વ્યાજખોરનો આતંક:રાજકોટમાં વેપારીએ ભાવનગરના ફાયનાન્સર પાસેથી 9 લાખ વ્યાજે લીધા, 19 લાખ ચૂકવ્યા છતાં 12 લાખ વધુ પડાવવા પઠાણી ઉઘરાણી કરતો, ધરપકડ

રાજકોટ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
પોલીસે ભાવનગરના વ્યાજખોરની ધરપકડ કરી. - Divya Bhaskar
પોલીસે ભાવનગરના વ્યાજખોરની ધરપકડ કરી.
  • વ્યાજખોર વેપારીના ઘરે આવી ગાળો આપી પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપતો

રાજકોટના રેલનગરમાં રહેતા વેપારીને તેના પાડોશમાં રહેતા મિત્રના ભાવનગર રહેતા સસરા પાસેથી ધંધા માટે છૂટક છૂટક રૂ.9,00,000 દર મહિને વ્યાજના હપ્તા પેઠે રૂ.33,500 આપવાની શરતે લીધા હતા. જેના વ્યાજ સહિત રૂ.19 લાખ આપી દીધા હોવા છતા વધુ 12 લાખ પડાવવા રૂબરૂ તથા ફોનથી પઠાણી ઉધરાણી કરી ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી વેપારીના ઘરે જઈ આંતક મચાવતા હતા. આ મામલે પોલીસે ગુનો નોંધી ભાવનગરના વ્યાજખોરની ધરપકડ કરી છે.

ધંધામાં પૈસાની જરૂર પડતા વેપારીએ વ્યાજે રૂપિયા લીધા
પ્રાપ્ત વિગત મુજબ રાજકોટના રેલનગર સાધુ વાસવાણી કુંજ ઉપર અમૃતધારા રેસિડેન્સી, 30 શિવાલય એપાટમેન્ટમાં રહેતા અને હર્બલ પ્રોડક્ટ વેચાણ કરતા વેપારી યજ્ઞેશભાઇ મુકેશભાઇ રાઠોડે નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે ભાવનગરના નટવરસિંહ ભરતસિંહ ગોહિલનું નામ આપ્યું છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ યજ્ઞેશભાઇ મુકેશભાઇ રાઠોડ અગાઉ રેલનગરમાં પરમેશ્વર પાર્ક શેરીન-2માં રહેતો હતો. ત્યાં મારા પાડોશમાં કુલીપસિહ નરેન્દ્રસિંહ જાડેજા રહેતા હતા. તેઓને મેં વાત કરી કે મારે ધંધામાં પૈસાની જરૂરીયાત છે.

પહેલીવાર 4 લાખ 4 ટકાના વ્યાજે લીધા
આ વાત કરતા કુલદિપસિંહે ભાવનગર રહેતા તેના સસરા નટવરસિંહ ભરતસિંહ ગોહિલ જે ફાયનાન્સનો ધંધો કરે છે તેનો કોન્ટેક્ટ કરાવી આપ્યો હતો અને યજ્ઞેશભાઇ રાઠોડે ગત તા.10/07/2015ના રોજ આ નટવરસિંહ પાસેથી રૂ.4,00,000 માસિક 4% લેખે વ્યાજ પર લીધા હતા અને દર મહિને રૂ.16,000 વ્યાજ ચૂકવતો હતા. થોડા સમય પૂર્વે યજ્ઞેશભાઇ રાઠોડના મિત્ર મનન શુક્લા જે ભાવનગરમાં રહે છે. તેને રેસ્ટોરન્ટ કરવાનું હોય તેને રૂપિયાની જરૂરિયાત હોય જે બાબતે યજ્ઞેશભાઇ રાઠોડને મનને વાત કરતા પાડોશી કુલદિપસિંહ મારફત નટવરસિંહ પાસેથી સને 2016માં રૂપિયા 1,00,000 માસિક 3.5% લેખે મનનને અપાવ્યા હતા અને દર મહિને રૂ.17,500નું વ્યાજ મનન ચૂકવતો હતો.

