ઉનાળાની શરૂઆત થતાની સાથે જ રાજકોટમાં પાણીનો પોકાર સામે આવ્યો છે. એક તરફ સૌની યોજના મારફત રાજકોટની જીવાદોરી સમાન ડેમો પાણીથી ભરી દેવામાં આવ્યા છે છતાં છતે પાણીએ રાજકોટમાં કેટલાક વિસ્તારોમાં પાણી વગર લોકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે અને ટેન્કર આધારિત જીવન નિર્વાહ ચલાવી રહ્યા છે. આજે રાજકોટમાં કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરિયાના મતવિસ્તારમાં પાણી આપો પાણી આપોના નારા સાથે વોર્ડ નંબર 11ની સિલ્વર ગોલ્ડ રેસીડેન્સીના લોકોએ વિરોધ નોંધાવ્યો હતો.
સત્તાધીશોના પોકળ દાવા
તાજેતરમાં સૌની યોજના મારફત આજી અને ન્યારી ડેમ ભરી દેવામાં આવતા રાજકોટ મહાનગરપાલિકાનાં સત્તાધીશો દ્વારા જુલાઈ મહિના સુધી પાણીની કોઈપણ મુશ્કેલી નહીં પડે તેવા દાવાઓ કરવામાં આવી રહ્યા છે જો કે ઉનાળાની શરૂઆત થતાની સાથે જ કેટલાક વિસ્તારોમાં પાણીની પળોજણ જોવા મળી રહી છે અને મનપાના દાવા પોકળ સાબિત થઇ રહ્યા છે. આજે રાજકોટના વોર્ડ નંબર 11માં પાણી આપો પાણી આપોનાં નારા સાથે સિલ્વર ગોલ્ડ રેસિડેન્સી અને નજીકની સોસાયટીનાં રહેવાસીઓએ સાથે મળી વિરોધ નોંધાવ્યો હતો.
ડિસેમ્બર મહિનાથી સમસ્યા યથાવત
રાજકોટના સિલ્વર ગોલ્ડ રેસિડેન્સીમાં રહેતા કાજલબેન પટેલએ જણાવ્યું હતું કે, દર વર્ષે ઉનાળો આવે એટલે અમારે પાણીની સમસ્યા સર્જાઇ છે. આજે પાણી વેરો ડબલ કરી દીધો છે છતાં અમને પૂરતા ફોર્સથી પૂરતું પાણી નથી મળી રહ્યું. ડિસેમ્બર મહિનાથી આ પ્રશ્ન છે અનેક વખત રજુઆત કરી છે છતાં અમારી રજૂઆતને સાંભળવામાં આવતી નથી.
બધાની મિલીભગત છે
વધુમાં આક્ષેપ કરતા તેમને જણાવ્યું હતું કે, નળ ખોલવા આવતા વ્યક્તિથી શરૂ કરી ઉપર સુધી તમામની મિલીભગત છે. આગળ નવી સોસાયટી બને છે નવા ફ્લેટ બને છે ત્યાં પૂરતું પાણી આવે છે તો અહીંયા કેમ નહિ. ડેમ પાણીથી ભરેલા છે છતાં અમને પાણી કેમ નથી આપવામાં આવતું તે સૌથી મોટો સવાલ છે. અમારે અત્યારે 300 રૂપિયાના ટેન્કર એકાતરા મગાવી જીવન ચલાવવું પડે છે.
ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી
ઉલ્લેખનીય છે કે ત્રણ દિવસ પૂર્વે તમામ લોકોએ સાથે મળી મેયરને ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી. જો કે ત્યારે પણ રહેવાસીઓએને માત્ર આશ્વાસન આપવામાં આવ્યું હતું. ત્યારે હવે પાણી પ્રશ્ન હલ નહિ થાય તો ઉગ્ર આંદોલનની ચીમકી પણ રહેવાસીઓ દ્વારા ઉચ્ચારવામા આવી છે.
પાણીની કોઈ તંગી નથી: મનપા
સમગ્ર મામલે રાજકોટ મનપાના સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કર પટેલએ જણાવ્યું હતું કે, વોર્ડ નં 11ની 6 સોસાયટીઓમાં પાણી ઓછા ફોર્સથી અને ઓછું પાણીની ફરિયાદના નિવારણ માટે સિટી ઇજનેરને સૂચના આપવામાં આવી છે. નવા ભળેલા વિસ્તારમાં ચાલુ કામોને લીધે ક્યાંક ફરિયાદ આવતી હોય છે. જ્યાં પાણીની લાઈનો નથી પહોંચી ત્યાં ટેન્કર દ્વારા પાણી પહોંચાડવાની વ્યવસ્થા કરવામાં આવી છે. પાણીની કોઈ તંગી નથી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.