વ્યાજખોરોની પઠાણી ઉઘરાણીની 5 ફરિયાદ:રાજકોટમાં પત્નીની કોરોનાની સારવાર માટે પતિએ 1.50 લાખ વ્યાજે લીધા, 2.30 લાખ ચૂકવ્યા છતાં હજી 21 લાખની માગણી

રાજકોટએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર.

વ્યાજખોરોના ત્રાસ અંગે છાશવારે ઉઠતી ફરિયાદને ધ્યાને લઈ ગૃહ વિભાગે 5થી 31 જાન્યુઆરી સુધી રાજ્યભરમાં વ્યાજખોરો સામે ઝુંબેશ ચલાવી કડક કાર્યવાહીના આદેશો આપ્યા છે. આથી રાજકોટમાં વ્યાજખોરોની પઠાણી ઉઘરાણીની વધુ પાંચ ફરિયાદ નોંધાઈ છે. જેમાં રાજકોટમાં 150 ફૂટ રિંગ રોડ પર લાભદીપ સોસાયટીમાં રહેતા અજયભાઇ જેન્તીભાઇ વોરાએ પત્નીની કોરોનાની સારવાર માટે વ્યાજખોર પાસેથી 1.50 લાખ વ્યાજે લીધા હતા. અજયભાઈએ કટકે કટકે 2.30 લાખ વ્યાજખોરની ચૂકવી દીધા હતા. તેમ છતાં હજી વ્યાજખોર 21 લાખની પઠાણી ઉઘરાણી કરી રહ્યો છે.

કૌટુંબિક ફઈના દીકરા મારફત વ્યાજખોરનો કોન્ટેક્ટ કર્યો
અજયભાઈએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, હું મારા પરિવાર સાથે રહું છું અને છૂટક ડ્રાઇવિંગ કરી મારૂ ગુજરાન ચલાવું છું. વર્ષ 2021માં જૂન મહિનામાં મારી પત્નીને કોરોના થયો હોય તેની સારવાર માટે રૂપિયાની જરૂર હતી અને કામ ઓછું મળતું હોવાથી મારા કૌટુંબિક ફઈના દીકરા વિપુલભાઇ કોરાટના મિત્ર વિક્રમસિંહ જાડેજા મારફતે તેના સાળા હિતેન્દ્રસિંહ ચુડાસમાનો કોન્ટેક કર્યો હતો. જેની ઓફિસ આશા રોડવેઝ મોચી બજાર કોર્ટની સામે આવેલી છે.

રૂપિયાની જરૂરિયાત હોવાથી વ્યાજનો દર નક્કી કર્યો નહીં
મારા પત્ની રિધ્ધીની કોરોનાની સારવાર માટે રૂપિયાની જરૂર હોવાથી હું મારા મિત્ર કમલેશભાઇ ગોસ્વામી સાથે જૂન 2021માં હિતેન્દ્રસિંહ ચુડાસમા પાસેથી રૂ.1,50,000 રોકડા વ્યાજે લીધા હતા. જે તે સમયે મારે રૂપિયાની જરૂરિયાત હોવાથી વ્યાજનો દર નક્કી કર્યો નહીં. બાદમાં મેં મારાથી જેમ રૂપિયાની સગવડ થતી ગઈ તેમ હું હિતેન્દ્રસિંહ ચુડાસમાને રૂપિયા કટકે કટકે આપતો અને રૂપિયાની ઉઘરાણી માટે વિક્રમસિંહ જાડેજા આવતા અને હું રૂપિયા આપતો ત્યારે હિતેન્દ્રસિંહ ચુડાસમાને ફોન કરાવતો. તેમ મેં કટકે કટકે રૂ.2,30,000 રોકડા આપી દીધા હતા.

મારી પત્ની અને પિતાને ધમકી આપી ગાળો આપે છે
વર્ષ 2022ના એપ્રિલ મહિનાથી વિક્રમસિંહ જાડેજા અવાર નવાર અમારી ઘરે આવતા અને ધમકાવતા કે, તે મારા સાળા હિતેન્દ્રસિંહ પાસેથી લીધેલા રૂપિયા તારે વ્યાજ સહિત રૂપિયા આપવા પડશે. વિક્રમસિંહ અમારા ઘરે આવી મારી પત્ની તથા મારા પિતા પાસે ક્યારેક રૂ.5,00,000 તો ક્યારેક રૂ.7,00,000 અને છેલ્લે રૂ.21,00,000ની પઠાણી ઉઘરાણી કરતા. વિક્રમસિંહ અને હિતેન્દ્રસિંહ અમારા ઘરના ફોનમાં મારી પત્ની તથા મારા માતાને ધાકધમકી આપી ગાળો આપતા હતા. તેમજ કહેતા કે, રૂપિયા વ્યાજ સહિત આપી દેજો નહીંતર તારા ઘરમાં કોઈને જીવતા નહીં રહેવા દઉં. જ્યારે વિક્રમસિંહ ઘર પાસે આવતા ત્યારે મને તથા મારા પત્ની તથા મારા માતા-પિતાને ધમકાવતા અને ગાળો આપતા હતા. વ્યાજના રૂપિયા નહીં આપો તો જાનથી મારી નાખવાની ધમકી આપતા અને વિક્રમસિંહ જાડેજા મને મારા ફોનમાં મહિને 15 દિવસે રૂપિયાની પઠાણી ઉઘરાણી કરવાનું ચાલુ રાખતા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

