રાજકોટ મનપા સંચાલિત અંગ્રેજી માધ્યમની 3 શાળામાં પ્રવેશ મેળવવા માટે આજે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિએ વાલીઓની લાંબી લાઈનો લાગી હતી. જ્યાં કુલ 75 જગ્યામાં 600થી 700 જેટલા ફોર્મ ભરાયા છે. ઉલ્લેખનીય છે કે ગત વર્ષે પણ કોરોનાના કારણે અનેક લોકોએ ધંધા રોજગાર ગુમાવતાં વાલીઓ પોતાના સંતાનોને સરકારી સ્કૂલમા પ્રવેશ માટે દોડી રહ્યાં છે, તેના કારણે આ સ્કૂલમાં પ્રવેશ આપવા માટે ડ્રો સિસ્ટમ કરવી પડી રહી છે.
પ્રવેશ સંખ્યા કરતા ચાર ગણા ફોર્મ આવી ગયા
રાજકોટમાં અંગ્રેજી માધ્યમની વિનામૂલ્યે પ્રવેશ આપતી 3 શાળામાં 75 જગ્યા સામે 700 અરજી ફોર્મ ભરવા માટે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિએ લાઈનો લાગી રાજકોટમાં ત્રણ વર્ષ સુધી અંગ્રેજી માધ્યમની મનપાની શાળામા પ્રવેશ કાર્યવાહી બંધ રખાયા બાદ નવા પ્રવેશ માટે ગત તા.8 ઓગષ્ટથી કાર્યવાહી હાથ ધરીને ફોર્મ સ્વીકારવામા આવી રહ્યા છે. ગણતરીના સમયમાં જ પ્રવેશ સંખ્યા કરતા ચાર ગણા ફોર્મ આવી ગયા હતા.
હાલ નર્સરીમાં પ્રવેશ અપાશે
આ અંગે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન અતુલ પંડિતે જણાવ્યું હતું કે, અમે તા.12 ઓગસ્ટથી ફોર્મ સ્વીકારી રહ્યા છીએ. મહાપાલિકાની 3 શાળામાં અંગ્રેજી માધ્યમ ખાનગી શાળાના રાહબરી નીચે શરૂ કરાયું છે અને તેમા હાલ નર્સરીમાં પ્રવેશ અપાશે. આ માટે 1/6/2017થી 31/5/2018 સુધીમાં જન્મેલા બાળકોને ફોર્મ ભરાવવામા આવી રહ્યા છે. આ ત્રણ શાળાઓ પૈકી સાધુ વાસવાણી રોડ ઉપર આવેલી રવિન્દ્રનાથ ટાગોર વિદ્યાલય, વાણિયાવાડીની કવિ નર્મદ સ્કૂલ અને દૂધની ડેરી રોડ ઉપરની હોમી ભાભા સ્કૂલ આવેલી છે.
ડ્રો દ્વારા પ્રવેશની ફાળવણી કરીશુ
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, આ ત્રણેય શાળાઓ ખાનગી સ્કૂલની રાહબરી હેઠળ કાર્યરત છે. અમે નિશુલ્ક પ્રવેશ આપીએ છે અને નર્સરીથી ધો.8 સુધી શિક્ષણ સુવિધા અપાય છે.આજે 75 પ્રવેશ સામે ઓલમોસ્ટ 600થી 700 જેટલા ફોર્મ ભરાયા છે અને કાલે પણ આટલા જ ફોર્મ ભરાય તેવી શકયતા છે. બધા ફોર્મ આવ્યા બાદ અમે ડ્રો દ્વારા પ્રવેશની ફાળવણી કરીશુ.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.