રાજકોટમાં જાણીતી રાજ બેંકની ચૂંટણી 9મી એપ્રિલ યોજવાનો કાર્યક્રમ જાહેર થયો હતો. ખોડલધામના ચેરમેન નરેજ પટેલનો રાજ બેંકમાં દબદબો છે. બેંકમાં 20 બેઠકોની ચૂંટણી માટે ગઇકાલે ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ હતો. પરંતુ 20 બેઠક છતાં 18 ફોર્મ જ ભરાયા હતા. આજે ફોર્મની ચકાસણી થઇ હતી. તમામ માન્ય રહ્યા હતા. આ સંજોગોમાં બોર્ડના 18 ડાયરેક્ટરો બિનહરિફ જાહેર થતા ચૂંટણીની આવશ્યકતા રહેતી નથી. આજે 18 ડાયરેક્ટરો બિનહરિફ જાહેર થયા તે તમામ નરેશ પટેલ જૂથના હોવાનું જાણવા મળ્યું છે.
બે જગ્યા ઇરાદાપૂર્વક ખાલી રાખવામાં આવી
રાજ બેંક પર ખોડલધામ ચેરમેન નરેશ પટેલ જૂથનું જ શાસન હતું અને તેનો જ દબદબો રહ્યાનું સ્પષ્ટ થયું છે. ચૂંટાયેલા નવા ડાયરેક્ટરોમાં હર્ષદ માલાણી, નરેન્દ્રસિંહ (ટીકુભાઇ) જાડેજા, જીલ ટીલાળા, ડી.કે.પટેલ, હિતેષ પરસાણા, પ્રણય વિરાણી, ગોપાલ અકબરી, મિતુલ દોંગાનો સમાવેશ થાય છે. સૂત્રોના કહેવા પ્રમાણે બેકિંગમાં પ્રોફેશનલને સમાવી શકાય તે માટે બે જગ્યા ઇરાદાપૂર્વક ખાલી રાખવામાં આવી છે. ભવિષ્યમાં તે ભરવામાં આવશે. રાજ બેંકનું ડાયરેક્ટર બોર્ડ બિનહરિફ થયા બાદ હવે આવતા દિવસોમાં ચેરમેન, વાઇસ ચેરમેન સહિતના હોદ્દેદારોની ચૂંટણી થશે.
તમામ 18 ફોર્મ સ્ક્રૂટીનીમાં માન્ય રખાયા
20માંથી 18 ફોર્મ જ ભરાયા હતા. ચકાસણી દરમિયાન તમામ 18 ફોર્મ સ્ક્રૂટીનીમાં માન્ય રખાયા હતા. આથી નરેશ પટેલ જૂથના તમામ ડાયરેક્ટરો બિનહરિફ જાહેર થતા ચૂંટણીની આવશ્યકતા રહેતી ન હોવાનું જાણવા મળ્યું છે. નરેશ પટેલ રાજકારણમાં જોડાશે કે નહીં તે અંગે અટકળો ચાલી રહી છે. નરેશ પટેલે કોંગ્રેસનો હાથ પકડ્યો હોવાનું નિશ્ચિત માનવામાં આવી રહ્યું છે. ત્યારે રાજકારણમાં જોડાઇ એ પહેલા જ નરેશ પટેલે સહકારી ક્ષેત્રે પણ મેદાન માર્યું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.