ભગવતીપરામાં વ્યાજખોરે મકાન પડાવી લેવાની મહિલાને ધમકી આપી
ભગવતીપરામાં અનમોલ પાર્કમાં રહેતા મુમતાઝબેન અબ્દુલભાઈ રીંઘાણીએ અશોક ગજાનંદ પરમાર સામે બી-ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. જેમાં જણાવ્યું કે તેને મકાન બનાવવાનું શરૂ કર્યું ત્યારે તેની પાસે જે રૂપિયા હતા તે તેમાં ખર્ચાઈ ગયા છતાં મકાન પુરું નહીં થતા આરોપી પાસેથી રૂ.5 લાખ માસિક 5 ટકા વ્યાજે લીધા હતા. જેના કારણે આરોપીએ તેને અવારનવાર બોલાચાલી કરી ઝઘડાઓ કરી ધમકી આપી વ્યાજ અને મુદ્દલના બદલામાં મકાન પડાવી લેવા દબાણ કર્યાનું જણાવ્યું હતું. મુમતાઝબેને ભગવતીપરામાં રહેતા હમીદાબેન દાદુભાઈ સાંઘ વિરૂદ્ધ પણ ફરિયાદ નોંધાવી હતી. જેમાં જણાવ્યું કે, તેની આર્થિક સ્થિતિ સારી ન હોવાથી દીકરાની સગાઈ માટે આરોપી પાસેથી દીકરાની સગાઈ માટે આરોપી પાસેથી ત્રણેક વર્ષ પહેલા રૂ.1 લાખ માસિક 6 ટકાના વ્યાજે લીધા હતા. જે મુદલ કરતા વધારે રૂપિયા વ્યાજ પેટે આરોપીને ચૂકવી દીધા હોવા છતાં વધુ વ્યાજની માગણી કરી, ગાળો દઈ, ઝઘડો કરી રૂપિયા ચૂકવી આપવા દબાણ કર્યાનું ફરિયાદમાં જણાવ્યું છે.

કોઠારિયા રોડ પર વ્યાજખોરની મહિલાને જાનથી મારી નાખવાની ધમકી
કોઠારિયા રોડ પર નવનીત હોલ સામે શિવમ કોમ્પલેક્ષમાં રહેતા શિતલબેન ભટ્ટે ફરિયાદમાં જણાવ્યું છે કે, તેની નવનીત હોલ નજીક સ્ટેશનરીની દુકાન છે. 2018માં નાણાકીય તંગી પડતા નયન વોરા પાસેથી રૂ.2 લાખ 3 ટકા વ્યાજે લીધા હતા. 2018થી 2022 સુધી નિયમિત દર મહિને રૂ.6 હજાર લેખે 3.60 લાખ જેટલી રકમ ચૂકવી દીધી હોવા છતાં વધુ રૂ.બે લાખની માગણી થતી હતી. પરિણામે 2022ની સાલમાં રૂ.2 લાખ પણ ચૂકવી દીધા હતા. નયન દુકાને આવી રોજ ઉઘરાણી કરવા આવ્યો હતો. તેમજ કહેતો કે પૈસા નહીં આપો તો બીજા માણસો મારફતે જાનથી મરાવી નાખીશ.

