181ની ટીમ પરિણીતાના વ્હારે:રાજકોટમાં સાસુ પરિણીતાના વાળ ખેંચીને સાવરણીથી મારતા, ઘરમાં પૂરી રાખતા, જાગૃત નાગરિકે 181ને જાણ કરી હતી

રાજકોટ6 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસવીર. - Divya Bhaskar
ફાઈલ તસવીર.

ગુજરાતમાં મહિલાઓને ઘરેલું હિંસા સહિતની વિવિધ પ્રકારની હિંસા, મુશ્કેલીમાં તાત્કાલિક ધોરણે બચાવ અને સલાહ-માર્ગદર્શન મળી રહે તે માટે 181 મહિલા અભયમ હેલ્પલાઈન 24 કલાક કાર્યરત છે. ત્યારે રાજકોટમાં વધુ એક કિસ્સામાં અભયમ ટીમ પીડિત મહિલાને સ્વજનની જેમ તેની વ્હારે આવી છે. મહિલાનું કાઉન્સેલિંગ કરતી વખતે જાણવા મળ્યું હતું કે, સાસુ વાળ ખેંચીને સાવરણીથી માર મારતા હતા અને ઘરમાં પૂરી રાખી હતી. જોકે મહિલાએ સાસુના ત્રાસની વાત ચિઠ્ઠીમાં લખી ઘરની બહાર ફેંકી હતી. આ ચિઠ્ઠી જાગૃત નાગરિકને મળતા તેણે 181ને જાણ કરી હતી.

સાસુ પીડિતાને બહાર ક્યાંય જવા દેતા નહીં
16 માર્ચના રોજ જાગૃત નાગરિકે 181 અભયમ હેલ્પલાઈન નંબર ઉપર કોલ કરી જણાવ્યું હતું કે, રાજકોટમાં એક પરિણીતાને ઘરમાં પૂરાયેલી રાખી છે. તેના સાસુ મારકૂટ કરે છે. ઘરને લોક કરીને બહાર જાય છે. પીડિતાને બહાર ક્યાંય જવા દેતા નથી. આથી પીડિતાની મદદ માટે કાઉન્સિલેર ચંદ્રિકા મકવાણા, કોન્સ્ટેબલ સંગીતાબેન પંડ્યા અને ડ્રાઇવર જયદીપભાઈ ગઢવીની 181 અભયમ હેલ્પલાઈન ટીમ કાઉન્સેલિંગ માટે મોકલી આપવામાં આવે.

સાસુની બીકે કોઈ તેની મદદ કરતું નહોતું
અભયમ ટીમ જાગૃત નાગરિકે જણાવેલા સરનામાં ઉપર તાકીદે પહોંચી હતી. અભયમ ટીમે જાગૃત નાગરિક પાસેથી પ્રાથમિક માહિતી લેતાં જાણ્યું કે, એક મહિલા ઘણા સમયથી લોકોનો સહયોગ માગે છે. પણ તેના સાસુની બીકે કોઈ તેની મદદ કરતું નથી. પીડિત મહિલાએ હિન્દી ભાષામાં ચિઠ્ઠી લખીને બહાર ફેંકી હતી. ચિઠ્ઠી પરથી લાગ્યું કે આ મહિલા મુશ્કેલીનો સામનો કરી રહી છે.

જૂન મહિનામાં પીડિતાનાં કોર્ટ મેરેજ થયા હતા
ત્યારબાદ અભયમ ટીમે પીડિતાનું કાઉન્સેલિંગ કરતા જાણવા મળ્યું કે, ગત જૂન મહિનામાં પીડિતાનાં કોર્ટ મેરેજ થયા હતા. પીડિતાનાં સાસુ તેને વાળ ખેંચીને સાવરણીથી મારે છે. પીડિતાનાં નાણાં, ઘરેણાં, અભ્યાસનાં ડોક્યુમેન્ટ્સ, એટીએમ કાર્ડ પણ સાસુએ લઈ લીધા છે. સાસુ પીડિતાને રસોડાંમાં રસોઈ પણ બનાવવા દેતા નથી. પીડિતાના જમવાના વાસણ, પાણીનું પાત્ર જેવી વસ્તુઓ ઉપર અલગ રાખે છે.

પતિ ક્યારેક વાતચીત કરવા ઉપરના માળે જતો
ઘરમાં પરિણીતાના પતિ, સાસુ અને સસરા તમામ નીચેની બાજુ રહે છે. પતિ ક્યારેક વાતચીત કરવા ઉપરના માળે આવે ત્યારે પીડિતા પતિને પોતાના ઉપર ગુજરતા ત્રાસ બાબતે જણાવે તો પતિ ખોટા આશ્વાસન આપે છે કે થોડા સમયમાં પરિસ્થિતિ સારી થઈ જશે. પરંતુ આજ દિન સુધી કોઈ સમસ્યાનું સમાધાન થયું નથી.

સાસુ કંઈ પણ સાભળવા-સમજવા તૈયાર નથી
પરિણીતાની વ્યથા જાણીને અભયમ ટીમે સાસુનું કાઉન્સેલિંગ કરીને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ સાસુ બહુ ઉગ્ર હોય અને કંઈ પણ સાંભળવા-સમજવા તૈયાર ન હતા. આથી, પીડિતાની ઈચ્છા અનુસાર જે-તે વિસ્તારના પોલીસ સ્ટેશનમાં અરજી કરી હતી. આમ, અભયમ ટીમ પીડિતાને સાસરિયાના ત્રાસમાં રાહત આપવામાં સહાયરૂપ બની હતી.

અન્ય સમાચારો પણ છે...