વિશ્વ યોગ દિવસ:રાજકોટમાં પૂર્વ CM રૂપાણી, વજુભાઈ વાળા અને રાજ્યસભાના MP મોકરિયાએ તો ખોડલધામમાં નરેશ પટેલે યોગ કર્યા

રાજકોટ7 મહિનો પહેલા
ભાજપના સિનિયર નેતા વજુભાઈ વાળાએ યોગ કર્યા.
  • જિલ્લામાં 645 જગ્યા પર 4.50 લાખ જેટલા લોકોએ યોગ કરી યોગ દિવસની ઉજવણી કરીઃ કલેક્ટર

આજે આઠમો વિશ્વ યોગ દિવસ છે. ત્યારે રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વિશ્વ યોગ દિવસની ઉજવણી RKC કોલેજ ખાતે કરવામાં આવી હતી. જેમાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી, રાજ્યસભાના સાંસદ રામ મોકરીયા સહિતના નેતાઓ અને આગેવાનોએ યોગ કર્યા હતા. તેમજ કલેક્ટર અરૂણ મહેશ બાબુ સહિતના અધિકારીઓએ પણ યોગ કર્યા હતા. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પણ અલગ અલગ 3 જગ્યાએ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ભાજપના સિનિયર નેતા વજુભાઈ વાળાએ પણ યોગ કર્યા હતા. બીજી તરફ ખોડલધામમાં નરેશ પટેલ સહિત મોટી સંખ્યામાં લોકોએ યોગ કર્યા હતા. કલેક્ટરે જણાવ્યું હતું કે, રાજકોટ જિલ્લામાં 645 જગ્યાએ 4.50 લાખ જેટલા લોકોએ યોગ કરી વિશ્વ યોગ દિવસની ઉજવણી કરી છે.

RKC કોલેજમાં વિજય રૂપાણી અને રામ મોકરીયાએ યોગ કર્યા.
RKC કોલેજમાં વિજય રૂપાણી અને રામ મોકરીયાએ યોગ કર્યા.

ખોડલધામ મંદિરે સતત છઠ્ઠા વર્ષે વિશ્વ યોગ દિવસની ઉજવણી
રાજકોટ જિલ્લાના કાગવડ સ્થિત યાત્રાધામ ખોડલધામ મંદિરમાં પણ વિશ્વ યોગ દિવસની ઊજવણી કરવામાં આવી હતી. ખોડલધામ મંદિરે સતત છઠ્ઠા વર્ષે વિશ્વ યોગ દિવસની ઉજવણી કરાઇ હતી. છેલ્લા બે વર્ષ દરમિયાન કોરોનાના કારણે વર્ચ્યુઅલ ઉજવણી કરાઈ હતી. જ્યારે આજે મોટી સંખ્યામાં લોકોની હાજરીમાં ઉજવણી કરાઇ હતી. મંદિરમાં દર વર્ષે વિશ્વ યોગ દિવસ પર અલગ અલગ વિષય પર માર્ગદર્શન પણ અપાઇ છે. ત્યારે આજે માનવ શરીરમાં મહત્વનું કરોડરજ્જુ પર વિશેષ યોગ કર્યા હતા. અત્યારની ભાગદોડભરી જિંદગીમાં કરોડરજ્જુના પ્રશ્નો વધી રહ્યા છે ત્યારે યોગના નિષ્ણાંતો દ્વારા કરોડરજ્જુની સમસ્યા દૂર થાય તે માટે ખાસ માહિતી સાથે યોગ પણ કરાવ્યા હતા, સાથે યોગનો લાભ મળે તે માટે ઓનલાઈન યોગ શિબિરનું ટેલિકાસ્ટ કરવામાં આવ્યું હતું.

RKC કોલેજમાં મોટી સંખ્યામાં લોકોએ યોગ કર્યા.
RKC કોલેજમાં મોટી સંખ્યામાં લોકોએ યોગ કર્યા.

દરેક સમાજના યુવાનો માટે રાજકીય ક્લાસિસ શરૂ કરાશેઃ નરેશ પટેલ
નરેશ પટેલે જણાવ્યું હતું કે, આપણા ઋષિમુનીઓ આદિકાળથી યોગ કરતા પણ આપણે તેને ક્યાંક ભૂલી ગયા છીએ. જ્યારે ખોડલધામ દ્વારા શરૂ કરાયેલી રાજકીય પાઠશાળા અંગે નરેશ પટેલે જણાવ્યું હતું કે, દરેક સમાજના યુવાનો માટે રાજકીય ક્લાસિસ શરૂ કરવામાં આવશે, ટૂંક સમયમાં એનો સેમિનાર યોજાશે. ખોડલધામ સમિતિ દ્વારા ગઈકાલથી ઓનલાઇન રજિસ્ટ્રેશન માટેની પ્રક્રિયા શરૂ કરાઇ છે. આ રાજકીય પાઠશાળા અંગે પ્રશાંત કિશોરની મદદ અંગે કહ્યું હતું કે, જ્યારે જે જરૂર પડશે ત્યારે જે-તે નિષ્ણાંતોની મદદ લેવાશે.

મહાનગરપાલિકા દ્વારા 3 જગ્યાએ યોગ દિવસની ઉજવણી કરાઇ.
મહાનગરપાલિકા દ્વારા 3 જગ્યાએ યોગ દિવસની ઉજવણી કરાઇ.

