રાજકોટના ગાયત્રીનગર મેઈન રોડ નજીકના વિસ્તારમાં રહેતી અને બી.કોમ. સુધીનો અભ્યાસ કરનારી 22 વર્ષીય યુવતી દુષ્કર્મનો ભોગ બન્યાની ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ, મિલન કાંતિભાઈ ચોટલિયા નામના યુવકે ઈન્સ્ટાગ્રામમાં મિત્રતા કેળવી હતી. બાદમાં લગ્ન કરવાની લાલચ આપી ‘હું મરી જાઉં છું’ એવો મેસેજ કરી યુવતીને ઇમોશનલી બ્લેકમેઇલ કરતો હતો. ‘તારે મેરેજ પછી પણ મારી સાથે ફિઝિકલ રિલેશન રાખવા પડશે’ એવી ધમકી આપી યુવતી સાથે અવારનવાર શરીર સંબંધ બાંધ્યો હતો. મિલને યુવતી સાથેની અંગત પળોના ફોટા પાડી એને વાઇરલ કરવાની ધમકી આપી અવારનવાર હવસનો શિકાર બનાવી હતી.
આરોપીના પિતાના મકાનમાં ભાડે રહેવા ગઈ
ભોગ બનનાર યુવતીએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે કે અગાઉ પોતાનો પરિવાર મિલનના પિતાના મકાનમાં ભાડે રહેવા ગયો હતો. અહીં સગવડ હોવાથી સૂવા આવતા મિલન સાથે પરિચય થયો હતો. આરોપીએ તેને ઈન્સ્ટાગ્રામમાં ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલતાં તેણે એક્સેપ્ટ કરતાં બન્ને વાતચીત કરવા લાગ્યાં હતાં. ત્યાર બાદ મકાનમાં પાણી ચડાવવાની મોટર બગડી ગઈ હોવાથી મિલને તેની પાસે નંબર માગતાં નંબરની આપ-લે કરી હતી અને બન્ને વ્હોટ્સએપ મારફત વાતો કરવા લાગતાં તેમની વચ્ચેની ફ્રેન્ડશિપ ગાઢ થઈ ગઈ હતી.
યુવતી ઘરે એકલી હતી ત્યારે દુષ્કર્મ આચર્યું
થોડા દિવસ બાદ યુવતી ઘરે એકલી હતી. ત્યારે ધસી આવેલા મિલને મારી મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચર્યું હતું. બાદમાં આરોપી બે-ત્રણ દિવસે તે એકલી હોય ત્યારે તેના ઘરે જતો હતો. તે ના પાડે તો તેને ‘હું તારી સાથે લગ્ન કરીશ’ કહી દુષ્કર્મ આચરતો હતો. એટલું જ નહીં, આ સમયે આરોપી બન્નેની અંગત પળોના ફોટા પણ પાડી લેતો હતો. યુવતી જ્યારે ના પાડે ત્યારે મિલન માર મારી બળજબરી કરતો હતો. તેમજ અંગત પળોના ફોટા વાઇરલ કરી દઈશ, એવી કહી ધમકી આપતો હતો. આમ, મિલન અવારનવાર તેને હવસનો શિકાર બનાવતો હતો. એેને પગલે તેની તબિયત ખરાબ થતાં તબીબને દેખાડ્યું હતું.
પિતાને જાણ કરતાં મકાન ખાલી કરી દીધું
હોસ્પિટલમાં દાખલ રહ્યા બાદ રજા મળતાં યુવતી ઘરે આવતાં તેના બે-ત્રણ દિવસ બાદ ફરીથી મિલન ધસી આવ્યો હતો અને તેની સાથે બળજબરી કરી હતી. આ અંગે તેણે તેનાં માતા-પિતાને મિલન બરાબર છોકરો નથી એમ કહેતાં તેના પિતાએ મિલનનું મકાન ખાલી કરી બધા ગાયત્રીનગર રોડ નજીકના વિસ્તારમાં રહેવા ગયા હતા. ત્યાર બાદ પણ મિલને ઈન્સ્ટાગ્રામમાં તેની અંગત પળોના ફોટા મોકલી કોલ કર્યો હતો, પરંતુ તેણે કોલ રિસીવ નહીં કરતાં ‘હું મરી જાઉં છું’ એવો મેસેજ કરી ઈમોશનલી બ્લેકમેઇલ કરી હતી.
લગ્ન બાદ પણ શારીરિક સંબંધ રાખવાની ધમકી
જેના બીજા દિવસે મિલને ફરીથી કોલ કરતાં તેની સાથે વાત કરી હતી. ત્યાર પછી આરોપી ફરીથી તેના ઘરે આવી ઈમોશનલ બ્લેકમેઇલ કરી બળજબરી કરી, ‘તારે મેરેજ પછી પણ મારી સાથે ફિઝિકલ રિલેશન રાખવાના છે અને કોઈને આ વાત કરવાની નથી’ કહી ધમકાવી હતી. ત્યાર બાદ પણ ઈમોશનલ બ્લેકમેઇલ કરી આરોપીએ ‘તારે મારી સાથે સંબંધ રાખવા જ પડશે’ કહી દુષ્કર્મ આચર્યું હતું. આ અંગે ભક્તિનગર પોલીસે ફરિયાદ નોંધી કાર્યવાહી હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.