જૂની સરકાર નવા ઉમેદવારો સામે ફસકી!:રાજકોટમાં પૂર્વ CM રૂપાણી સભામાં સ્થાન ગ્રહણ કરવા જતાં ગબડી પડ્યા

રાજકોટ18 દિવસ પહેલા

રાજકોટ શહેરના બહુમાળી ભવન ચોક ખાતે આજે ભાજપના ઉમેદવારો સભા સંબોધન કરી વિજય મુહૂર્તમાં ફોર્મ ભરવા જશે. ઉમેદવારીપત્રક નોંધાવે એ પહેલાં સભા ખાતે ભાજપના નેતાઓ અને આગેવાનો ઉપસ્થિત રહ્યા, જેમાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી, કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ વજુભાઇ વાળા, કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા સહિત નેતાઓ-આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ સમયે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી સ્ટેજ પર આવ્યા બાદ બેસવા સમયે ફસકી ગયા હતા અને પડતાં પડતાં રહી ગયા હતા.

સ્ટેજ પર ભાજપના નેતાઓ અને આગેવાનો ઉપસ્થિત રહ્યા.
સ્ટેજ પર ભાજપના નેતાઓ અને આગેવાનો ઉપસ્થિત રહ્યા.

રૂપાણી નહીં તો નીતિન ભારદ્વાજ
નોંધનીય છે કે ભાજપે પ્રથમ વખત ચારેય બેઠક પર નવા ચહેરાની પસંદગી કરી હતી. વિધાનસભા 68મા ઉદય કાનગડ, 69માં દર્શિતાબેન શાહ, 70મા રમેશ ટીલાળા અને 71માં ભાનુબેન બાબરિયાના નામની જાહેરાત કરવામાં આવી હતી. ભાજપે ઉમેદવાર પસંદગી માટે સેન્સપ્રક્રિયા હાથ ધરી ત્યારે ચારેય બેઠક માટે 50થી વધુ લોકોએ દાવેદારી કરી હતી, પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સીધી રીતે દાવેદારી કરી નહોતી, પરંતુ તેમના નિકટના ટેકેદારોએ રૂપાણીને ટિકિટ મળે એવી આગ્રહપૂર્વકની રજૂઆત કરી હતી, રૂપાણી નહીં તો નીતિન ભારદ્વાજ માટે પણ ભારે લોબિંગ થયું હતું.

MLA લાખા સાગઠિયા ( ડાબી તરફ) અને મંત્રી અરવિદ રૈયાણી ( જમણી તરફ).
MLA લાખા સાગઠિયા ( ડાબી તરફ) અને મંત્રી અરવિદ રૈયાણી ( જમણી તરફ).

લાખા સાગઠિયા પર જોખમની તલવાર ઝળૂંબતી હતી
વિધાનસભા 70મા સિનિયર ધારાસભ્ય ગોવિંદ પટેલને નિવૃત્ત કરવામાં આવશે અને તેમની બેઠક પર પ્રદેશ ભાજપના ઉપપ્રમુખ ભરત બોઘરા અને ખોડલધામના ટ્રસ્ટી રમેશ ટીલાળાના નામ મોખરે ચાલતા હતા, વિધાનસભા 68ના ધારાસભ્ય અને મંત્રી અરવિંદ રૈયાણી સામે તેમના વિસ્તારમાંથી ભારે વિરોધ ઊઠ્યો હતો, જોકે રૈયાણી મંત્રી અને પાટીદાર હોય તેમનું પત્તું કપાશે કે કેમ એના પર અનેક ચર્ચાઓ ચાલતી હતી, રાજકોટ ગ્રામ્ય વિધાનસભા 71માં પણ ધારાસભ્ય લાખા સાગઠિયા પર જોખમની તલવાર ઝળૂંબતી હતી અને તેમાં ભાનુબેન બાબરિયા સહિતનાં નામ ચાલતાં હતાં.

રૂપાણી પોતે ચૂંટણી લડવા ઇચ્છતા નથી
બુધવારે રાત્રે નાટ્યાત્મક રીતે વિજય રૂપાણીએ પોતે ચૂંટણી લડવા ઇચ્છતા નથી એવી જાહેરાત સામે ચાલીને કરી હતી, બુધવારે ભાજપે યાદી જાહેર કરતાં જ ભાજપના કાર્યકરો ચોંકી ઊઠ્યા હતા. રાજકોટના ઇતિહાસમાં અત્યારસુધી ભાજપે 1975થી 2012 સુધી રાજકોટની બે બેઠક હતી ત્યારે એક બેઠક પર નવું નામ જાહેર કર્યું હોય, પરંતુ બીજી બેઠક પર અગાઉનું નામ રિપીટ કર્યું હોય એવું બનતું હતું. 2012 પછી રાજકોટ શહેર ગ્રામ્યની મળી ચાર બેઠક મળી તોપણ રાજકોટ પશ્ચિમમાં વજુભાઇ વાળા અડીખમ ઉમેદવાર સાબિત થયા હતા, પરંતુ 2022માં ચારેય બેઠક પર નવા ઉમેદવાર ઉતાર્યા છે.

