મનપાની તવાઈ:રાજકોટમાં કમ્પ્લીશન સર્ટિફિકેટ વિના ધમધમતી 82 હોસ્પિટલોને નોટિસ ફટકારવામાં આવી, નિયમોના ભંગ થતા હોય તે જગ્યા સીલ કરાશે : મ્યુનિ. કમિશ્નર

રાજકોટ17 દિવસ પહેલા
  • કૉપી લિંક
મ્યુનિ.કમિશનર અમિત અરોરાની ફાઈલ તસ્વીર - Divya Bhaskar
મ્યુનિ.કમિશનર અમિત અરોરાની ફાઈલ તસ્વીર
  • પાર્કિંગ સહિતની જગ્યામાં ગેરકાયદે બાંધકામ દેખાયું છે

રાજકોટ સહિત રાજયમાં હોસ્પિટલ, શાળાઓ સહિતની મિલ્કતોમાં બિલ્ડીંગ યુઝ પરમીશન અને ફાયર સેફટીના સાધનો ફરજીયાત રાખવા સરકાર અને અદાલતે અવારનવાર સૂચનાઓ આપી છે ત્યારે મહાનગરમાં બીયુપી માટે કરાયેલા ચેકીંગ અને સર્વેના અંતે 82 નાની મોટી હોસ્પિટલો પાસે આ બાંધકામ વપરાશ પરવાનગી ન હોવાનું ધ્યાને આવતા નોટીસ આપવામાં આવી છે. આ મુદ્દે મ્યુનિ.કમિશનર અમિત અરોરાએ જણાવ્યું હતું કે, નિયમોના ભંગ થતા હોય તે જગ્યા સીલ કરાશે.

નોટીસ અને મુદત આપવામાં આવ્યા છે
ટીપી શાખાએ કરેલી કાર્યવાહી અંગે મ્યુનિ.કમિશનર અમિત અરોરાએ જણાવ્યું હતું કે, ગત મહિને પ્રાથમિકતાના ધોરણે નાની મોટી હોસ્પિટલોમાં સઘન ચેકીંગ કાર્યવાહી કરવામાં આવી હતી. તમામ જગ્યાએ બિલ્ડીંગ યુઝ પરમીશન અંગે ખરાઇ કરવામાં આવી હતી. પાંચ બેડથી વધુની હોસ્પિટલનો તેમાં સમાવેશ કરવામાં આવ્યો હતો. જુદા જુદા કારણોથી 82 જગ્યાએ બીયુ ન હોય નોટીસ અને મુદત આપવામાં આવ્યા છે.

પાર્કિંગ સહિતની જગ્યામાં ગેરકાયદે બાંધકામ દેખાયું છે
સંજોગો અને કારણો અંગે તેઓએ કહ્યું હતું કે અનેક હોસ્પિટલ અગાઉ પંચાયત વિસ્તારમાં કે રૂડા વિસ્તારમાં આવતી હતી. આથી ત્યાંના નિયમો મુજબના કાગળો તેઓ પાસે છે પરંતુ હવે આ વિસ્તાર કોર્પો.માં આવી ગયા હોય, ટાઉન પ્લાનીંગના નિયમો લાગુ પડે છે. નિયમના અમલ અને સલામતી સૌથી આગળ છે. છતાં ઘણી જગ્યાએ તો પાર્કિંગ સહિતની જગ્યામાં ગેરકાયદે બાંધકામ દેખાયું છે. આવી હોસ્પિટલો સીલ મારીને બંધ કરાવવાની કાર્યવાહી પણ ભવિષ્યમાં કરવામાં આવશે.

કોમર્શિયલ કોમ્પલેક્ષ વચ્ચે હોસ્પિટલ છે
ઘણી હોસ્પિટલમાં માર્જીનમાં બાંધકામ છે. અમુક જગ્યાએ સૂચિતમાં બાંધકામ ઉભા હોય તેવું દેખાયું છે. કેટલાક સ્થળે કોમર્શિયલ કોમ્પલેક્ષ વચ્ચે હોસ્પિટલ છે આથી અહીં હોસ્પિટલ કઇ રીતે અલાયદી બાંધકામ પરવાનગી પ્રક્રિયા, કમ્પલીશન અને ફાયર સેફટીના નિયમોનો અમલ કરાવી શકે તેવા પ્રશ્ર્નો પણ સામે આવતા રહ્યા છે. આથી રાજકોટમાં હોસ્પિટલોનો પ્રશ્ન ઘણો પેચીદો હોવાનું ટીપી શાખાને લાગ્યું છે.

અન્ય સમાચારો પણ છે...