હુમલો:રાજકોટમાં ફાયનાન્સરને ‘રૂપિયા તાત્કાલિક નહીં આપ તો જીવતો નહીં રહેવા દઉં’ કહી લેણદાર સહિત ચાર શખ્સે ઢોર માર માર્યો

રાજકોટ8 દિવસ પહેલા
  • કૉપી લિંક
આ તસવીર પ્રતિકાત્મક છે. - Divya Bhaskar
આ તસવીર પ્રતિકાત્મક છે.
  • હુમલો કરી મુંઢ માર મારવામાં આવ્યો હતો, પતરાની પેટી ઉપાડી કપાળે ફટકારી દીધી

રાજકોટ શહેરના સહકાર રોડ પર રહેતા અને અટીકા ઇન્ડસ્ટ્રીઝ એરિયામાં ઓફિસ રાખી ફાયનાન્સનું કામ કરતાં ફાયનાન્સર પટેલ યુવાન પર મોડી રાતે જામનગરના લેણદાર સહિત ચાર શખ્સે ઝઘડો કર્યો હતો. બાદમાં ગાળો દઇ પતરાની પેટી, ધોકા, ઢીકાપાટુનો માર મારી ‘રૂપિયા તાત્કાલિક નહીં આપ તો જીવતો નહીં રહેવા દઉં’ કહી મારી નાખવાની ધમકી આપતાં મામલો પોલીસ સુધી પહોંચ્યો છે.

ચાર શખ્સો સામે ગુનો નોંધાયો
ભક્તિનગર પોલીસે સહકાર રોડ પીપળીયા હોલ પાસે ન્યુ રામેશ્વર સોસાયટી- 4માં રહેતાં અને ફાયનાન્સનું કામ કરતાં સમીર મનુભાઇ સોરઠિયાની ફરિયાદ પરથી ધર્મેન્દ્રસિંહ ઝાલા, કૃષ્ણસિંહ ઝાલા, જયપાલસિંહ ગોહિલ અને અજાણ્યા શખ્સ સામે આઇપીસી 323, 504, 506(2), 114, 135(1) મુજબ ગુનો નોંધ્યો છે. સમીર સોરઠિયા રાતે સવા બારેક વાગ્યે અટીકા ઇન્ડસ્ટ્રીઝ એરિયા ઢેબર રોડ સાઉથમાં છનીયારા એસ્ટેટ સામે આવેલી પોતાની બાલાજી એન્ટરપ્રાઇઝ નામની પોતાની ઓફિસે હતા. ત્યારે હુમલો કરી મુંઢ માર મારવામાં આવ્યો હતો.

પતરાની પેટી ઉંપાડી મને કપાળે ફટકારી દીધી
સમીર પટેલે ફરિયાદમાં જણાવ્યું છે કે, હું ફાયનાન્સનો ધંધો કરુ છું. રાતે હું મારી ઓફિસે હતો ત્યારે જામનનગરવાળા ધમભા ઝાલા જે મારી પાસે રૂપિયા માગતા હોય તેની ઉઘરાણી કરવા તે તથા તેની સાથે કૃષ્ણસિંહ, જયપાલભાઇ અને અજાણ્યો શખ્સ આવ્યા હતા. રૂપિયાની ઉઘરાણી મામલે વાતચીત ચાલુ હતી ત્યારે બોલાચાલી થતાં ધમભાએ ગાળો આપી હતી અને રૂપિયા તો આપવા જ પડશે કહી મારી ઓફિસમાં પડેલી પતરાની પેટી ઉપાડી મને કપાળે ફટકારી દીધી હતી.

પોલીસે આરોપીઓની ધરપકડ કરવા તજવીજ હાથ ધરી
તેની સાથેના કૃષ્ણસિંહ પણ આડેધડ માર મારવા માંડ્યા હતા અને જયપાલભાઇએ ધોકાથી મને પગ અને વાંસામાં તથા અજાણ્યાએ ઢીકાપાટુનો માર માર્યો હતો. તેમજ બધાએ ગાળો પણ ભાંડી હતી. ત્યાં મારા મિત્રો શિવરાજસિંહ જાડેજા, મહેન્દ્રસિંહ જાડેજા હાજર હોય તેમેણે આ બધાને સમજાવ્યા હતા. જતાં જતા ધમભાએ રૂપિયા તાત્કાલિક નહીં આપ તો જીવતો નહીં રહેવા દઉં તેવી ધમકી આપી હતી. એ પછી મને હોસ્પિટલમાં ખસેડાયો હતો. સારવાર બાદ રજા લઇ હું મારા મિત્ર ભાવેશભાઇ અને પત્ની કૈલાસને લઇ પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો અને ફરિયાદ કરી હતી. પોલીસે આ ફરિયાદને આધારે આરોપીઓની ધરપકડ કરવા તજવીજ હાથ ધરી છે.