150 ફૂટ રિંગ રોડ પર વ્યાજખોરની પઠાણી ઉઘરાણી
150 ફૂટ રિંગ રોડ 52 કેશવ રેસિડેન્સીમાં બ્લોક નં.8માં રહેતા અને જમીન મકાન લે-વેચનું કામ કરતા શૈલેષ વલ્લભભાઈ સિદપરાએ ફરિયાદમાં જણાવ્યું છે કે, પોતે જમીન-મકાન લે-વેચનું કામ પણ કરે છે. 2012માં મિલ્કત લે-વેચના ધંધામાં મંદી આવતા બનેવી રાજેશ ગોબરભાઈ ભુવાને વાત કરતા તેણે કહ્યું કે, મારા કૌટુંબિક ભાણેજ ઈશ્વર વશરામ રૂપારેલિયાનો પુત્ર મોનાર્ક ઉર્ફે મોન્ટુને કોઠારીયા રોડ ઉપર ન્યુ કેદારનાથ સોસાયટીમાં બજરંગ ચોકમાં મકાન કમ ઓફિસ છે. જેથી ત્યાં મોનાર્કને મળી રૂ.10 લાખ 3 ટકા લેખે વ્યાજે લીધા હતા. તેણે 46 મહિના સુધીમાં 13.80 લાખ ચૂકવી દીધા હતા. તેમ છતાં એ ત્રણ મહિનાથી અવારનવાર તેની પાસે રૂ.9.70 લાખની ઉઘરાણી કરી દબાણ કરે છે.

આજી વસાહતમાં વ્યાજ સમયસર ન આપતા વ્યાજખોરે ગાળો આપી
આજી વસાહતમાં ખોડિયારપરામાં રહેતા શુભમ અરવિંદભાઈ ચાવડાએ કાનો વાઘેલા સામે થોરાળા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. તેમાં જણાવ્યું કે, તેણે આરોપી પાસેથી રૂ.10 હજાર 16 ટકા વ્યાજે લીધા હતા. જેની આરોપીએ પઠાણી ઉઘરાણી કરી વ્યાજ સમયસર ન આપી શકતા ગાળો આપી હતી. જેથી તેમની સામે કાર્યવાહી કરાઈ છે.

લાલપાર્કમાં બિલ્ડરે 1.20 કરોડ સામે 6.91 કરોડ ચૂકવ્યા
80 ફૂટ રોડ પર લાલપાર્ક શેરી નં.1માં રહેતાં જગદીશભાઈ લાખાભાઈએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, તે જસદણ તાલુકાના જસાપરા ગામમાં 30 વીઘા જમીનમાં ખેતી કરે છે. 2005માં તે કંટ્રક્શનનું કામ કરતા હતા. 2016માં બે ભાગીદારો સાથે મળી કોઠારીયા ગામ પાછળ સરવે નં.1ની બે એકર 36 ગુંઠા જમીન ખરીદી હતી. બાદમાં આ જમીનને બિનખેતી કરાવતા તેના ભાગમાં 2500 ચો.વાર જમીન આવી હતી. જેમાં નવુ મકાન બાંધવાનું પ્લાનિંગ તેણે કર્યું હતું. જે માટે રૂપિયાની જરૂર પડતા ગોંડલ રોડ પર શિવનગર શે.નં.8માં રહેતાં ફાયનાન્સર હરપાલસિંહ કનુભા જાડેજાના સંપર્કમાં આવતા તેની પાસેથી શરૂઆતમાં રૂ.80 લાખ 3 ટકા લેખે લીધા હતા. જેમાં હાથનું લખાણ કરાવ્યું હતું. તેના દોઢેક મહિના બાદ બીજા રૂ.40 લાખ લીધા હતા. આ રીતે કુલ રૂ.1.20 કરોડ 2008માં વ્યાજે લીધા હતા.

વ્યાજખોરની હજી 1.20 કરોડની માગણી
આ રીતે 2008થી 2020 સુધી રૂ.5.61 કરોડ ચૂકવી દીધા હતા. 2020માં કોરોનાના કારણે વ્યાજ ચૂકવી નહીં શકતા તેણે પોતાની રીતે પૈસાની સગવડ કરી હરપાલસિંહને રૂ.1.30 કરોડ વ્યાજ સહિત ચૂકવી દીધા હતા. આમ છતાં હરપાલસિંહ તેની પાસે રૂ.1.20 કરોડ વ્યાજ માગતો હતો. સિક્યોરિટી પેટે પ્લોટનો દસ્તાવેજ પરત પોતાના નામે કરી દેવાનું અવારનવાર કહેવા છતાં જવાબ આપતો નહોતો. એટલું જ નહીં તેની પાસે હજુ વ્યાજના રૂપિયા માગી તેને અને તેના પુત્રને ફોન પર ધમકી આપતો હતો. તેણે હરપાલસિંહ પાસેથી કુલ રૂ.1.20 કરોડ 3 ટકા વ્યાજે લીધા બાદ બદલામાં મુદલ રકમ અને વ્યાજ સહિત તેને રૂ.6.91 કરોડ ચૂકવી દીધા છતાં હજુ પણ 1.20 કરોડની માગણી કરી હતી. આ અંગે પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે.

અન્ય સમાચારો પણ છે...