ગુજરાતમાં વધુ 2 દિવસ માવઠાંની સંભાવના:રાજકોટમાં 1 કલાકમાં સવા ઈંચ વરસાદ ખાબક્યો, રસ્તા નદી બન્યા, અમરેલી, કચ્છ-ભુજ, જૂનાગઢને ધમરોળતા મેઘરાજા

રાજકોટ2 મહિનો પહેલા
  • કૉપી લિંક

ગુજરાતમાં આજે ફરી બપોર બાદ વરસાદી માહોલ જામ્યો છે. ચૈત્રી નવરાત્રિના પહેલા દિવસે જ કમોસમી વરસાદથી ખેડૂતો ચિંતિત બન્યા છે. રાજકોટ, અમરેલી, કચ્છ-ભુજ અને જૂનાગઢ પંથકમાં આજે બપોર બાદ વાતાવરણમાં પલટો આવ્યો હતો. રાજકોટમાં એક કલાકમાં સવા ઈંચ વરસાદ વરસતા રસ્તાઓ પાણી પાણી થઈ ગયા છે. તેમજ ધર્મેન્દ્ર રોડ પર નદી વહેતી હોય તેવાં દૃશ્યો જોવા મળ્યાં હતાં. ત્યારે રાજ્યમાં વધુ 2 દિવસ માવઠાંની આગાહી હવામાન વિભાગે કરી છે.

રંગીલા શહેરમાં બપોર બાદ જાણે ચોમાસું જામ્યું
રાજકોટમાં આજે સવારથી બપોર સુધી મિશ્ર વાતાવરણ જોવા મળ્યું હતું. જો કે, બપોર બાદ જાણે ચોમાસું જામ્યું હોય તેવો માહોલ જોવા મળ્યો હતો. વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો અને કાળાં ડિબાંગ વાદળો છવાયાં હતાં. જોતજોતામાં જ વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. આથી રસ્તાઓ પાણી પાણી થઈ ગયા હતા. ધર્મેન્દ્ર રોડ પર તો નદી વહેતી હોય તેવા દૃશ્યો જોવા મળ્યા હતા. ભારે પવનને કારણે વાહનચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા.

રાજકોટના રાજમાર્ગો પાણી પાણી થયા.
રાજકોટના રાજમાર્ગો પાણી પાણી થયા.

રાજકોટમાં સૌથી વધુ વેસ્ટ ઝોનમાં 35 મીમી વરસાદ
મનપાના સત્તાવાર આંકડા મુજબ બપોર પછી 2થી 3 વાગ્યા સુધીમાં એક કલાકમાં સેન્ટ્રલ ઝોનમાં 21 મીમી, ઇસ્ટ ઝોનમાં 31 મીમી અને વેસ્ટ ઝોનમાં 32 મીમી વરસાદ નોંધાયો હતો. જ્યારે 3થી 4 વાગ્યા સુધીમાં સેન્ટ્રલ ઝોનમાં વધુ 5 મીમી સાથે કુલ 26 મીમી, ઇસ્ટ ઝોનમાં 0 મીમી સાથે કુલ 31 મીમી અને વેસ્ટ ઝોનમાં વધુ 3 મીમી સાથે કુલ 35 મીમી વરસાદ નોંધાયો હતો.

પેલેસ રોડ પર પાણી ભરાયાં.
પેલેસ રોડ પર પાણી ભરાયાં.

23-24 માર્ચે રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદની સંભાવના
23 માર્ચ : ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, અમદાવાદ, દાહોદ, મહીસાગર અને નર્મદામાં માવઠાની આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત સૌરાષ્ટ્ર-કચ્છના સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, બોટાદ અને કચ્છમાં હળવો કે ગાજવીજ સાથે વરસાદ પડે એવી સંભાવના હવામાન વિભાગ દ્વારા દર્શાવવામાં આવી છે.

24 માર્ચ: બનાસકાંઠા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ અને આણંદમાં માવઠાંની આગાહી છે. તોસૌરાષ્ટ્રના તમામ જિલ્લામાં તથા કચ્છ અને દીવમાં હળવો કે ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે.

વીજળીના કડાકાથી લોકોમાં ભયનો માહોલ
શહેરના કોટેચા સર્કલ, યુનિવર્સિટી રોડ, યાજ્ઞિક રોડ. કેકેવી ચોક, સાધુ વાસવાણી રોડ, ઢેબર રોડ, રૈયા ચોક, માધાપર ચોક, 150 ફૂટ રિંગ રોડ સહિતના વિસ્તારોમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. આથી રસ્તાઓ પર પાણી ભરાઇ ગયાં હતાં. તેમજ વીજળીના કડાકાથી લોકોમાં ડરનો માહોલ જોવા મળ્યો હતો.

ઉપલેટા પંથકમાં ધોધમાર વરસાદ.
ઉપલેટા પંથકમાં ધોધમાર વરસાદ.

રાજકોટ યાર્ડમાં ઘઉં અને ધાણા પલળ્યા
રાજકોટ માર્કેટ યાર્ડમાં ઘઉં અને ધાણાના પાક પલળતા દોડધામ મચી હતી. ખેડૂત પાસેથી વેપારીઓએ ખરીદેલા પાક પલળી ગયા છે. ખુલ્લામાં પડેલો પાક પલળી ગયો છે. ભારે વરસાદ વરસતા ઘઉં મોટા પ્રમાણમાં પલળ્યા છે. વેપારીઓ, દલાલો, યાર્ડ સત્તાધિશોએ યાર્ડના ચેરમેન સાથે બેઠક યોજાઇ હતી છે. જેમાં કમોસમી વરસાદને પગલે આવતીકાલથી ત્રણ દિવસ જણસીની આવક નહીં કરવા નિર્ણય લેવામાં આવ્યો છે. ખેડૂતોને ઘઉં, ધાણા અને ચણા લઈને ન આવવા અપીલ કરાઇ છે. ખુલ્લા ગ્રાઉન્ડમાં ટોકનથી ઉતરતી જણસીની આવક બંધ કરવા નિર્ણય લેવામાં આવ્યો છે.

રાજકોટ યાર્ડમાં ખુલ્લામાં પડેલો પાક પલળ્યો.
રાજકોટ યાર્ડમાં ખુલ્લામાં પડેલો પાક પલળ્યો.

પરાબજાર પાણી...પાણી...
શહેરની મુખ્ય બજાર ગણાતી પરાબજારમાં આજે ધોધમાર વરસાદને પગલે પાણી વહી રહ્યાં હતાં. ચૈત્ર માસમાં અષાઢી માહોલ સર્જાતા વેપારીઓએ પોતાનો માલસામાલ જે બહાર રાખ્યો હોય તે ફટાફટ અંદર પોતાની દુકાનોમાં લઈ લીધો હતો. વરસાદ વરસતા જે બજાર ગ્રાહકોથી ઉભરાતી હતી તે ખાલીખમ થઈ ગઈ હતી.

રાજકોટના કોટેચા ચોકમાં પાણી ભરાયાં.
રાજકોટના કોટેચા ચોકમાં પાણી ભરાયાં.

જસદણમાં પણ વરસાદી ઝાપટાં
જસદણ પંથકમાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદી ઝાપટાં પડ્યાં છે. આથી રોડ-રસ્તા ભીના થઈ ગયા છે. કમોસમી વરસાદી ઝાપટાથી ખેડૂતોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. ભરઉનાળે ચોમાસા જેવો માહોલ જોવા મળી રહ્યો છે. જસદણના આટકોટ, વીરનગર, ખારચીયા, પાંચવડા, જંગવડ સહિતનાં ગામડાઓમાં હળવાં ઝાપટાં પડ્યાં છે. ખેતરોમાં હજી ઘઉંનો પાક ઘણા ખેડૂતોને લેવાનો બાકી હોઇ આ કમોસમી વરસાદના કારણે પાક નિષ્ફળ જાય તેવી શક્યતા સેવાઇ રહી છે.

નાણાવટી ચોકમાં પાણી ભરાયાં.
નાણાવટી ચોકમાં પાણી ભરાયાં.

ગોંડલના કોલીથડમાં ધોધમાર વરસાદ
ગોંડલા કોલીથડ ગામમાં પણ વરસાદી માહોલ જામ્યો છે અને ધોધમાર વરસાદ તૂટી પડ્યો છે. વરસાદથી ખેતરમાં પડેલો તૈયાર પાક પલળતા ખેડૂતોમાં દોડધામ મચી ગઈ છે. વરસાદથી ખેડૂતોને મોઢે આવેલો કોળિયો છીનવાઈ રહ્યો છે. ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ જામતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે. આ સિવાય ઉપલેટા પંથકમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો છે.

બહુમાળી ભવન પાસે ધોધમાર વરસાદ.
બહુમાળી ભવન પાસે ધોધમાર વરસાદ.

ભારે પવનથી દુકાનોનાં બોર્ડ ઊડ્યાં
રાજકોટમાં મિની વાવાઝોડું ફૂંકાયું હોય એવો માહોલ જોવા મળ્યો હતો. ભારે પવનને કારણે દુકાનોનાં બોર્ડ ઊડીને રસ્તા પર ફેંકાયાં હતાં તેમજ ધૂળની ડમરી ફૂંકાતાં વાહનચાલકો પરેશાન બન્યા હતા.

ગોંડલના કોલીથડ ગામમાં ધોધમાર વરસાદથી રસ્તા પર પાણી ભરાયાં.
ગોંડલના કોલીથડ ગામમાં ધોધમાર વરસાદથી રસ્તા પર પાણી ભરાયાં.

ગઇકાલે રાજકોટમાં કરા સાથે વરસાદ પડ્યો હતો
હવામાન વિભાગ દ્વારા આગામી 25 માર્ચ સુધી માવઠાની આગાહી કરવામાં આવી હતી. ત્યારે ગઈકાલે રાજકોટના કેટલાક વિસ્તારમાં વાવાઝોડા સાથે વરસાદી ઝાપટાં પડ્યાં હતાં. શહેરના ગ્રીનલેન્ડ ચોકડી ખાતે કરા પડ્યા હતા. રાજકોટ શહેરમાં સાંજ પડતાં અચાનક જ વાતાવરણમાં પલટો આવ્યો હતો અને ભારે પવન ફૂંકાયો હતો. પવન ફૂંકાતા ધૂળની ડમરી ઊડી હતી અને વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી.

25 માર્ચ સુધી વાદળછાયું રહેવાની સંભાવના
હવામાન વિભાગની આગાહી મુજબ, આગામી 25 માર્ચ સુધી ઉત્તર ગુજરાત વત્તા ઓછા પ્રમાણમાં આકાશ વાદળછાયું રહેવાની સંભાવના છે. ત્રણ દિવસ પહેલાં પણ જસદણ અને જેતપુરમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. વરસાદને પગલે જેતપુર માર્કેટિંગ યાર્ડમાં પણ ખુલ્લા મેદાનમાં રહેલ જણસી પલળી હતી. જ્યાં ઘઉં, ધાણા, મરચાં, જેવા પાકો પલળ્યા હતા.

કચ્છ-ભુજમાં ગાજવીજ સાથે વરસાદી માહોલ સર્જાયો
કચ્છમાં આજ સવારથી ફરી વરસાદી વાતવરણ છવાઈ જવા પામ્યું છે. આજે પશ્વિમ વિભાગના નખત્રાણા, માંડવી અને લખપત તાલુકામાં બપોરના સમયે ભારે વરસાદી ઝાપટાં પડતા માર્ગો પર જોશભેર પાણી વહી નીકળ્યાં છે. નખત્રાણા તાલુકાના કોટડા, જનેત્રા, રવાપર અને રસલીયામાં કમોસમી વરસાદ પડતાં લહેરાતા ઘઉંના પાકને નુકસાન પહોંચ્યું હોવાની વિગતો સામે આવી છે. માંડવીના ગઢશીશામાં પણ પવન સાથે વરસાદ શરૂ થયાનું જાણવા મળ્યું હતું. તો લખપત તાલુકામાં આવતા પ્રસિદ્ધ યાત્રાધામ માતાના મઢ ખાતે ચૈત્રી નવરાત્રિના પ્રારંભે ભાવિકોની વ્યાપક ભીડ ઊમટી છે. ત્યારે આજે ફરી મુસીબતનો વરસાદ પડતાં લોકોને હાલાકી ઊભી થઇ હતી. જોકે મંદિર સંકુલના અન્નક્ષેત્ર સહિતના વિસ્તારમાં લોકોએ વરસાદથી બચવા આશરો લીધો હતો.

કચ્છમાં ખેતરો પાણી પાણી થયા.
કચ્છમાં ખેતરો પાણી પાણી થયા.

અમરેલીમાં ચૈત્ર મહિનાના પ્રારંભે પણ વરસાદી માહોલ
અમરેલી જિલ્લામાં છેલ્લા એક અઠવાડિયાથી કમોસમી વરસાદ વરસી રહ્યો છે. માવઠાના કારણે ખેતરોમાં ઊભા પાકને નુકસાન થતા ખેડૂતોની ચિંતા વધી છે. ધારી ગીર વિસ્તારના ગોવિંદપુર, સુખપુર, સરસીયા, કાંગસા સહિતનાં ગામડાઓમાં આજે પણ વરસાદ વરસ્યો હતો. ધોધમાર વરસેલા વરસાદના કારણે ગામડાઓના રસ્તા પર પાણી વહેતાં થયાં હતાં. અમરેલી શહેર અને આસપાસના વિસ્તારમાં આજે પણ કમોસમી વરસાદ વરસ્યો હતો. અમરેલીના વિઠ્ઠલપુર, ફતેપુરમાં, રાજુલાના ચૌત્રા, ડુંગર, બબરતાણા સહિતનાં ગામડાઓમાં વરસાદ વરસ્યો હતો. આ ઉપરાંત ખાંભા, જાફરાબાદ અને વડીયા વિસ્તારમાં પણ વરસાદ વરસતા ધરતીપુત્રો ચિંતિત બન્યા છે.

અમરેલીમાં ધોધમાર વરસાદ.
અમરેલીમાં ધોધમાર વરસાદ.

જૂનાગઢમાં કમોસમી વરસાદ
હવામાનની આગાહીને પગલે છેલ્લા છ-સાત દિવસથી રાજ્યના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદનો કહેર વરસ્યો છે. જેથી ખેડૂતો ચિંતામાં મુકાયા છે. જૂનાગઢમાં પણ અચાનક જ વરસાદ પડવાથી શહેરના મુખ્ય માર્ગો પર પાણી વહેતાં થયાં હતાં. સાબલપુર ચોકડી, ઝાંઝરડા ચોકડી, દાણાપીઠ, કાળવા ચોક, સક્કરબાગ, સરદારબાગ સહિતમાં કમોસમી વરસાદના કારણે રસ્તા પર પાણી ફરી વળ્યાં હતાં.