વ્યાજખોરોએ જીવ લીધો:રાજકોટમાં વ્યાજખોરોએ દુકાન લખાવી લેવાની ધમકી આપતા વેપારીએ પરિવાર સાથે ઝેર પીધું, પુત્રનું મોત

રાજકોટ11 દિવસ પહેલા
  • કૉપી લિંક
પરિજનોએ પોલીસ સમક્ષ ન્યાયની માંગ કરી - Divya Bhaskar
પરિજનોએ પોલીસ સમક્ષ ન્યાયની માંગ કરી

રાજકોટ શહેરમાં વ્યાજખોરીને સદંતર ડામી દેવાની પોલીસ તંત્રની વાતો વચ્ચે વેપારીએ ચાર વ્યાજખોરની પઠાણી ઉઘરાણી, ધમકીથી કંટાળીને પત્ની, પુત્ર સાથે ઝેરી દવા પીધી હતી. જ્યાં સારવાર દરમિયાન પુત્રનું મોત નીપજ્યું છે. જયારે દંપતી હાલ સારવાર હેઠળ છે.આ ઘટનાને પગલે પરિજનોએ પોલીસ સમક્ષ ન્યાયની માંગ કરી છે.

દુકાનદારની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે.
દુકાનદારની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે.

વેપારીની તબિયત પણ નાજુક
આ અંગેની પ્રાપ્ત વિગતો અનુસાર યુનિવર્સિટી રોડ, મિલાપનગર-2માં રહેતા વેપારીએ પત્ની અને પુત્ર ધવલ સાથે ગત મોડી રાતે ઝેરી દવા પી લીધી હતી. દરમિયાન બપોર સુધી વેપારી દુકાને નહિ આવતા તેમના મોટાભાઇ ઘરે આવી તપાસ કરતા ત્રણેયને ઝેરી દવા પીધેલી હાલતમાં મળી આવ્યા હતા. જેથી તુરંત 108 મારફતે સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. બનાવની જાણ થતા યુનિવર્સિટી પોલીસ હોસ્પિટલ દોડી ગઇ હતી. વેપારીની તબિયત નાજુક હોય પોલીસે સારવાર લઇ રહેલા વેપારીના પુત્ર ધવલની પૂછપરછ બાદ સંજયરાજસિંહ મહેન્દ્રસિંહ ઝાલા, ધવલ પપ્પુ મુંધવા, યુવરાજસિંહ ઝાલા અને મહેબૂબ શાહ નામના વ્યાજખોર સામે મનીલેન્ડ એક્ટ, આઇપીસી 386, 506(2)ની કલમ હેઠળ ગુનો નોંધ્યો હતો. ત્યારે આજે ધવલનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે.

પોલીસે પુત્ર ધવલનું નિવેદન નોંધ્યું હતું
પોલીસે પુત્ર ધવલનું નિવેદન નોંધ્યું હતું

ઝેરોક્સની દુકાન લખાવી લેવા ધમકી આપે છે
નોંધનીય છે કે મૃતક ધવલ પત્ની અમરેલી પિયર ગઇ છે. ધવલ તેના પિતા સાથે ઝેરોક્સની દુકાન ચલાવે છે. પિતાએ પુત્રને વાત કરી હતી કે, આપણે વ્યાજે લીધેલા નાણાંની વ્યાજખોરો પઠાણી ઉઘરાણી કરી ઝેરોક્સની દુકાન લખાવી લેવા સતત ફોન પર ધમકી આપે છે. જેથી હવે મરવા સિવાય કોઇ રસ્તો નથી. જે વાતથી પોતે અને મમ્મી સહમત થતા પિતાએ ઝેરી દવાની બોટલ કાઢી હતી. જે ઝેરી દવા પાણીમાં ભેળવી પી લીધી હોવાનું સામે આવ્યું હતું.

મહિલાની હાલત સુધારા પર.
મહિલાની હાલત સુધારા પર.

પઠાણી ઉઘરાણીથી કંટાળીને ઝેર પીધું
પોલીસ તપાસમાં સામે આવ્યું હતું કે, ધંધાના કામે લક્ષ્મીવાડીના સંજયરાજસિંહ ઝાલા પાસેથી રૂ.10 લાખ, સાડીની દુકાન ધરાવતા યુવરાજસિંહ ઝાલા પાસેથી રૂ.50 હજાર અને ત્રિકોણબાગ પાસે બેઠક ધરાવતા મહેબૂબ શાહ પાસેથી રૂ.8 લાખ લીધા હતા. જેનું સમયસર વ્યાજ સાથેની રકમ ચૂકવી છતાં ચારેય સતત પિતાને પઠાણી ઉઘરાણી કરતા કંટાળીને પગલું ભર્યું હતું. હાલ ધવલના મોતથી પરિવારમાં ગમગીની છવાઈ છે.