રાજકોટ જિલ્લાની 8 બેઠક પૈકી ધોરાજીને બાદ કરતાં 7 બેઠક પર ઉમેદવારો જાહેર
રાજકોટ જિલ્લાની 8 બેઠક પૈકી ધોરાજીને બાદ કરતાં 7 બેઠક પર ઉમેદવારો જાહેર

4 બેઠક પર નવા ચહેરાને ઉતારવામાં આવ્યા
ભારતીય જનતા પાર્ટી દ્વારા આજે ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી છે, જેમાં રાજકોટ જિલ્લાની 8 બેઠક પૈકી ધોરાજીને બાદ કરતાં 7 બેઠક પર ઉમેદવારો જાહેર કરવામાં આવ્યા છે, જેમાંથી 4 બેઠક પર ‘નો રિપીટ’ એટલે કે નવા ચહેરાને ઉતારવામાં આવ્યા છે. બીજી તરફ 3 બેઠક પર રિપીટ થિયરી અપનાવવામાં આવી છે. જોકે ધોરાજી બેઠક પર ઉમેદવાર કોણ એને લઈ હજુ પણ સસ્પેન્સ રાખવામાં આવ્યું છે, કારણ કે આ બેઠક પર હજી ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા નથી. 7મા ઉમેદવારમાં કોઈ 10 પાસ, કોઈ એન્જિનિયર તો કોઈ ડોક્ટર છે.

આ રહ્યા રાજકોટની 7 બેઠકના ઉમેદવારો

બેઠકઉમેદવારનું નામરિપીટ/નવો ચહેરો
રાજકોટ પૂર્વઉદય કાનગડનવો ચહેરો
રાજકોટ પશ્ચિમડો.દર્શિતા શાહનવો ચહેરો
રાજકોટ દક્ષિણરમેશ ટીલાળાનવો ચહેરો
રાજકોટ ગ્રામ્યભાનુબેન બાબરિયાનવો ચહેરો
જસદણકુંવરજી બાવળિયારિપીટ
જેતપુરજયેશ રાદડિયારિપીટ
ગોંડલગીતાબા જાડેજારિપીટ

2017માં 8માંથી 7 બેઠક પર ભાજપને જીત મળી હતી
સૌરાષ્ટ્રના પાટનગર સમાન રાજકોટ શહેર અને જિલ્લામાં કુલ 8 વિધાનસભા બેઠકોનો સમાવેશ થાય છે. વર્ષ 2017ની વિધાનસભા ચૂંટણીમાં આ 8 બેઠક પૈકી 7 બેઠક પર ભાજપને જીત મળી હતી, જ્યારે એકમાત્ર ધોરાજી બેઠક પર કોંગ્રેસના લલિત વસોયાએ જીત હાસિલ કરી ધારાસભ્ય બન્યા હતા. આજે ભાજપે પોતાના ઉમેદવારોની યાદી જાહેર કરી એમાં ધોરાજીને બાદ કરતાં તમામ 7 બેઠક પર ઉમેદવાર જાહેર કરી 4 બેઠક પર ‘નો રિપીટ’ અને 3 બેઠક પર રિપીટ થિયરી અપનાવવામાં આવી છે.

પશ્ચિમની બેઠક પર ડો.દર્શિતાબેન શાહની પસંદગી.
પશ્ચિમની બેઠક પર ડો.દર્શિતાબેન શાહની પસંદગી.

હાઈપ્રોફાઈલ બેઠક પર દર્શિતા શાહ ડોક્ટર છે
રાજકોટની હાઇપ્રોફાઈલ બેઠક રાજકોટ પશ્ચિમ બેઠક પર ડો.દર્શિતા શાહને ટિકિટ આપવામાં આવી છે. તેમણે MBBS પછી MD (પેથોલોજી) કર્યું છે. હાલ તેઓ ન્યૂબર્ગ સુપ્રાટેક લેબોરેટરીમાં સિનિયર કન્સલ્ટન્ટ પેથોલોજિસ્ટ તરીકે ફરજ બજાવે છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પૂર્વ પ્રાંત સંઘચાલક સ્વ. ડો.પી.વી.દોશી (પપ્પાજી)નાં પૌત્રી અને ડો. પ્રફુલભાઈ દોશીનાં પુત્રી છે તેમજ વોર્ડ નં.2માં સતત બીજી ટર્મથી કોર્પોરેટર તરીકે કાર્યરત છે. હાલ ડેપ્યુટી મેયર તરીકે કાર્યરત છે.

