રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં લમ્પી વાઇરસને કારણે ઊહાપોહ મચ્યો છે પણ તંત્ર હજુ પણ સબસલામતનો દાવો કરી રહ્યું છે જ્યારે સામે પશુપાલકો રોષે ભરાયા છે. રાજકોટમાં તંત્રએ મંગળવારની સ્થિતિએ લમ્પીથી 21 ગાયનાં મોત હોવાની પુષ્ટિ કરી છે ત્યારે આ દાવાની હકીકત જાણવા ભાસ્કર મૃત પશુઓના નિકાલ કરવાના કામમાં જોડાયેલા કામદારો સુધી પહોંચતા ઘટસ્ફોટ થયો છે કે લમ્પીના કારણે શરીર ક્ષીણ થયું હોય અને ઢીમણા થયા હોય તેવા દોઢ મહિનામાં 450 કરતા વધુ ગૌવંશના મૃતદેહોનો શહેરના અલગ અલગ ભાગમાંથી નિકાલ કરાયો છે!
રાજકોટ શહેરમાં પશુઓનાં મોત થાય એટલે શહેરના છેવાડાના વિસ્તારના 5થી 6 કામદારોને પશુઓના મૃતદેહોના નિકાલ કરવાની જવાબદારી સોંપાય છે. તેમના સુધી ભાસ્કરની ટીમ પહોંચી હતી અને અત્યાર સુધીમાં લમ્પીગ્રસ્ત પશુઓની સ્થિતિ વિશે પૂછ્યું હતું. સુરેશભાઈ રાઠોડે જણાવ્યું હતું કે, ગાયનું શરીર ખૂબ જ ક્ષીણ થયું હોય છે જ્યારે તેઓએ ચામડું ઉતાર્યુ તો એ હદ સુધી ખરાબ થયું હતું જે હજુ સુધી નથી જોયું ચામડામાં કાણા હોય છે તેથી તે પણ ફેંકી દેવું પડે છે તેમણે થોડા જ સમયમાં રૈયાધાર અને મુંજકા સહિતમાંથી 25 ઢોર અને તેમના સહયોગીએ 35 ઢોર ઉપાડ્યા હતા.
હરિભાઈએ જણાવ્યું હતું કે, મૃત પશુઓના નિકાલ માટે સૌથી વધુ તેમને ફોન આવે છે. છેલ્લા દોઢ મહિનામાં તેઓ એકલાએ લમ્પીગ્રસ્ત ગાયોના 350થી વધુ મૃતદેહો અલગ અલગ વિસ્તારોમાંથી લઈ જઈ નિકાલ કર્યો છે. તેઓએ જણાવ્યું કે, ગાયનું ચામડું ઉતાર્યા બાદ ખબર પડે છે કે ગાંઠ ચામડીથી શરૂ થઈ છેક અંદર ઉતરી ગઈ હોય છે, ચામડામાં બધી જ જગ્યાએ કાણા હોય છે તેથી ફેંકી દેવું પડે છે.
ગાયના શરીરમાં અને ખાસ કરીને ફેફસાંમાં પાણી ભરાયેલા હોય છે અને હૃદય અને લિવર ખૂબ જ ડેમેજ થઈ ગયા હોવાથી ક્ષતવિક્ષત થઈ જાય છે. તેઓ છેલ્લા ઘણા સમયથી જામનગર રોડ પરની અલગ અલગ ગૌશાળાઓ, માધાપર સહિતના વિસ્તારોમાંથી દૈનિક 5થી 7 લમ્પીગ્રસ્ત ગાયોના મૃતદેહોનો નિકાલ કરી રહ્યા છે.
આ વાત પરથી સ્પષ્ટ થાય છે કે, રાજકોટમાં ઘણા પશુઓનો લમ્પીએ ભોગ લઈ લીધો છે. મુંજકા, જામનગર રોડ, રૈયાધાર અને માધાપર સૌથી અસરગ્રસ્ત વિસ્તારો છે ત્યાં ખરેખર તંત્ર કામગીરી કરે તો હજુ પણ અનેક ગૌવંશને બચાવી શકાય છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.