તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી:રાજકોટ મનપાની ચૂંટણીમાં 17 ઉમેદવાર અન્ય વોર્ડના, પોતાને જ મત નહીં આપી શકે

રાજકોટ17 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • મતદારો, ટેકેદારોને મતદાનનો ઉત્સાહ આપતા આ મુરતિયાઓ બીજાને મતદાન કરવા જશે!
 • ભાજપના 10 અને કોંગ્રેસના 7 ઉમેદવાર જ્યાંથી ચૂંટણી લડે છે તે વિસ્તારમાં તેઓ રહેતા નથી
 • સ્મૃતિ ઇરાની વોર્ડ નં.7માં લોકસંપર્ક માટે ઘરે ઘરે જશે

રાજકોટ મહાનગરપાલિકાની 72 બેઠક માટે આગામી રવિવારે મતદાન રાખવામાં આવ્યું છે. જેના પગલે ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી સહિતના રાજકીય પક્ષો અને અપક્ષ ઉમેદવારો પ્રચારમાં દોડાદોડી કરી રહ્યા છે અને 21 ફેબ્રુઆરીએ અવશ્ય મતદાન કરવા અપીલ કરી રહ્યા છે, પરંતુ આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપ કોંગ્રેસના 17 ઉમેદવાર બહારના છે. તેઓ જે વોર્ડમાં ઉમેદવારી કરી છે ત્યાં નિવાસ ધરાવતા નથી.

ભાજપમાંથી વોર્ડ નં.1માંથી ઉમેદવારી કરનાર ભાનુબેન બાબરિયા વોર્ડ નં.9 અને હિરેન ખીમાણિયા વોર્ડ નં.14માં નિવાસ ધરાવે છે. વોર્ડ નં.2ના ઉમેદવાર મનીષ રાડિયા વોર્ડ નં.10, વોર્ડ નં.3ના ઉમેદવાર બાબુ દુધરેજા વોર્ડ નં.4 અને વોર્ડ નં.4ના નયનાબેન પેઢડિયા વોર્ડ નં.6માં નિવાસ છે. વોર્ડ નં.5ના હાર્દિક ગોહિલનું ઘર વોર્ડ નં.8, વોર્ડ નં.7ના ઉમેદવાર નેહલ શુક્લ વોર્ડ નં.10, વોર્ડ નં.9ના ઉમેદવાર પુષ્કર પટેલ વોર્ડ નં.8, વોર્ડ નં.12ના ઉમેદવાર વોર્ડ નં.13 અને વોર્ડ નં.17ના ઉમેદવાર કીર્તિબા રાણા વોર્ડ નં.16માં નિવાસ ધરાવે છે. તેવી જ રીતે કોંગ્રેસમાં સાત ઉમેદવાર અન્ય વોર્ડમાં નિવાસ છે.

શહેર કોંગ્રેસ પ્રમુખ અને વોર્ડ નં.17ના ઉમેદવાર અશોક ડાંગર વોર્ડ નં.14માં રહે છે. વોર્ડ નં.7ના ઉમેદવાર વૈશાલીબેન પડાયા વોર્ડ નં.11, વોર્ડ નં.2ના ઉમેદવાર દિવ્યાબા જાડેજા વોર્ડ નં.14, વોર્ડ નં.8ના ઉમેદવાર જિગ્નેશ જોષી વોર્ડ નં.7, વોર્ડ નં.9ના ઉમેદવાર પ્રતીમાબેન વ્યાસ વોર્ડ નં.2, વોર્ડ નં.11ના ઉમેદવાર સુરેશ બથવાર વોર્ડ નં.8, અને વોર્ડ નં.16ના ઉમેદવાર ગાયત્રીબેન ભટ્ટ વોર્ડ નં.17માં નિવાસ છે. રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો મતદાન કરવા અપીલ કરી રહ્યા છે પણ આ 17 ઉમેદવાર જ્યાં પ્રચાર કરી રહ્યા છે. ત્યાં મતદાન કરી શકશે નહીં. તેમજ અમુક ઉમેદવારો તો મતદાન કરવાનો સમય બગાડવાના બદલે પોતે જ્યાં ઉમેદવાર છે તે વોર્ડમાં પોતાના તરફી મતદાન કરાવવા દોડાદોડી કરતા નજરે પડશે.

મુખ્યમંત્રીના બદલે સ્મૃતિ ઇરાની પ્રચાર કરવા આવશે, કાલે બે સભા
મુખ્યમંત્રી વિજય રૂપાણીની રાજકોટમાં જુદા જુદા સ્થળો પર સભા સહિતના કાર્યક્રમોનું આયોજન રાજકોટ મહાનગરપાલિકાએ કર્યું હતું, પરંતુ રૂપાણીની તબિયત ખરાબ થઇ અને બાદમાં કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યા બાદ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પ્રચાર માટે સ્મૃતિ ઇરાનીને ઉતારવાનું નક્કી કરાયું છે. રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણીના પ્રચાર માટે 17 જાન્યુઆરીએ સ્મૃતિ ઇરાની રાજકોટ આવી રહ્યા છે. સ્મૃતિ ઇરાની વોર્ડ નં.7માં લોકસંપર્ક માટે ઘરે ઘરે જશે અને મતદારોને મળશે. આ ઉપરાંત બે વોર્ડમાં સભાનું આયોજન કરાયું છે. શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણીએ જણાવ્યું હતું કે, વોર્ડ નં.13 અને 14માં સ્મૃતિ ઇરાનીની જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું છે.

