તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગ્રાઉન્ડ રિપોર્ટ:રાજકોટમાં મંદિરો ખૂલ્યાં, બાગ-બગીચા બંધ, જિમ-સંચાલકે કહ્યું- બે મહિનામાં ઘણી નુકસાની ભોગવી, હવે રાહત મળે એવી આશા

રાજકોટ13 દિવસ પહેલા
રાજકોટના પંચનાથ મહાદેવ મંદિરમાં ભાવિકો દર્શન માટે ઊમટ્યા.
  • મોટી સંખ્યામાં લોકો મોર્નિંગ વોક કરવા રેસકોર્સ આવ્યા, પણ ગાર્ડન બંધ હોવાથી ધરમનો ધક્કો થયો

રાજ્ય સરકારના આદેશથી આજથી ગુજરાતમાં મંદિરો, બાગ-બગીચા, જિમ, સ્પોર્ટ્સ સંકુલ ખૂલ્યાં છે, ત્યારે રાજકોટમાં DivyaBhaskarએ ગ્રાઉન્ડ રિપોર્ટ તૈયાર કર્યો છે, જેમાં જાણવા મળ્યું હતું કે વહેલી સવારથી જ મંદિરોમાં દર્શન માટે મોટી સંખ્યામાં ભાવિકો જોવા મળ્યા હતા તેમજ સવાર સવારમાં ફિટનેસ વધારવા લોકો જિમમાં ઊમટ્યા હતા, પરંતુ શહેરના હાર્દસમું ગાર્ડન કહેવાય એ રેસકોર્સનો બગીચો બંધ જોવા મળ્યો હતો. વહેલી સવારે રેસકોર્સ ખાતે મોટી સંખ્યામાં લોકો મોર્નિંગ વોક કરવા માટે આવ્યા હતા, પરંતુ ગાર્ડન બંધ હોવાથી લોકોને ધરમનો ધક્કો થયો હતો. જિમના સંચાલકે જણાવ્યું હતું કે બે મહિના સુધી ઘણી નુકસાની ભોગવી, હવે રાહત મળે તેવી આશા છે.

રાજકોટમાં દરેક બગીચા પર લોકોને અંદર પ્રવેશવા મનાઇ
રેસકોર્સ ખાતે આવેલા લોકોએ જણાવ્યું હતું કે રાજ્ય સરકારનો આદેશ છતાં મનપા કમિશનરે કેમ બગીચા ખોલ્યાં નથી. સરકાર અને મનપા વચ્ચે સંકલનનો અભાવ જોવા મળી રહ્યો છે. લોકો રોષ વ્યક્ત કરી ફરી પોતાના ઘરે જતા રહ્યા હતા. રાજ્યમાં આજથી બાગ-બગીચા ખૂલી ગયાં છે ત્યારે રાજકોટના તમામ બાગ-બગીચાને ખોલવા અધિકારીઓએ હજી સુધી મંજૂરી આપી નથી. દરેક બગીચા પર સિક્યોરિટી ગાર્ડ દ્વારા લોકોને મનાઇ ફરમાવવામાં આવી રહી છે.

આજથી રાજકોટમાં જિમ ખૂલ્યાં.
આજથી રાજકોટમાં જિમ ખૂલ્યાં.

ભાવિકોમાં ઉત્સાહ વધશે- પંચનાથ મહાદેવ મંદિરના પૂજારી
પંચનાથ મંદિરના પૂજારીએ જણાવ્યું હતું કે ઘણા સમય પછી ભાવિકોની લાગણી હતી તેને સરકારે વાચા આપી છે. આજથી મંદિર ખૂલતાં જ ભાવિકોની લાગણીમાં વધારો થયો છે. સરકારની ગાઈડલાઇન્સ પ્રમાણે જ મંદિરમાં સોશિયલ ડિસ્ટન્સ સાથે ભાવિકોને અંદર આવવા દેવામાં આવી રહ્યા છે તેમજ મંદિર તરફથી ભાવિકોને સેનિટાઇઝ કર્યા બાદ ભગવાન પાસે દર્શન માટે મોકલવામાં આવી રહ્યા છે. આજથી મંદિરો ખૂલતાં જ ભાવિકોમાં એક અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

જિમ-સંચાલકે કહ્યું, હવે રાહત મળશે.
જિમ-સંચાલકે કહ્યું, હવે રાહત મળશે.

બે મહિના બંધ રહેતાં ઘણી નુકસાની-જિમ-સંચાલક
રાજકોટમાં આજથી જિમ પણ ખૂલી ગયાં છે. લોકો સવારથી જ પોતાની ફિટનેસ વધારવા માટે જિમમાં ઊમટી પડ્યા છે, ત્યારે જિમ-સંચાલકે જણાવ્યું હતું કે સરકારે આજથી જિમને ખોલવાની મંજૂરી આપી એ બદલ સરકારનો આભાર માનીએ છીએ. બે મહિનાથી જિમ બંધ રહેવાથી ઘણી નુકસાની પણ પડી છે, પરંતુ હવે ચાલુ થતાં થોડીક રાહત થશે. જિમમાં એક-એક કલાકનું સેશન હોય છે. બાદમાં સેનિટાઇઝ કરવામાં આવે છે તેમજ અમારો સ્ટાફ પણ ગાઇડલાઇન્સનું પાલ કરી ફરજિયાત માસ્ક અને લોકો પાસે સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરાવી રહ્યા છે.

ખોડલધામ મંદિરનાં દ્વાર આજથી ખૂલ્યાં.
ખોડલધામ મંદિરનાં દ્વાર આજથી ખૂલ્યાં.

ખોડલધામ મંદિર આજથી ખૂલ્યું
લેઉવા પટેલ સમાજના એકતાનું પ્રતીક ખોડધામ મંદિર આજથી ખૂલી ગયું છે. મંદિર સવારના 7થી સાંજના 7 વાગ્યા સુધી ખુલ્લું રહેશે. ધ્વજારોહણમાં 50 ભાવિક જ ઉપસ્થિત રહી શકશે. આ મંદિર છેલ્લા બે મહિનાથી ભાવિકો માટે બંધ રાખવામાં આવ્યું હતું, પરંતુ આજથી ખૂલતાં ભાવિકો દર્શન કરવા માટે પહોંચી રહ્યા છે. ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલ સહિતના ટ્રસ્ટી મંડળ દ્વારા નિર્ણય લઈને તમામ ગાઈડલાઈન્સના પાલન સાથે મંદિર પરિસર ખોલવાનું નક્કી કરવામાં આવ્યું હતું. ટ્રસ્ટના આ નિર્ણયને ભાવિકો પણ આવકારી રહ્યા છે. 10 એપ્રિલ-2021થી ખોડલધામ મંદિર કોરોનાવાયરસના પગલે દર્શનાર્થીઓ માટે બંધ કરી દેવાયું હતું, જ્યારે વિશ્વપ્રસિદ્ધ વીરપુરનું જલારામ મંદિર 14 જૂનના રોજ ખૂલશે.