શિક્ષણમંત્રીની જીભ લપસી:રાજકોટમાં જિતુ વાઘાણીએ કહ્યું- પ્રાઇવેટ સ્કૂલો, કોલેજો, યુનિવર્સિટીઓ તો બધાને તક મળે એટલા માટે છે!

રાજકોટ2 દિવસ પહેલા

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં આજે શિક્ષણમંત્રી જિતુ વાઘાણીના હસ્તે ત્રિ-દિવસીય 50માં યુવક મહોત્સવનો પ્રારંભ કરવામાં આવ્યો છે. જેમાં અલગ અલગ 35 સ્પર્ધાઓમાં ભાગ લેવા માટે 58 કોલેજના 1300 જેટલા વિદ્યાર્થીઓ ભાગ લઇ રહ્યા છે. ત્રિ-દિવસીય આ મહોત્સવમાં યોજાનારી સ્પર્ધાઓ થકી સૌરાષ્ટ્રના સાહિત્ય, કલા અને સંસ્કૃતિની થશે. જીતુ વાઘાણીએ પ્રાસંગિક ઉદબોધનમાં જણાવ્યું હતું કે પ્રાઈવેટ સ્કૂલો, કોલેજો, યુનિવર્સિટીઓ તો બધાને તક મળે એટલા માટે છે

માત્ર 15 હજાર પ્રાઈવેટ સ્કૂલ છે
વાઘાણીએ વધુમાં જણાવ્યું હતું કે, મને કહેતા આનંદ થાય છે કે, કોલેજ સુધી વિદ્યાર્થીઓ આવે છે તે પછી સરકારી હોય કે ખાનગી હોય તમને ખબર છે કેટલી છે? 40 હજાર સરકારી તેમાં 32 હજાર પ્રાઈમેરી ગ્રાન્ટવાળી એટલે કે સંપૂર્ણ સરકારી અને 8 હજાર ગ્રાન્ટેડ છે. આમાં 55 લાખ વિદ્યાર્થીઓ ભણે છે. માત્ર 15 હજાર પ્રાઈવેટ સ્કૂલ છે. હવે કોલેજોમાં છોકરા-છોકરીઓ ભણે છે એ અમારી સરકારી પ્રાઈમરી ફેક્ટરી છે જે સારામાં સારી એમાંથી બહાર નીકળ્યા છે ત્યારે આંકડો અહીં પહોંચે છે. 15 હજારમાંથી આંકડો અહીં પહોંચે નહીં. આ વ્યવસ્થાઓ કરી તેનું પરિણામ છે. આજે પણ સરકારી સ્કૂલમાં ભણીને કોલેજોમાં આવતા વિદ્યાર્થીઓની સંખ્યા 70 ટકા ઉપર છે.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં યુવક મહોત્સવનો પ્રારંભ કરાવ્યો.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં યુવક મહોત્સવનો પ્રારંભ કરાવ્યો.

યુવક મહોત્સવમાં ત્રણ દિવસ યોજાનારી સ્પર્ધાઓ
યુવક મહોત્સવના પ્રથમ દિવસે રાસ સહિતની સ્પર્ધા યોજાશે. તેમજ પોસ્ટર મેકિંગ, પ્રાચીન રાસ, શાસ્ત્રીય કંઠ્ય સંગીત, વેસ્ટર્ન ગ્રુપ સોંગ યોજાશે. જ્યારે આવતીકાલે કાવ્ય સ્પર્ધા, વક્તૃત્વ સ્પર્ધા, ક્વિઝ સ્પર્ધા, ગઝલ-શાયરી-કાવ્ય પઠન, પ્રાચીન રાસ યોજાશે અને 25મીએ ડિબેટ સાથે મોડેલિંગ, દુહા-છંદ, લોકગીત, સમૂહ નૃત્ય જેવી સ્પર્ધા યોજાશે.

ઉદઘાટન કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ હાજર રહ્યા.
ઉદઘાટન કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ હાજર રહ્યા.

100થી વધુ નિર્ણાયકો શ્રેષ્ઠ સ્પર્ધકો શોધશે
યુવાનોમાં રહેલી સુષુપ્ત શક્તિઓને બહાર લાવવા, પ્રોત્સાહિત કરવા આ વર્ષે પણ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા યુવક મહોત્સવ અમૃત કલા મહોત્સવનું આયોજન કરાયું છે. વિવિધ સ્પર્ધાઓમાંથી શ્રેષ્ઠ કલા અને ઉત્તમ પરફોર્મન્સ શોધી કાઢવા માટે 100થી વધુ નિર્ણાયકો પણ સેવા આપી રહ્યા છે. યુવક મહોત્સવની સાથે આજે શિક્ષણમંત્રીના હસ્તે ઓપન એર સ્ટેજ, કમ્બાઈન સાયન્સ લેબોરેટરી અને સ્પોર્ટ્સ હોસ્ટેલનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આગામી સમયમાં નિર્માણ પામનાર MCA ભવન, ભાષા ભવન અને નવા IQ એ.સી. ભવનનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે.