• Gujarati News
  • Local
  • Gujarat
  • Rajkot
  • In Rajkot Market Yard, The Income Of Peanuts Is 80 Thousand Times, The Price Of One Gram Is Quoted From Rs. 1050 To Rs. 1200.

નવી મગફળીની હરાજી:રાજકોટ માર્કેટ યાર્ડમાં મગફળીની 80 હજાર ગુણીની આવક, એક મણનો ભાવ રૂ.1050થી રૂ.1200 સુધી બોલાયો

રાજકોટ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
રાજકોટ યાર્ડ મગફળીથી ઉભરાયું. - Divya Bhaskar
રાજકોટ યાર્ડ મગફળીથી ઉભરાયું.
  • મગફળીની સાથે 29 હજાર મણ કપાસની આવક, એક મણનો ભાવ રૂ.900થી રૂ.1600 બોલાયો
  • મગફળીની બમ્પર આવક થતા એક મણે 100 રૂપિયાનો ઘટાડો

રાજકોટ બેડી માર્કેટ યાર્ડમાં ગઇકાલથી મગફળીની આવક શરૂ થઈ છે. આજે દિવાળી પૂર્વે મગફળી અને કપાસની જંગી આવક થઈ હતી. સૌરાષ્ટ્રમાં સારા વરસાદના કારણે મગફળીના પાકનું મબલક ઉત્પાદન થતા દિવાળી પૂર્વે ખેડૂતો દ્વારા મગફળી વેચાણ કરી રોકડ રૂપિયા મેળવવામાં આવી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે આજે મગફળીની હરાજીમાં રૂપિયા 1050થી 1200 સુધી ભાવ બોલાયા હતા. રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં ગઇકાલે મગફળીની આવક શરૂ કરતાં આજે દશેરાના દિવસે રાબેતા મુજબ સવારના સમયે મગફળીની હરાજી કરવામાં આવી હતી. પ્રથમ દિવસે આવક શરૂ કરતાં સાથે મગફળીની 80,000 ગુણી જેટલી જંગી આવક થઇ હતી અને તેની સાથે કપાસની પણ મબલક આવક થઈ હતી. જેને પગલે એક મણે 100 રૂપિયાનો ઘટાડો થયો છે.

યાર્ડમાં પ્રથમવાર મગફળીની વિક્રમજનક આવક
રાજકોટ માર્કેટિંગ યાર્ડના ડિરેક્ટર અતુલ કમાણીએ જણાવ્યું હતું કે, મગફળીની મબલક આવક થતા આજે દશેરાના દિવસે મગફળીની હરાજી કરવામાં આવી હતી. આજે હરાજીમાં મગફળીના 1 મણના ભાવ 1050થી 1200 રૂપિયા બોલાયા હતા. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, ચાલુ વર્ષે રાજકોટ યાર્ડમાં પ્રથમવાર મગફળીની વિક્રમજનક આવક થઈ છે.

યાર્ડમાં મગફળી ભરેલા વાહનોના થપ્પા લાગ્યા.
યાર્ડમાં મગફળી ભરેલા વાહનોના થપ્પા લાગ્યા.

29 હજાર મણ કપાસની આવક થઈ
મગફળીની સાથે કપાસની પણ જંગી આવક થઈ હતી. આજે રાજકોટ યાર્ડમાં કપાસની 29 હજાર મણની આવક થઈ છે. જેમાં કપાસ 1 મણના ભાવ રૂ.900થી રૂ.1600 બોલાયા હતા. ઉલ્લેખનીય છે કે રાજ્ય સરકાર દ્વારા લાભ પાંચમથી ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ કરવાની જાહેરાત કરાઈ છે. પરંતુ ખેડૂતો દિવાળી પૂર્વે જ રોકડી કરવાના મૂડમાં હોય તેમ મગફળી યાર્ડમાં વેચી રહ્યા છે. યાર્ડમાં મગફળીની જંગી આવકોને પગલે નવી જાહેરાત ન થાય ત્યાં સુધી આવકો બંધ કરાઈ હોવાનું યાર્ડના સેક્રેટરી બી.આર. તેજાણીએ જણાવ્યું છે.