુપરાંત રાજકોટના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન તેમજ NDPSના કેસમાં પણ પોલીસના હાથે ઝડપાઇ ચુકી છે. થોડા સમય અગાઉ સુધા એ રાજકોટના એક યુવાનને ડ્રગ વેચવા દબાણ કર્યું હતું અને 'વેચાણ નહિ કર તો મારી નાખીશ' તેવી ધમકી આપી હતી જેથી યુવાને આત્મહત્યા કરી લેતા યુનિવર્સીટી પોલીસે યુવાનને મરવા મજબુર કરવા ગુનામાં પણ સુધા ધામેલીયા સામે આઇપીસી કલમ 306 વિરુધ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.

અગાઉ સુધા વિરૂદ્ધ પોલીસમાં 6 ગુના નોંધાઇ ચૂક્યા છે
નોંધનીય છે કે થોડા સમય પહેલા પૂર્વ ક્રિકેટરની માતાએ સુધા ધામેલીયાનું નામ મુખ્ય ડ્રગ્સ પેડલર તરીકે આપ્યું હતું. આ સાથે સુધા ધામેલીયા વિરૂદ્ધ અગાઉ પ્રદ્યુમનનગર પોલીસમાં રાયોટિંગ, યુનિવર્સિટીમાં જુગારનો અને બી-ડિવીઝનમાં NDPSનો કેસ નોંધાયો હતો. જ્યારે ઇમરાન ઉર્ફે ગઢવી વિરૂદ્ધ એ-ડિવીઝન, રેલવે, ડીસીબીમાં દારૂના અને બી-ડિવીઝનમાં અપહરણ-હત્યાનો કેસ મળી કુલ છ ગુના નોંધાઇ ચૂક્યા છે.

અન્ય સમાચારો પણ છે...