પોલીસ કાર્યવાહી:રાજકોટમાં 5 ટુ-વ્હિલરનો કચ્ચરઘાણ અને બાળકને ઇજા પહોંચાડનાર એન્ડેવરનો ચાલક હત્યાના ગુનામાં સંડોવાયેલો છે

રાજકોટ9 દિવસ પહેલા
  • કૉપી લિંક
હોસ્પિટલમાં સારવાર હેઠળ રહેલા કાર ચાલક વિરૂદ્ધ ગુનો નોંધાયો. - Divya Bhaskar
હોસ્પિટલમાં સારવાર હેઠળ રહેલા કાર ચાલક વિરૂદ્ધ ગુનો નોંધાયો.

રાજકોટના હરિહર ચોકમાં ગુરુવારે બપોરે હિટ એન્ડ રનની ઘટના બની હતી. જેમાં 7 વર્ષના બાળકને પગમાં ઇજા પહોંચાડી હતી અને પાંચ બાઇકનો બૂકડો બોલાવી દીધા બાદ પોરબંદર પાસિંગની કાર વીજ થાંભલાને વાળી દઇ દીવાલ સાથે ધડાકાભેર અથડાઇ હતી. આ સમયે કાર ચલાવી રહેલો શખ્સ લથડિયા ખાતો ઇજાગ્રસ્ત હાલતમાં બહાર નીકળ્યો હતો. જેથી તેને 108 મારફતે સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યો હતો. બનાવની જાણ થતા એ ડિવિઝન પોલીસ પણ ઘટનાસ્થળે અને હોસ્પિટલ દોડી ગઇ હતી. પોલીસ તપાસમાં ઇજાગ્રસ્ત ચાલક બીલખા ગામનો યુવરાજ અશોક ગોવાળિયા હોવાનું અને તે ચિક્કાર દારૂના નશામાં હોવાનું જાણવા મળ્યું હતું. પાંચ બાઇકનો બૂકડો બોલાવ્યા પહેલા કારચાલકે સાત વર્ષના નવાબ સમીરભાઇ બ્લોચને ઠોકરે ચડાવ્યો હોય તેને પગમાં ગંભીર ઇજા પહોંચાડી હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે નશાખોર કારચાલક સામે ગુનો નોંધી કાર્યવાહી કરી છે. કારચાલક વિરૂદ્ધ અગાઉ જૂનાગઢમાં હત્યાનો ગુનો નોંધાઇ ચૂક્યો છે. વર્ષ 2014માં કારચાલક વિરૂદ્ધ IPC 302, 504, 307, 114 અને 506 મુજબ ગુનો નોંધાયો છે. આ ગુના હેઠળ તેને પોલીસમાંથી ડિસમીસ કરવામાં આવ્યો હતો.

વીજ પુરવઠો ખોરવાતા PGVCLની ટીમ દોડી આવી
વીજ પુરવઠો ખોરવાતા PGVCLની ટીમ પણ દોડી ગઇ હતી. એ ડિવિઝન પોલીસ મથકે સમગ્ર મામલે યુવરાજ સામે ગુનો નોંધાયો છે. અહીં સદર બજાર પાસે, હરિહર ચોકમાં જે બિલ્ડીંગ પાસે અકસ્માત થયો તે અર્હમ ફાયનાન્સિયલ સેન્ટરમાં આવેલી એએનએસ પ્રા.લીમાં ઓફિસ આસીસ્ટન્ટ તરીકે નોકરી કરતા હરીઓમભાઇ ચંદુભાઇ ચંચલએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, ગઈકાલે પોણા ચારેક વાગ્યાના અરસામાં હું મારી ઓફિસ ખાતે હાજર હતો ત્યારે અચાનક ધડાકા સાથે ખૂબ જ મોટો અવાજ આવતા ઓફિસના તમામ માણસો બહાર નીકળીને જોતા એક ફોર્ડ એન્ડેવર ફોરવ્હીલ કાર અમારા સેન્ટરની દીવાલ સાથે અથડાઇને ઉભી જોવા મળી હતી.

સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી.
સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી.

પાંચ ટુ-વ્હિલરનો કચ્ચરઘાણ વાળ્યો
આથી અમો બધા નીચે આવીને જોતા આ ફોર્ડ એન્ડેવર ટાઇટેનીયમ ફોરવ્હીલ કાર નં. જીજે-25-એએ-9801ના ચાલકે બેહદ ફૂલ સ્પીડમાં ગાડી ચલાવી આવી અને અમારા અર્હમ ફાયનાન્સિયલ સેન્ટરની સામે આવેલ ઇલેક્ટ્રિસિટીનો જી.ઇ.બી.નો લોખંડનો થાંભલા સાથે અથડાઇને થાંભલાને મૂળમાંથી ઉખેડી નાખી આ લાઇટના થાંભલા સહિતની કાર અમારા કોમ્પલેક્ષની દીવાલ સાથે અથડાયેલ હોય અને આ કારે અમારી ઓફિસમાં કામ કરતા માણસોના તથા મારા બાઈક કે જે આ દીવાલ પાસે બહારની સાઇડમાં પાર્ક કરેલ હતા તે કુલ અલગ અલગ કંપનીના કુલ પાંચ મોટર સાયકલો ઉપર ચડી ગઈ હતી.

કારે લોખંડનો વીજપોલ વાળી ધરાશાયી કર્યો.
કારે લોખંડનો વીજપોલ વાળી ધરાશાયી કર્યો.

અંદાજે 4 લાખ જેવું નુકસાન
મારું અને અમારી ઓફિસમા કામ કરતા મોહિતભાઇ લલીતચંદ્ર દોશી, અમીતકુમાર વસંતરાય મહેતા, કૌશલભાઇ ભરતભાઇ ધોળકીયા, રિઝવાન હમીદભાઇ બ્લોચના બાઇક હતા. બાઈક ટોટલ લોસ હોય આશરે જેનુ નુકસાન રૂપિયા 2.50 લાખ જેટલું ગણાય. તેમજ આ જગ્યાએ આ અકસ્માતના કારણે લાઇટ જતી રહેતા જી.ઇ.બી.ના અધીકારીઓ તથા સ્ટાફ આવેલ જેમા જીતેન્દ્રભાઇ ભટ્ટ નામના ડેપ્યુટી એન્જિનિયર ત્યાં આવેલ અને તેઓ થાંભલા વગેરેને કુલ રૂપીયા 1.50 લાખનું નુકસાન થયેલની વાત કરેલ.

કારના આગળના ભાગને મોટું નુકસાન પહોંચ્યું.
કારના આગળના ભાગને મોટું નુકસાન પહોંચ્યું.

બાળકને જમણા પગમાં ફ્રેક્ચર આવ્યું
આ બનાવ બનેલ ત્યારે અમો તુરંત જ બહાર આવેલ અને જોયું તો એક ભાઇ ત્યાં ગાડીમાંથી બહાર નીકળી બકવાસ કરતો હતો અને લથડીયા ખાતો હતો. તેને નાની-મોટી ઇજા થયેલ હોય 108માં સરકારી દવાખાને સારવારમાં લઇ ગયા હતા. જે નશો કરેલ હોય તેવું જણાતું હતું. બાદમાં મને જાણવા મળ્યું કે, આ કાર અકસ્માતમાં પંચનાથ મેઈન રોડ ઉપર ચાલીને જતો એક બાળક કે જેનું નામ નવાબ સમીરભાઇ બ્લોચને કારે અડફેટે લીધેલ હોય અને તેને પણ પગમાં તથા શરીરે ઇજા થતા તેને સરકારી હોસ્પિટલમાં દાખલ કરેલ છે. તેને જમણા પગમાં ફ્રેક્ચર થયેલનુ જાણવા મળેલ છે.

અન્ય સમાચારો પણ છે...