આટકોટની વિદ્યાવિહાર સ્કૂલમાં ઉજવણી
આટકોટ વિદ્યાવિહાર હાઈસ્કૂલમાં વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું કે, યોગ કરવાથી રોગ ભાગશે, દરેક લોકોએ યોગ કરવા જોઈએ. યોગ કરવાથી શરીર પણ સ્વસ્થ રહે છે તેમજ મન શાંત રહે છે. આજે વિશ્વ યોગ દિવસની ઉજવણી હોય તો દરેક લોકોને યોગ કરવા અમારી અપીલ છે. આ યોગ 600 વિદ્યાર્થીઓએ યોગ દિવસની ઉજવણી કરી હતી સાથે શિક્ષકો પણ જોડાયા હતા.

ખોડલધામમાં યોગ દિવસની ઉજવણી કરાઇ.
ખોડલધામમાં યોગ દિવસની ઉજવણી કરાઇ.

ગાંધી મ્યુઝિયમમાં યોગ દિવસની ઉજવણી
રાજકોટના કબા ગાંધીના ડેલામાં પણ યોગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પતંજલિ યોગ મિશન દ્વારા યોગ કરવામાં આવ્યા હતા. દુલા ભગત આશ્રમ અને શાળા નં.51માં ચાલતા પતંજલિ યોગ ગ્રુપ દ્વારા અહીં યોગ કરવામાં આવ્યા હતા. જેમાં 20-25 મહિલાઓએ અહીં ચેતનાબેન ચુડાસમા અને રિયાબેન પરમારના નિદર્શન હેઠળ યોગ કર્યો હતો. અહીં ઐતિહાસિક જગ્યાએ સામૂહિક યોગાસન દ્વારા સુંદર નયનરમ્ય વાતાવરણ સર્જાયું હતું. આ ઉપરાંત રાજકોટ સ્થિત હાલના મહત્મા મ્યુઝિયમ તથા તત્કાલિન આલ્ફ્રેડ હાઈસ્કૂલ કે જ્યાં ગાંધીજીએ અભ્યાસ કર્યો હતો. ઐતિહાસિક સ્થળે પણ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આયોજીત યોગ શિબિરમાં નગરજનો દ્વારા યોગકોચ જ્યોતીબેન પરમાર દ્વારા મોટી સંખ્યામાં નગરજનો જોડાયા હતા.

વિશ્વ યોગ દિવસની ઉજવણીનો આકાશી નજારો
વિશ્વ યોગ દિવસની ઉજવણીનો આકાશી નજારો

જ્યુબેલિ બાગ ખાતે 150 વિદ્યાર્થિનીઓએ યોગ કર્યા
રાજકોટના ઐતિહાસિક મહત્વ ધરાવતા જ્યુબેલિ બાગ સ્થિત બેન્ડ સ્ટેન્ડ ખાતે રાજકોટની લાલબહાદુર શાસ્ત્રી વિદ્યાલયની વિદ્યાર્થિનીઓ દ્વારા યોગ અભ્યાસ કર્યા હતા. શાળાના આચાર્ય ભરતસિંહ પરમારના જણાવ્યાનુસાર આ યોગાભ્યાસમાં સ્કાઉટ ગાઇડની 50 અને NSSની 100 મળી કુલ 150 વિદ્યાર્થીનીઓએ યોગ કોચ માધવીબેન મહેતા, મીતાબેન તેરૈયા અને ભુમીબેન અઘારાના માર્ગદર્શન હેઠળ યોગાભ્યાસ કર્યો હતો. બેન્ડ સ્ટેન્ડ ખાતે યોજાયેલ આ યોગાઅભ્યાસનું ખાસ મહત્વ છે.

ગાંધી મ્યુઝિયમમાં યોગ દિવસની ઉજવણી.
ગાંધી મ્યુઝિયમમાં યોગ દિવસની ઉજવણી.
જ્યબેલિ બાગમાં યોગ દિવસની ઉજવણી.
જ્યબેલિ બાગમાં યોગ દિવસની ઉજવણી.

સરધાર સ્વામિનારાયણ મંદિરમાં સંતોએ યોગ કર્યા
સ્વામી નિત્યસ્વરૂપદાસજીની પ્રેરણાથી સ્વામિનારાયણ મંદિર સરધારના પરિસરમાં વિનામૂલ્યે અભ્યાસ કરતા લગભગ 700 જેટલા કોલેજીયન વિદ્યાર્થીઓ તથા સંતો ભક્તો દ્વારા યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. સંતો દ્વારા યોગની મહત્તા કહેવામાં આવી યોગ એ એક પ્રાચિન શારીરિક, માનસિક અને આધ્યાત્મિક પ્રણાલી છે. સમગ્ર વિશ્વને યોગની ભેટ આપનાર બીજું કોઈ નહીં પણ આપણો ભારત દેશ છે. યોગ એ સંસ્કૃત શબ્દ છે જેનો અર્થ જોડાણ કરવું કે એક કરવું થાય છે. યોગ એ શરીર અને આત્મના જોડાણનો પ્રતિક છે. યોગ એ આધ્યાત્મિક શિસ્ત છે. આજે યોગ એ સમગ્ર વિશ્વમાં જુદા-જુદા સ્વરૂપે કરાય છે અને તેની લોકપ્રિયતા પણ દિન-પ્રતિદિન વધી રહી છે.

સરધાર સ્વામીનારાયણ મંદિરમાં યોગ દિવસની ઉજવણી.
સરધાર સ્વામીનારાયણ મંદિરમાં યોગ દિવસની ઉજવણી.
અન્ય સમાચારો પણ છે...