બીજીવાર 5 લાખ વ્યાજે લીધા હતા
બાદમાં આ મિત્ર મનનને હોટલ બરોબર ચાલતી ન હોય જેથી મનને હોટલ બંધ કરી સામાન વેચી પૈસા મનને આ નટવરસિંહને પરત પાછા આપી દીધાનું મને જાણવા મળ્યું હતું. પણ વધુ પૈસાની જરૂરિયાત હોય મેં નટવરસિંહ પાસે રૂપિયા 5,70,000 વ્યાજે માગતા આ નટવરસિંહે મને કહ્યું કે, મનન મને રૂ.5,00,000 આપી ગયો છે તે પૈસા મનનને જે રીતે વ્યાજે આપ્યા હતા તે રીતે હું તને આપું તેવી વાત કરતા મેં હા પાડી હતી અને આ રીતે મેં કટકે કટકે રૂ.9,00,000 વ્યાજે લીધા હતા.

વેપારી 2019માં જુલાઈ મહિના બાદ હપ્તા ભરી શક્યા નહીં
ત્યારબાદ નટવરસિંહને યજ્ઞેશભાઇ રાઠોડ દર મહિને વ્યાજ પેઠે રૂ.33,500 આપતા હતા અને આમ દર મહિને હપ્તાથી આ લીધેલા પૈસાના વ્યાજરૂપે કુલ રૂપિયા 19 લાખ ચૂકવી આપ્યા હતા. ત્યારબાદ યજ્ઞેશભાઇ રાઠોડનો ધંધો વ્યવસ્થિત ચાલતો ન હોય જેથી 2019ના જુલાઇ માસ બાદથી યજ્ઞેશભાઇ રાઠોડ નટવરસિંહને દર મહિનાનો હપ્તો આપી શક્યા નહી. આથી નટવરસિંહ અવાર નવાર યજ્ઞેશભાઇ રાઠોડના ઘરે આવી ગાળો આપી વ્યાજ સહિત રૂ.12 લાખ આપી દેજે નહીંતર તને તથા તારા પરિવારને જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી જતો રહેતો હતો.

12 લાખની વધુ પઠાણી ઉઘરાણી ચાલુ કરી
આ પૈસાની ઉઘરાણી ફોન દ્વારા પણ અવાર નવાર કરતા હતા. પરંતુ યજ્ઞેશભાઇ રાઠોડે તેને થોડા સમયમાં આપી દઇશ તેવી ફોનમા વાત થતી હતી. ગત તા.17/10/2021ના સાંજના સાડા પાંચેક વાગ્યાની આસપાસ યજ્ઞેશભાઇ રાઠોડ તથા માતા પિતા ઘરે હાજર હતા. ત્યારે આ નટવરસિંહ યજ્ઞેશભાઇ રાઠોડના ઘરે આવી વ્યાજ સહિત રૂ.12 લાખની ઉઘરાણી કરતા યજ્ઞેશભાઇ રાઠોડે પાસે પૈસા ન હોય આથી નવરસિંહને થોડા સમયમાં આપી દઇશ.

ઘરે આવી નટવરસિંહ ગાળો આપી મારી નાખવાની ધમકી આપતો
આવું કહેતા નટવરસિંહ એકદમ ઉશ્કેરાય જઇ યજ્ઞેશભાઇ રાઠોડને જેમ ફાવે તેમ ગાળો આપી મારો કાંઠલો પકડી મને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી અને નટવરસિંહે ધમકી આપી કે એક મહિનામા મારા વ્યાજ સહિતના રૂ.12 લાખ આપી દેજે નહીંતર તને તથા આ તારી સાથે રહેલા તારા માતા-પિતાને જાનથી મારી નાખીશ તેમ ધમકી આપી હતી. મને બીક લાગતા યજ્ઞેશભાઇ રાઠોડે જે-તે સમયે ફરિયાદ કરી ન હતી. બાદમાં તેના પરિવારે હિમ્મત આપતા ફરિયાદ નોંધાવી હતી. આ મામલે પ્રદ્યુમનનગર પોલીસે ગુનો નોંધી ભાવનગરના વ્યાજખોર નટવરસિંહની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.