રાજકોટના મહાનગરપાલિકાના નેતા વશરામભાઈ સાગઠિયા અને કોમલબેન બારાઈ ગઈકાલે કોંગ્રેસમાંથી પક્ષપલ્ટો કરીને આમ આદમી પાર્ટી(AAP)માં જોડાયા હતા. રાજકોટ મનપામાં કોર્પોરેટરોની કુલ 72 બેઠક છે. જેમાં 68 બેઠક પર ભાજપ છે. બાકીની 4 બેઠક પર કોંગ્રેસ હતું. જયારે આમ આદમી પાર્ટીની એક પણ વોર્ડમાં જીત થઈ ન હતી. પરંતુ કોંગ્રેસની કુલ 4 બેઠકમાંથી 2 કોર્પોરેટરોએ પક્ષપલ્ટો કરતા કોંગ્રેસ તરફથી વિપક્ષના પદ પર બેસનારા આ બે નેતાઓએ હવે આપનું પ્રતિનિધિત્વ કરશે. જેથી તેમને હવે વિપક્ષના કોર્પોરેટરનું પદ મળશે કે નહીં એ ચર્ચાનો મુદ્દો બન્યો છે. અને જો કોંગ્રેસમાંથી હજુ એક કોર્પોરેટર પક્ષપલટો કરશે તો વિપક્ષ પદ પણ જતું રહેશે.
આપના ચિહ્ન પર ચૂંટાયા નથી
ચૂંટણી વિભાગના સૂત્રો અનુસાર જેતે પક્ષના ચિહ્ન પર ચૂંટણી જીતનાર ચૂંટાયેલા કૂલ સભ્યોમાં એક તૃતિયાંશ એટલે કે ત્રીજા ભાગના (33 ટકા) કરતા ઓછા સભ્યો પક્ષપલ્ટો કરે તો પક્ષાંતર ધારા હેઠળ તેઓને કોર્પોરેટર પદે ગેરલાયક ઠેરવી શકાય છે. પરંતુ, કોંગ્રેસના કૂલ 4માંથી 2 કોર્પોરેટરો વશરામ સાગઠીયા અને કોમલબેન બારાઈએ પક્ષપલ્ટો કરીને આમ આદમી પાર્ટીમાં જોડાયા છે. આમ, આ બન્ને કોર્પોરેટરો આપના ચિહ્ન પર ચૂંટાયા નથી છતાં હવે મનપાની બેઠકો, હવે પછી જનરલ બોર્ડમાં આમ આદમી પાર્ટીનું પ્રતિનિધિત્વ કરશે.
આમ આદમી પાર્ટી દાવો કરી શકશે
ઉપરાંત, હજુ ત્રીજા કોર્પોરેટર મકબુલ દાઉદાણી પણ કોંગ્રેસથી છેડો ફાડે તેવી શક્યતા પક્ષપલ્ટો કરનાર સભ્યોએ દર્શાવી છે. જો, એમ થાય તો આમ આદમી પાર્ટી બાકાયદા વિપક્ષી નેતાનું પદ જે હાલ ભાનુબેન સોરાણીને મળ્યું છે અને તે હોદ્દાની રૂએ તેમને સાધનસજ્જ એ.સી.ઓફિસ, મોટરકાર સહિતની સુવિધા અપાઈ છે તે પદ માટે આમ આદમી પાર્ટી દાવો કરી શકશે.
કોર્પોરેટરોએ કોંગ્રેસમાંથી રાજીનામુ આપ્યું છે
ભાજપના સૂત્રોએ જણાવ્યું કે નવા નિયમ મૂજબ સંભવતઃ બે તૃતિયાંશ સભ્યો જોઈએ અને તે મૂજબ બન્ને ગેરલાયક ઠરી શકે અને પેટાચૂંટણી યોજવી પડે. છતાં સ્પષ્ટ નિયમ શુ તે અંગે ચૂંટણી પંચનું ઉચ્ચસ્તરે માર્ગદર્શન મેળવાઈ રહ્યું છે. ઉપરોક્ત બન્ને કોર્પોરેટરોએ કોંગ્રેસમાંથી રાજીનામુ આપ્યું છે જે અન્વયે પ્રદેશ કોંગ્રેસના સૂત્રો અનુસાર તેમની સામે શિસ્તભંગના પગલા લેવા પક્ષમાંથી હકાલપટ્ટી કે સસ્પેન્શનના પગલા લેવાશે. આમ થયા બાદ મનપાને તેની કોંગ્રેસ દ્વારા જાણ કરાયા બાદ વિધિવત દરખાસ્ત કરાશે.
નિયમોના ચોપડા ખોલીને તેની ચકાસણી કરી
કોંગ્રેસના પક્ષપલ્ટાથી રાજકોટમાં ભાજપ,કોંગ્રેસ, આમ આદમી પાર્ટી સહિત કાર્યકરો, નેતાઓમાં જોગવાઈ ચકાસવા ભારે ધમધમાટ રહ્યો હતો. આજે રજાના દિવસે ચૂંટણી તંત્રના અધિકારીઓએ નિયમોના ચોપડા ખોલીને તેની ચકાસણી કરી હતી અને સાંજે આ સૂત્રો અનુસાર એક તૃતિયાંશ કરતા સંખ્યા ઓછી હોય તો પક્ષાંતર ધારો લાગુ પડે તેવો મત આપ્યો હતો. શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણીએ જણાવ્યું કે અમે પૂરો અભ્યાસ કરી, ગાંધીનગર માર્ગદર્શન મેળવીને આ મુદ્દે આગળ નિર્ણય લેશું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.