રાજકોટમાં આજે કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી મનસુખ માંડવીયા એઇમ્સ રાજકોટના પરાપીપળીયા ખંઢેરી ખાતેના કેમ્પસની મુલાકાતે આવ્યા હતા. જ્યાં તેમણે પત્રકાર પરિષદ યોજીને મીડિયાને જણાવ્યું હતું કે, ત્રીજી લહેર ડાઉન થઈ ગઈ છે પરંતુ થર્ડવેવમાં દવાની ખપત 4 ગણી વધી છે. જેથી દવાઓ સાથે હોસ્પિટલ અને ડોક્ટરો પાસે વેક્સિન સરળતાથી મળી રહે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી રહી છે. હજુ બે વેક્સિન આવવાની પણ શક્યતા છે.
સેકન્ડ વેવમાં પણ દવાની ખપત 3 ગણી વધી હતી
કેન્દ્ર સરકારના બે કેબીનેટ મંત્રી અને ગુજરાતમાંથી રાજય સભાના સાંસદ મનસુખભાઇ માંડવીયા તથા પુરૂષોતમભાઇ રૂપાલા આજથી બે દિવસ ગુજરાતની મુલાકાત પર છે. જેને પગલે આજે રાજકોટ આવેલા આરોગ્ય મંત્રી મનસુખ માંડવીયાએ વધુમાં જણાવ્યું હતું કે, દેશના 96% નાગરિકોને વેક્સિનનો પ્રથમ ડોઝ આપી દેવામાં આવ્યો છે. વેક્સિનના કારણે બીજા કરતા ત્રીજી લહેરમાં લોકોને હોસ્પિટલમાં સારવાર નહિવત લેવી પડી છે છતાંય જે રીતે સેકન્ડ વેવમાં દવાની ખપત 3 ગણી વધી હતી એ જ રીતે થર્ડવેવમાં દવાની ખપત 4 ગણી વધી છે. જેથી બીજી લહેરની સરખામણીમાં ત્રીજી લહેરમાં લોકોને હોસ્પિટલમાં સારવાર નહિવત લેવી પડી છે.ઉલ્લેખનીય છે કે આજે મનસુખ માંડવીયાએ કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ અને ભાજપના વરિષ્ઠ નેતા વજુભાઈ વાળા સાથે મુલાકાત પણ કરી હતી.
HWCના ડોક્ટરોને યોગ્ય સૂચનો કરશે
આજે AIIMS ખાતે સમીક્ષા બેઠક બાદ મનસુખ માંડવિયાએ મીડિયાને જણાવ્યું હતું કે, દેશમાં 22 એઈમ્સમાંથી એક રાજકોટમાં બની રહી છે. ડિસેમ્બર પહેલા મેઈન ઓપીડીનું કામ પૂર્ણ કરાશે, હાલ એઈમ્સમાં ફેકલ્ટીની ભરતી શરૂ કરાઈ છે. હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર ખાતે વધુ નિદાનની જરૂરીયાત જણાઈ તો ટેલી HWC ફેસિલિટી શરૂ કરાશે. જેમાં દર્દીને ડોક્ટર ચકાશસે અને સ્પેશિયાલિસ્ટ ડોક્ટરની સલાહ જણાય તો AIIMSના ડોક્ટરો સાથે જોડાઈ જશે.
દર માસે 50 લાખ વેક્સિનનું ઉત્પાદન
વધુમાં તેમણે જણાવ્યું હતું કે,સેકન્ડ વેવના સીરો સર્વેમાં દેશમાં 67 ટકા લોકોને એન્ટિબોડી થઇ ચૂકી હતી.હાલ દેશના 96% નાગરિકોને વેક્સિનનો પ્રથમ ડોઝ આપી દેવામાં આવ્યો છે. દર માસે 50 લાખ વેક્સિનનું ઉત્પાદન કરવામાં આવી રહ્યું છે. અને હજુ પણ બે વેક્સિન આવવાની શક્યતા છે. ટૂંક સમયમાં વિશ્વમાં ભારત સૌથી વધુ વેક્સિન બનાવતો દેશ બનશે.
એઈમ્સ પહોંચવા ટ્રાન્સપોર્ટેશનની વ્યવસ્થા કરાશે
એઈમ્સના સ્પેશિયાલિસ્ટ ડોક્ટરો સાથે હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરના ડોક્ટરો ઓનલાઈન કનેક્ટ થશે અને એઈમ્સના સ્પેશિયાલિસ્ટ ડોક્ટરો સ્થાનિક HWCના ડોક્ટરોને યોગ્ય સૂચનો કરશે. મંત્રી માંડવીયા દ્વારા આજે રાજકોટ એઈમ્સને તાત્કાલિક ઈક્વીપમેન્ટ જલ્દી મળે એ માટે આદેશ અપાયા છે. જેમાં રાજકોટ શહેરમાંથી એઈમ્સ પહોંચવા ટ્રાન્સપોર્ટેશનની વ્યવસ્થા કરાશે. આ સાથે 2023 પહેલાએઈમ્સ રાજકોટનું કામ પૂર્ણ કરવાની જાહેરાત પણ કરી છે.
એઇમ્સને હું વ્યક્તિગત કાળજી લઈને બનાવીશ
માંડવિયાએ વધુમાં જણાવ્યું હતું કે, હું તમારો એટલે કે સૌરાષ્ટ્રનો છું. અને રાજકોટની એઇમ્સને હું વ્યક્તિગત કાળજી લઈને બનાવીશ. રાજકોટ સહિત સૌરાષ્ટ્રનાં લોકોને પૂરતો લાભ મળી રહે તે માટે એઇમ્સમાં તમામ જરૂરી સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવશે. તો બજેટ અંગે જણાવતા તેમણે કહ્યું હતું કે, કેન્દ્રીય બજેટમાં આઝાદીના 100 વર્ષ પૂર્ણ થાય ત્યાં સુધી એટલે કે વર્ષ 2047 સુધીમાં દેશ કઈ દિશામાં પ્રગતિ કરશે તેના એક વિઝનને ધ્યાનમાં લેવાયું છે. દરેકને પોતાનું ઘરનું ઘર હોય અને પાણી સહિતની પ્રાથમિક સુવિધાઓ મળી રહેતી હોય તે દિશામાં સરકાર કામ કરી રહી છે. અન્ય દેશોની સરખામણીએ ભારતમાં મોંઘવારી હજુ કાબુમાં છે.
સૌરાષ્ટ્ર ઝોનના વેરહાઉસનું ઉદ્ઘાટન તેમના હસ્તે કરવામાં આવ્યું
કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ, કેમિકલ્સ અને ફર્ટિલાઈઝર મંત્રી મનસુખ માંડવિયાએ આત્મનિર્ભર અર્થવ્યવસ્થા પર જાણકારી આપી હતી. બુદ્ધિજીવી સંમેલનમાં દેશની આગળ ધપતી અર્થવ્યવસ્થા અંગે શહેરના પ્રબુદ્ધ નાગરીકો સાથે સંવાદ કર્યો હતો. આ સાથે તેમણે રાજકોટ એઈમ્સની પણ મુલાકાત લઇ સમીક્ષા બેઠક યોજી હતી. સાથે જ પ્રધાનમંત્રી જન ઔષધી કેન્દ્ર, સૌરાષ્ટ્ર ઝોનના વેરહાઉસનું ઉદ્ઘાટન તેમના હસ્તે કરવામાં આવ્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.