જયેશ રાદડિયાને જેતપુર બેઠક પર ટિકિટ આપવામાં આવી.
જયેશ રાદડિયાને જેતપુર બેઠક પર ટિકિટ આપવામાં આવી.

જેતપુરમાં વિઠ્ઠલભાઈની જેમ જયેશ રાદડિયાનો દબદબો
જેતપુર બેઠક પર જયેશ રાદડિયાને ટિકિટ આપવામાં આવી છે. જયેશ રાદડિયાએ બીઇ સિવિલ એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો છે. અભ્યાસકાળ દરમિયાન જીએસ હતા. પત્ની મિતલબેન અને બે સંતાનોમાં પુત્ર માહિક અને પુત્રી ક્રિષ્ના છે. જેતપુર વિધાનસભાની છેલ્લે યોજાયેલી વિધાનસભાની ચૂંટણી માટે એફિડેવિટમાં 26.34 કરોડની મિલકત દર્શાવી હતી. રાજકીય કારકિર્દીની શરૂઆત 2009થી 2012 સુધી ધોરાજીના ધારાસભ્ય, રાજકોટ ડિસ્ટ્રિક્ટ કો.ઓપરેટિવ બેંકના ડિરેક્ટર અને ત્યાર બાદ ચેરમેન બન્યા જે હાલ ચાલુ છે. 2013થી જેતપુરના ધારાસભ્ય તરીકે તેઓ હાલ ચાલુ છે. રાજ્યકક્ષાના પાણીપુરવઠા અને પ્રવાસનમંત્રી તરીકે કેબિનેટ મંત્રી તરીકે રહી ચૂક્યા છે તેમજ રાજકોટથી લઇ જામકંડોરણાની પાટીદારની અલગ અલગ નવ જેટલી સંસ્થાઓમાં પ્રમુખ તરીકેની જવાબદારી નિભાવી રહ્યા છે.

ખોડલધામના ટ્રસ્ટી રમેશભાઈ ટીલાળાને દક્ષિણની ટિકિટ મળી.
ખોડલધામના ટ્રસ્ટી રમેશભાઈ ટીલાળાને દક્ષિણની ટિકિટ મળી.

ટીલાળા ખેતી કરતાં કરતાં ઉદ્યોગ સ્થાપ્યો ને સફળ રહ્યા
રમેશ ટીલાળાનો જન્મ રાજકોટ જિલ્લાના શાપર ગામ ખાતે 15 જાન્યુઆરી 1964ના રોજ થયો હતો. 10 ધોરણ પાસ રમેશ ટીલાળા પ્રથમ ખેતરમાં ખેતી કરતા હતા અને ખેતી કરતાં કરતાં તેમને ઉદ્યોગ સ્થાપવાનો વિચાર આવ્યો હતો. આ વિચારની શરૂઆત તેમને ટેક્સટાઇલના ઉદ્યોગથી કરી હતી. ટેક્સટાઇલ ઉદ્યોગમાં સફળતા મળ્યા બાદ તેઓ એક બાદ એક નવા ઉદ્યોગની સ્થાપના કરતા ગયા અને આજે તેઓ રાજકોટ અને આણંદમાં મળી કુલ 7 ઇન્ડસ્ટ્રી ધરાવે છે.

રાજકોટ ગ્રામ્યની અનામત બેઠક પર ભાનુબેન બાબરિયાને ટિકિટ મળી.
રાજકોટ ગ્રામ્યની અનામત બેઠક પર ભાનુબેન બાબરિયાને ટિકિટ મળી.

સસરા ધારાસભ્ય હતા અને વહુને મળ્યો ફાયદો
રાજકોટ ગ્રામ્ય બેઠક પર ભાનુબેન બાબરિયાને ટિકિટ આપવામાં આવી છે. તેઓ રાજકોટ કોર્પોરેશનના વોર્ડ ન.1ના કોર્પોરેટર છે. રાજકોટ ગ્રામ્ય વિધાનસભા બેઠક પરથી બે વખત ધારાસભ્ય રહી ચૂક્યા છે. તેમના સસરા માધુભાઈ બાબરિયા પણ પૂર્વ ધારાસભ્ય છે. ભાનુબેને એક વર્ષ પહેલાં મનપાની ચૂંટણીમાં પોતાની પાસે 3.29 કરોડની ફિક્સ ડિપોઝિટ અને 24 લાખનું સોનું હોવાનું સોગંદનામું દર્શાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...