કોંગ્રેસ-આપના કરોડપતિ ઉમેદવારો:રાજકોટમાં હિતેશ વોરા પાસે 15 કરોડ, સુરેશ બથવાર પાસે 1.90 કરોડ અને AAPના બારસીયા પાસે 3.77 કરોડની મિલકત

રાજકોટ19 દિવસ પહેલા
  • કૉપી લિંક
કોંગ્રેસના ઉમેદવાર હિતેશ વોરાએ આજે ઉમેદવારીપત્રક રજૂ કર્યું. - Divya Bhaskar
કોંગ્રેસના ઉમેદવાર હિતેશ વોરાએ આજે ઉમેદવારીપત્રક રજૂ કર્યું.

રાજકોટની દક્ષિણ બેઠકનાં કોંગ્રેસનાં ઉમેદવાર હિતેષ વોરાએ આજે જૂની કલેક્ટર કચેરીમાં પોતાનું ઉમેદવારી ફોર્મ રજૂ કર્યું હતું. જેમાં તેઓએ 15 કરોડની મિલકત દર્શાવી છે. તેમજ રાજકોટ ગ્રામ્યના કોંગ્રેસના ઉમેદવાર સુરેશ બથવારે 1.90 કરોડ અને આમ આદમી પાર્ટીના રાજકોટ દક્ષિણના ઉમેદવાર શિવલાલ બારસીયાએ 3.77 કરોડની મિલકત દર્શાવી છે.

હિતેશ વોરાએ ધો.10 સુધી અભ્યાસ કર્યો છે
કોંગ્રેસના ઉમેદવાર હિતેશ વોરાએ સોગંદનામામાં જણાવ્યું છે કે, તેઓ કોટડા સાંગાણી તાલુકાનાં વેરાવળ ખાતે આવેલી ફિલ્ડ માર્શલ હાઈસ્કૂલમાં ધો.10 સુધી ભણેલા છે, હાલ તેઓ નાનામવા મેઈન રોડ ઉપર આવેલ ગંગા સાગર પાર્કમાં રહે છે. વ્યવસાયે ઉદ્યોગપતિ એવા હિતેષ વોરાએ ચાલુ વર્ષમાં રૂ,4,97,610 રિર્ટન પેટે ભર્યા છે. જ્યારે પત્નિએ રૂ.4.73 લાખ અને પુત્રએ રૂ.5.40 લાખ રિર્ટન પેટે ભર્યા છે. તેઓ ઉપર એક પણ ફોજદારી ગુનો નથી. તેમજ તેઓનું 58.27 લાખનું લેણુ પણ છે.

3 કરોડની લોનમાં 11.77 લાખનું ચૂકવણું બાકી
જ્યારે હિતેષ વોરા પાસે રૂ.4.91 લાખની કિંમતની કાર અને રૂ.5 લાખનાં સોનાનાં દાગીના પણ છે. જ્યારે વારસાગત રૂ.15 કરોડની મિલકત છે. શાપર વિસ્તારમાં 4500 ચો.મી.નો અંદાજે રૂ. 1.50 કરોડનો પ્લોટ પણ છે. જ્યારે રાજકોટ શહેરમાં રૂ.80 લાખની કિંમતનાં જમીનનાં બે પ્લોટ પણ છે. રૂ.3 કરોડની લોન પૈકી રૂ.11.77 લાખનું ચૂકવણું બાકી છે. જ્યારે હાથ ઉપર હાલ રૂ.44 લાખની રોકડ પણ છે.

કોંગ્રેસના ઉમેદવાર સુરેશ બથવાર.
કોંગ્રેસના ઉમેદવાર સુરેશ બથવાર.

કોંગ્રેસના ઉમેદવાર સુરેશ બથવાર પાસે 1.90 કરોડની મિલકત
રાજકોટ ગ્રામ્ય બેઠકના કોંગ્રેસના ઉમેદવાર સુરેશ બથવાર શહેરનાં નાનામવા રોડ ઉપર આવેલ જયશકિત સોસાયટીમાં શેરીનં.3માં રહે છે. તેમના પત્નીનું નામ ગંગાબેન છે અને પુત્રનું નામ કરણ છે. સુરેશભાઈએ તેનાં સોંગદનામામાં એવું પણ દર્શાવ્યું છે કે, તેઓ ઉપર કોઈ ફોજદારી ગુનો નોંધાયો નથી. હાલ હાથ ઉપર રૂ.9.20 લાખની રોકડ છે અને પત્ની પાસે રૂ.8.10 લાખ છે. જ્યારે રૂ.4 લાખની થાપણ છે. સુરેશભાઈનાં નામે રાષ્ટ્રીય બચત યોજનામાં રૂ.5.18 લાખનું અને પત્નીનાં નામે 5.11 લાખનું રોકાણ છે.

સુરેશ બથવાર પાસે 5 તોલા સોનુ
સુરેશભાઈ પાસે રૂ.2.45 લાખનું પાંચ તોલા સોનું અને પત્નીનાં નામે રૂ.10.29 લાખનું 21 તોલા સોનું છે. આ ઉપરાંત સુરેશભાઈ પાસે રૂ. 29.16 લાખની ટોયેટો કંપનીની કાર છે અને પત્ની પાસે રૂ.58 હજારનું એક્ટિવા સ્કૂટર છે. સુરેશભાઈનાં પોતાનાં નામે ખેતીની જમીન, પ્લોટ મળીને કુલ રૂ.1.90 કરોડની સ્થાવર મિલકત છે. જ્યારે પત્નીનાં નામે રૂ.40 લાખની સ્થાવર મિલકત છે.

આપના ઉમેદવાર શિવલાલ બારસીયાએ ઉમેદવારી નોંધાવી.
આપના ઉમેદવાર શિવલાલ બારસીયાએ ઉમેદવારી નોંધાવી.

AAPના શિવલાલ બારસીયા પાસે 3.77 કરોડની મિલકત
આમ આદમી પાર્ટીના રાજકોટ 70 બેઠકના ઉમેદવાર શિવલાલ બારસીયા કરોડપતિ છે. રોકડ બેલેન્સ- રોકાણ ઉપરાંત સ્થાવર મિલ્કત સહિતની સંપતિનો આંકડો અંદાજીત પોણા ચાર કરોડ જેવો થવા જાય છે, તેવી જ રીતે તેમના પત્નીના નામે સંપતિ પણ પોણા ચાર કરોડથી વધુ છે. સોગંદનામામાં દર્શાવાયા પ્રમાણે તેમની પાસે હાથ પરની રોકડ, બેન્ક બેલેન્સ, વીમા-બચતપત્રો વગેરેમાં રોકાણ મળીને 2.34 કરોડની મિલકત છે. જ્યારે સ્થાવર સંપતિ 1.43 કરોડની છે. વાહનમાં માત્ર એક એક્ટિવા દર્શાવ્યુ છે. જ્યારે તેમના પત્નીના નામે રોકડ, વિવિધ રોકાણ, ઝવેરાત વાહનો સહિતની 3.36 કરોડની જંગમ મિલકત દર્શાવવામાં આવી છે તેમાં 36.36 લાખનું સોનુ તથા 7 લાખની કારનો સમાવેશ થાય છે. વીમા-પેન્શનમાં 23 લાખનું રોકાણ પણ તેમાં સામેલ છે.

શિવલાલ બારસીયા પર એક પણ પોલીસ કેસ નહીં
અવિભક્ત પરિવારની જંગમ સંપતિ 64.04 લાખ તથા સ્થાવર મિલકત 10.50 લાખની દર્શાવી છે. જવાબદારીમાં ઉમેદવાર શિવલાલ બારસીયાના નામે કોઈ લોન કે દેણા નથી. જ્યારે તેમના પત્નીના નામે 1.89 કરોડની લોન છે. અવિભક્ત કુટુંબની જવાબદારી 96,000ની દર્શાવવામાં આવી છે. શૈક્ષણિક કોલમમાં તેઓએ ધો.12 સુધી અભ્યાસ કર્યો હોવાનું દર્શાવ્યું છે જ્યારે કોઈ ગુના કે કોઈ કેસ ન હોવાનું સોગંદનામામાં જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...