10 મહિનાની દીકરી પિતા વિહોણી બની:રાજકોટમાં મોટોભાઈ ટ્રક ચલાવતો, ઉપર બેઠેલા નાનાભાઈને વૃક્ષની ડાળી અથડાતા મોત, પિતાએ દીકરા વિરૂદ્ધ જ ફરિયાદ નોંધાવી

રાજકોટ10 દિવસ પહેલા
  • કૉપી લિંક
મૃતક યુવાન જયરાજસિંહ જાડેજાની ફાઈલ તસવીર. - Divya Bhaskar
મૃતક યુવાન જયરાજસિંહ જાડેજાની ફાઈલ તસવીર.

રાજકોટના કોઠારીયાથી ખોખડદળના રસ્‍તે સીએનજી પંપ પાસે આઇસર પર બેઠેલા યુવાનને વૃક્ષની ડાળી અથડાઇ હતી. બાદમાં યુવાન ફેંકાઇને નીચે પટકાતા મોત નીપજ્યું હતું. કરૂણતા એ હતી કે, આઇસર આ યુવાનના મોટા ભાઇ ચલાવી રહ્યા હતાં અને ઘરનો સામાન મુકવા વડાળી ગામે જઇ રહ્યા હતા. આ બનાવમાં આજીડેમ પોલીસે મૃતકના પિતા લખધીરસિંહ સાહેબજીસિંહ જાડેજાની ફરિયાદને આધારે આઇસરના ચાલક તેના જ મોટા પુત્ર યુવરાજસિંહ વિરૂદ્ધ ગુનો નોંધ્‍યો છે. ઉલ્લેખનીય છે કે મૃતકને સંતાનમાં 10 મહિનાની દીકરી છે.

ઘરનો સામાન ભરી આઇસર સાથે વડાળી ગામે જતા હતા
લખધીરસિંહ જાડેજાએ ફરિયાદમાં જણાવ્‍યું હતું કે, બુધવારે સાંજે હું ઘરે હતો ત્‍યારે અમારી બાજુમાં આવેલા આશીર્વાદ ટ્રાન્‍સપોર્ટવાળા બહાદુરભા માંજરીયાનો આઇસર ટ્રક મારો પુત્ર યુવરાજસિંહ લઈ આવ્યો હતો. તેમાં અમારો ઘરનો સામાન ભરી તે વડાળી ગામે મૂકવા ગયા હતાં. મારા દીકરા યુવરાજસિંહ સાથે ભાર્ગવ સોલંકી આગળની કેબીનમાં બેઠો હતો. જ્‍યારે પાછળના ભાગે સામાન ઉપર નાનો દીકરો જયરાજસિંહ (ઉં.વ.24) બેઠો હતો. તેની સાથે પડોશી અરશીલ કુરેશી પણ પાછળ બેઠો હતો.

આઇસર સ્પીડમાં હતી
સાંજે સાડા સાતેક વાગ્‍યે મોટા દીકરા યુવરાજસિંહે મને ફોન કરી જાણ કરી હતી કે, કોઠારીયાથી ખોખડદળ ગામ તરફ જતાં સીઅનેજી પંપ પાસે મેં ગાડી થોડી સ્‍પીડથી ચલાવતાં નાનો ભાઇ જયરાજસિંહ સામાન પર બેઠો હોઇ તેના માથામાં ઝાડની ડાળી ભટકાતાં તે રોડ પર ફંગોળાઇ જતાં માથામાં અને શરીરે ગંભીર ઇજાઓ થઇ છે. તે બેભાન થઇ ગયો છે.

આજીડેમ પોલીસે વધુ તપાસ હાથ ધરી
આ સાંભળી હું તથા અમરદિપસિંહ કાર લઇને પહોંચ્‍યા હતાં અને પુત્ર જયરાજસિંહને સિનર્જી હોસ્‍પિટલમાં અને ત્‍યાંથી સિવિલમાં ખસેડ્યા હતાં. પરંતુ ત્‍યાં તેનું મૃત્‍યુ નીપજ્‍યું હતું. આજીડેમ પોલીસ મથકના PSI એ.એમ. મહેતાએ વધુ કાર્યવાહી કરી હતી.

પરિવારે જુવાનજોધ દીકરો ગુમાવ્યો
મૃત્‍યુ પામનાર યુવરાજસિંહ બે ભાઇ અને એક બહેનમાં સૌથી નાના હતાં અને પોણા બે વર્ષ પહેલા જ લગ્ન થયા હતાં. તે બેંક કલેક્‍શનનું કામ કરતાં હતાં. સંતાનમાં દસ મહિનાની દીકરી છે. જેણે પિતાની છત્રછાંયા ગુમાવતાં અને પરિવારે જુવાનજોધ દીકરો ગુમાવતાં કલ્‍પાંત સર્જાયો છે.

અન્ય સમાચારો પણ છે...