રાહુલ ગાંધીના નિવેદન સામે રાજકોટ ભાજપના ધરણાં
આસામમાં ચૂંટણી ચાલી રહી છે અને ત્યાં રાહુલ ગાંધીએ ચાના બગીચામાં કામદારોને ઓછું વેતન મળી રહ્યું છે તેનું કારણ ગુજરાતના વેપારી હોવાનું કહ્યું હતું. જેના પગલે રાજકોટ શહેર ભાજપે કિસાનપરા ચોક રેસકોર્સ ખાતે ધરણાં કરી રાહુલ ગાંધીના નિવેદનનો વિરોધ કર્યો હતો.

પ્રચાર માટે હવે માત્ર 96 કલાક
મનપાની ચૂંટણીનું જાહેરનામું પ્રસિધ્ધ થયા બાદ ભાજપ-કોંગ્રેસ સહિતના રાજકીય પક્ષોએ ધીમી ગતિએ પ્રચાર શરૂ કર્યો હતો. ફોર્મ પરત ખેંચાઈ ગયા બાદ ચિત્ર સ્પષ્ટ થયું ત્યારથી તમામ 18 વોર્ડમાં જોરશોરથી પ્રચાર શરૂ થયો છે. છેલ્લા ચાર દિવસથી જ્ઞાતિ સંમેલનો શરૂ થયા છે. મોટાભાગના ઉમેદવારોએ ઘરે-ઘરે જઈને લોકોનો સંપર્ક કર્યો હતો અને પોતાને મત શા માટે મળવો જોઈએ તે અંગે રજુઆતો કરી હતી. હવે માત્ર 96 કલાકનો જ સમય વધ્યો છે. શુક્રવાર સાંજે 6 વાગ્યા સુધીમાં વધુને વધુ લોકોને મળવાના પ્રયાસો થશે.

આ વખતે સભાની સંખ્યા ઘટી, ટેક્નોલોજીનો ઉપયોગ વધુ
આ વર્ષે કોરોનાના કારણે જાહેર સભાની સંખ્યા ઘટી છે. બીજી તરફ સોશિયલ મીડિયા અને વિવિધ ટેક્નોલોજીના માધ્યમથી પર પ્રચાર કરવામાં ઉમેદવારો વધુ ભાર મૂકી રહ્યા છે. ચૂંટણી જાહેર થયા બાદ પ્રચાર માટેના દિવસો ઉમેદવાર માટે ઓછા રહ્યા હતા. કોરોનાને કારણે જાહેર સભાઓ કરવી હિતાવહ પણ ન હતી અને આયોજન પણ થઈ શક્યું નથી. રાષ્ટ્રીય પક્ષની બે-ત્રણ જાહેર સભાને બાદ કરતા ઉમેદવારો પોતાના વિસ્તારમાં જ્ઞાતિ સમાજની મિટિંગ અને સંમેલન કરી પ્રચાર કરી રહ્યા છે. મોટા સમૂહ સુધી પોતાની વાત પહોંચાડવા માટે સોશિયલ મીડિયાનો વિશેષ ઉપયોગ થતો જોવા મળી રહ્યો છે.

ભાજપનું ભોજન જમી બીજા દિવસે કોંગ્રેસનું પણ જમ્યા
ચૂંટણી હોય એટલે ભોજન અને પાર્ટીના આયોજન થાય તે સ્વાભાવિક છે. તાજેતરમાં એક જ્ઞાતિના ભોજન સભારંભનું ભાજપના આગેવાને આયોજન કર્યું હતું. જેમાં 700થી વધુ જ્ઞાતિજનો ઊમટી પડ્યા હતા. આ ભોજન સભારંભના બીજા જ દિવસે તે જ જ્ઞાતિજનોએ કોંગ્રેસના ભોજન સમારંભનું આયોજન કર્યું હતું અને ભોજનનો આનંદ લીધો હતો. કોંગ્રેસના ભોજન સમારંભની માહિતી ભાજપના ઉમેદવારના પિતાને થતાં તેમણે જ્ઞાતિના આગેવાનને બોલાવી કડક શબ્દોમાં ઠપકો આપ્યો હતો.

ઇજનેરોને સૂચના, 7 દિવસ કોઇ સમસ્યા ન થાય તે જોજો
મનપાની ચૂંટણી ચાલી રહી છે ત્યારે શહેરમાં મનપાના ચાલતા કામોમાં લોકોને કોઇ સમસ્યા ન થાય તે માટે ભાજપના આગેવાનોએ સૂચના આપી છે. શહેરમાં ખોદકામ કે અન્ય કામ કે જેમાં શહેરીજનોને કોઇ મુશ્કેલી ઊભી થાય તેવા કામ ન કરવા સૂચના આપી છે. પેવિંગ બ્લોક, લાઇન નાખવા માટે રોડ ખોદવા સહિતના નવા કામો હાલ શરૂ ન કરવા મનપાના ઇજનેરોએ કોન્ટ્રાક્ટરને સૂચના આપી છે. સાત દિવસ એટલે કે મતદાન બાદ કામ શરૂ કરવાનું કહેવાયું છે.

સમાજના આગેવાનોની પોલીસ મથકે અવરજવર
અમુક સરકારી કચેરીના કર્મચારીઓ પણ ચૂંટણી પ્રચારની કામગીરીમાં લાગ્યા હોવાનું ધ્યાન પર આવી રહ્યું છે. પોલીસ સ્ટેશનમાં જુદી જુદી જ્ઞાતિ સમાજના આગેવાનોની અવરજવર વધી ગઇ છે. આ આગેવાનો કોઇ ગુનેગારો તો નથી પરંતુ અન્ય કોઇ કામગીરી માટે બોલાવવામાં આવતા હોવાનું બહાર આવ્યું છે. મતદાન નજીક છે ત્યારે આ પ્રકારની ચહલપહલ પોલીસ સ્ટેશનમાં વધી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો