સોશિયલ મીડિયાના જેટલા ફાયદા છે તેટલા જ ગેરફાયદા પણ છે. ત્યારે રાજકોટ શહેરમાં રહેતી 21 વર્ષીય યુવતી આજથી એક વર્ષ પહેલા ઇન્સ્ટાગ્રામમાં એક યુવકના સંપર્કમાં આવી હતી. જે બાદ બન્ને વચ્ચે મિત્રતા બંધાઇ હતી. અને યુવકે 'તારે મારી સાથે લગ્ન કરવા જ પડશે' તેમ કહી હેરાન-પરેશાન કરવાનું શરુ કરી દીધું હતું. સતત એક વર્ષ સુધી આ ત્રાસ સહન કર્યા બાદ અંતે યુવતીએ ઝેરી દવા ગટગટાવી આપઘાતનો પ્રયાસ કરતાં હાલ તેને હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવી હતી. આ અંગે ભક્તિનગર પોલીસે ઘટના સ્થળે પહોંચી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
ફોટા મોકલી પજવણી કરે છે
આ અંગે પોલીસને યુવતીના પરિવારજનો દ્વારા જણાવ્યું અનુસાર તેમની દીકરી સતત ઇન્સ્ટાગ્રામ એપ્લિકેશનમાં વ્યસ્ત રહે છે. અને પરિવારજનોને આ માધ્યમ શું છે તેની બહુ ખબર નથી. એ દરમિયાન તેણીએ થોડા દિવસ પહેલા પરિવારજનોને જાણ કરી હતી કે તેને ઇન્સ્ટાગ્રામથી મિત્ર બનેલો હિતાર્થ નામનો શખ્સ હેરાન પરેશાન કરે છે અને ફોટા મોકલી પજવણી કરે છે. તેમજ ધરાર તેની સાથે લગ્ન કરવાનું કહે છે. આથી પરિવારજનોને સમગ્ર વિગતો જાણવા મળી.
હોસ્પિટલ ચોકીના સ્ટાફે પોલીસને જાણ કરી
આ ઉપરાંત ગઇકાલે એ યુવકે ફરીવાર ફોટા મોકલતાં તેમની દીકરીને માઠુ લાગી જતાં સાંજે પોતાની ઘરે માતાની દવા ચાલુ હોઇ તે વધુ પડતી ગટગટાવી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. આ દવાને પગલે તેને ઝેરી અસર થતા સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવતાં હોસ્પિટલ ચોકીના સ્ટાફે ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં જાણ કરી હતી.
લગ્નની હા નહિ પાડો તો હું દવા પી મરી જઇશ
પરિવારજનોએ વધુમાં જણાવ્યું હતું કે, લગભગ એકાદ વર્ષ પહેલા તેમની દીકરી આ યુવકના સંપર્કમાં આવી હોવાનું તેણીએ પરિવારજનોને કહ્યું હતું.અને હિતાર્થ ધરાર પાછળ પડી ગયો હોઇ અને લગ્ન કરવાનું કહી હેરાન કરતો હતો. તેમજ યુવતીના ઘરે દવા લઇને આવી ગયો હતો અને 'લગ્નની હા નહિ પાડો તો હું દવા પી મરી જઇશ' તેવી ધમકી આપતાં પરિવારજનોએ તેનું ઘર શોધી તેના માતા-પિતાને જાણ કરતાં તેમણે 'અમારો દીકરો કહ્યામાં નથી' તેવું હોવાનું જણાવી દીધું હતું.
યુવતીને બ્લેકમેઇલ કરી હેરાન કરતો
આ મામલે યુવતીના પરિવારજનો દ્વારા યુવકને આવું નહિ કરવા સમજાવવા છતાં તે સતત યુવતીની પાછળ પડી ગયો હતો અને બ્લેકમેઇલ કરી હેરાન કરતો હોઇ તે કારણે યુવતીએ આપઘાતનો પ્રયાસ કર્યો છે. તેવું પરિવારજનોએ જણાવ્યું હતું. હાલ ભક્તિનગર પોલીસે યુવતીના પરિવારજનોના આક્ષેપો અંગે તપાસ હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.