તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કમોસમી વરસાદ:રાજકોટમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ, મિની વાવાઝોડુ ફૂંકાતા ધૂળની ડમરી ઉડી, પડધરી પંથકમાં કરા સાથે ધોધમાર

રાજકોટ2 મહિનો પહેલા
પડધરી પંથકમાં ધોધમાર વરસાદ.
  • વરસાદથી ખેડૂતોમાં ચિંતા, ઉનાળુ પાકને નુકસાન પહોંચવાની ભીતિ

રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં છેલ્લા એક અઠવાડિયાથી વાતાવરણમાં પલ્ટો જોવા મળી રહ્યો છે. સવારથી બપોર સુધી આકરો તાપ અને બપોર બાદ અચાનક વાતાવરણમાં પલ્ટો આવે છે. આજે પણ બપોર બાદ વાતાવરણમાં પલ્ટો આવતા આકાશ કાળા ડિબાંગ વાદળોથી ઘેરાયું હતું. બાદમાં મિની વાવાઝોડુ ફૂંકાતા ધૂળની ડમરી ઉડી હતી. ભારે પવન અને વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ શરૂ થયો હતો. આથી રાજમાર્ગો ભીંજાયા હતા. શહેરના કાલાવડ રોડ, યાજ્ઞીક રોડ, ઢેબર રોડ, માધાપર ચોક, મોરબી રોડ સહિતના વિસ્તારમાં વરસાદ વરસ્યો હતો. પડધરી પંથકમાં કરા સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો.

વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી
ભારે પવન સાથે વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ હતી. આથી લોકોએ ગરમીમાંથી રાહત મેળવી હતી. હાલ કોરોનાની બીજી ઘાતક લહેર ચાલી રહી છે. ત્યારે વાતાવરણમાં પલ્ટો આવતા અને વરસાદ વરસતા લોકોમાં રોગચાળાની ભીતિ સેવાઇ રહી છે. બીજી તરફ ખેડૂતો પણ ચિંતામાં મૂકાયા છે. હાલ ઉનાળુ પાક તલ, મગ, અડદ, બાજરીના પાકને નુકસાન પહોંચવાની ભીતિ સેવાઇ રહી છે. હાલ ઉનાળુ મગફળીના પાકને ફાયદો થઇ શકે છે.

રાજકોટના રસ્તા ભીંજાયા.
રાજકોટના રસ્તા ભીંજાયા.

પડધરી તાલુકામાં ગાજવીજ સાથે વરસાદ
રાજકોટ જિલ્લાના અનેક વિસ્તારોમાં વરસાદી ઝાપટા વરસ્યા હતા. તેમજ આજે બપોર બાદ પડધરી તાલુકાના ગોવિંદપુર અને આસપાસના અનેક વિસ્તારોમાં વરસાદી ઝાપટુ વરસતા પડતા ખેડૂતો ચિંતિત છે. હાલમાં ઉનાળુ વાવેતરને મોટા પ્રમાણમાં નુકસાન થવાથી ખેડૂતોમાં ચિંતા પ્રસરી ગઇ છે. લોધિકાના ધુળીયા દોમડા સહિતના ગામમાં પણ સારો એવો વરસાદ

શહેરમાં આકાશ બપોર બાદ કાળા ડિબાંગ વાદળોથી ઘેરાયું.
શહેરમાં આકાશ બપોર બાદ કાળા ડિબાંગ વાદળોથી ઘેરાયું.

ગઇકાલે ગોંડલ અને જસદણ પંથકમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો
ગઇકાલે રાજકોટ જિલ્લાના જસદણ અને ગોંડલ તાલુકમાં વીજળીના કડાકા ભડાકા અને ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. જસદણના માધવીપુર, ગોખલાણા, શિવરાજપુર, લાલકા, આટકોટ સહિતના ગામોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. તેમજ ભારે પવનને કારણે ઠેર ઠેર હોર્ડિંગ્સ ધરાશાયી થયા હતા. સૌરાષ્ટ્રના સોરઠ વિસ્તારમાં જો વરસાદ પડે તો કેરીના પાકમાં મોટા પ્રમાણમાં નુકસાન થવાની ખેડૂતોમાં ભીતિ સેવાઇ રહી છે.

પડધરીમાં ભારે પવન સાથે વરસાદ.
પડધરીમાં ભારે પવન સાથે વરસાદ.
અન્ય સમાચારો પણ છે...