ફરીયાદ નિવારણનો ઉપાય:રાજકોટમાં મનપા ઝોન વધારવા સક્રિય, કામ ઝડપી થાય તેની ગેરંટી નહીં પણ ખર્ચ વધશે

રાજકોટ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રાજકોટમાં વધુ બે સાથે પાંચ ઝોન કરવા મ્યુનિસિપલ કમિશનરે પ્રાથમિક વિચાર મૂક્યો
  • પદાધિકારીઓ સાથે ચર્ચા કરી સરકારમાં દરખાસ્ત થશે
  • ત્રણમાંથી 5 ઝોન કરાય તો આસિસ્ટન્ટ કમિશનરથી શરૂ કરી ઝોન દીઠ 500 કર્મચારી વધશે, ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો ખર્ચ પણ વધશે

રાજકોટ મહાનગરપાલિકા હાલ ત્રણ ઝોનમાં વિભાજિત છે. સેન્ટ્રલ, ઈસ્ટ અને વેસ્ટ ઉપરાંત હવે બીજા બે નવા ઝોન નોર્થ અને સાઉથ ઝોનની જરૂરિયાત મનપાના અધિકારીઓ અનુભવી રહ્યા છે.

મ્યુનિસિપલ કમિશનર ઉદિત અગ્રવાલે આ અંગે વિચાર મૂક્યો છે અને તેઓ પ્રાથમિક તબક્કે અભ્યાસ કરીને પદાધિકારીઓ સાથે બેઠક કરશે અને પછી સરકારમાં દરખાસ્ત મોકલીને ત્યાંથી મંજૂરી આવશે એટલે ઝોન વધારવાની કાર્યવાહી થશે. ઝોન વધારવા પાછળનું એકમાત્ર કારણ લોકો સુધી પહોંચવામાં પછી તે ફરીયાદનું નિવારણ હોય કે નવી સુવિધા તેમાં ઝડપ લાવી રિસ્પોન્સ ટાઈમ ઘટાડવાનો છે. જો કે આ રિસ્પોન્સ ટાઈમ ઘટી જ જશે તેની કોઇ ગેરંટી નથી પણ મનપાને ઝોન વધારવાથી બીજા ઘણા પડકારો આવશે. જેમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો ખર્ચ વધારે રહેશે.

એક ઝોન વધારે તો તે માટે નવી કચેરી બનાવવાનો ખર્ચ, તેની સારસંભાળ રાખવાનો ખર્ચ સહિત ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરી તેને મેઈન્ટેઇન કરવાની નવી જવાબદારી આવશે. આસિ. કમિશનર, સિટી ઈજનેર, ડે. ઈજનેર સહિતના નવા કર્મચારી-અધિકારીની ભરતી કરવી પડે. એક ઝોન દીઠ 500 કર્મચારીઓની વધુ ભરતી કરવી પડે જેથી મહાનગરપાલિકાની તિજોરી પર આ ખર્ચનું ભારણ આવી જશે.

ઝોન વધારવાની જરૂર નહીં, દરેક કર્મચારી 5 ટકા સમય આપે
મનપામાં વર્ષો સુધી ફરજ નિભાવનાર વર્ગ-1ના અધિકારીએ જણાવ્યું હતું કે રાજકોટ મહાનગરપાલિકાને હાલ ઝોન વધારવાની જરૂર નથી તેનાથી નાહકનો ખર્ચ વધશે અને ફાયદો થશે કે નહીં તેની કોઇ ગેરંટી નથી. તેને બદલે હાલ જે મહેકમ છે તેમા રહેલી ઘટ પૂરી કરવી જોઈએ અને તે દરમિયાન દરેક કર્મચારી જે ફરજ નિભાવી રહ્યો છે તેમાં ફક્ત 5 ટકા શક્તિનો ઉમેરો કરી પૂરી નિષ્ઠાથી કામ કરે તો આ જ માળખામાં સારી રીતે લોકોને સેવા પૂરી પાડી શકાય છે.

ત્રણ ઝોનની સિસ્ટમ સેટ થતા 8 વર્ષ લાગી ગયા હતા
રાજકોટ મનપામાં પહેલા સેન્ટ્રલ ઝોન કચેરી હતી ત્યારબાદ તેના ઝોન કરવાનો નિર્ણય લેવાયો હતો. આ પ્રક્રિયામાં ઘણો સમય લાગ્યો હતો અને કચેરીઓને યોગ્ય રીતે કાર્યરત થવામાં 8 વર્ષ થયા હતા અને આ દરમિયાન એકાદ વાર ફરીથી આખી સિસ્ટમ સેન્ટ્રલાઈઝ કરવી પડી હતી. તેથી ફરી બે ઝોન વધારવામાં આવે તો તે ઝડપથી યોગ્ય પધ્ધતિ મુજબ કાર્ય કરવા સેટ થાય તે પણ મોટો પડકાર છે.

અન્ય સમાચારો પણ છે...