નવતર પહેલ:રાજકોટમાં ગેસ સિલીન્ડર બન્યા મતદાન જાગૃતિનું માધ્યમ, સ્ટીકર્સ દ્વારા ઘરે-ઘરે સંદેશ પહોંચશે

રાજકોટ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
મતદાન જાગૃતિના સ્ટીકર્સ જોવા મળશે - Divya Bhaskar
મતદાન જાગૃતિના સ્ટીકર્સ જોવા મળશે

રાજકોટ જિલ્લામાં વધુ ને વધુ મતદાન થાય તે હેતુથી ગેસના બાટલા પર સ્ટીકર લગાડી આ સિલિન્ડરની ડીલેવરી કરવામાં આવશે. જિલ્લા પૂરવઠા અધિકારી અવનિબેન હરણે કહ્યું કે અંદાજે 7 હજાર જેટલા ગેસના બાટલામાં આ સ્ટીકર્સ લગાડવામાં આવ્યા હોઈ જેથી ઘરે ઘરે સતત યાદ અપાવશે કે મતદાન કરવું એ આપણી પવિત્ર ફરજ છે.

240 જેટલી બસમાં સ્ટીકર્સ લાગશે
આજ રીતે ગુજરાત રાજ્ય માર્ગ પરિવહનની બસોમાં પણ 'અવસર લોકશાહીનો'ના મતદાન જાગૃતિના સ્ટીકર્સ સામે જોવા મળશે. બસોમાં મોટા પાયે લોકો પરિવહન કરતા હોઈ તેમના ધ્યાને સતત આ મેસેજ નજરે ચડશે અને આપણે પણ મતદાન કરવું જોઈએ તે સતત યાદ અપાવતુ રહે તે માટે એસ.ટી. બસ મદદરૂપ બનશે.રાજકોટ જિલ્લામાં પાંચ ડેપો હેઠળની 240 જેટલી બસોમાં આ સ્ટીકર્સ અંદર તેમજ બહારની બાજુ લગાડવામાં આવ્યા હોવાનું વિભાગીય નિયામક જે બી કારોતરાએ માહિતી આપતા જણાવ્યું છે.

અવસર લોકશાહીનો
અત્રે ઉલ્લેખનીય છે કે, આગામી વિધાનસભાની ચૂંટણીને અનુસંધાને રાજકોટ જિલ્લા ચૂંટણી અધિકારી અરૂણ મહેશ બાબુના માર્ગદર્શન હેઠળ ચૂંટણી વિભાગ દ્વારા મતદાન જાગૃતિ અર્થે અનેકવિધ કાર્યક્રમો હાથ ધરવામાં આવ્યા છે, ત્યારે લોકશાહીના અવસરને વધાવવા ઘર-ઘર, પરિવારમાં આ પ્રયોગ સફળતાપૂર્વક અસરકારક રીતે સમજણ પુરી પાડશે તેમ ચોક્કસ કહી શકાય.