પરંપરા:રાજકોટ પૂર્વમાં ધારાસભ્ય રિપીટ ન કરાતા હોવાની પરંપરા જળવાઇ

રાજકોટએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મંત્રી રૈયાણી રિપીટ થશે તેવું દૃઢપણે મનાતું’તું, પરંતુ સ્થાનિક વિરોધ નડ્યો
  • 1975થી ભાજપના ઉમેદવાર હાર્યા હોય કે જીત્યા પણ તેને રિપીટ કરાયા નથી

રાજકોટ વિધાનસભાની પૂર્વ બેઠક પર ભાજપમાંથી કોઇ ધારાસભ્ય રિપીટ થતો નથી તે પરંપરા જળવાઇ રહી હતી, મંત્રી રૈયાણીને કાપીને ભાજપે ઉદય કાનગડને ટિકિટ આપતા ફરીથી આ મુદ્દો ચર્ચાનો વિષય બન્યો હતો. સૌરાષ્ટ્રના પાટનગર રાજકોટમાં વિધાનસભાની ચૂંટણી સમગ્ર રાજ્યની નજર ખેંચનારી બની રહી છે,

રાજકોટની ચાર બેઠકમાં દરેક બેઠકનું અલગ મહત્ત્વ અને અલગ મિજાજ રહ્યો છે, વિધાનસભા 68 બેઠકનો આજ સુધીનો ઇતિહાસ રહ્યો છે કે, આ બેઠક પર ભાજપના કોઇપણ ઉમેદવાર તે જીત્યા હોય કે હાર્યા હોય સતત બીજી વખત રિપીટ થયા નથી. 1975માં રાજકોટની જ્યારે બે જ બેઠક હતી ત્યારે પૂર્વમાં કેશુભાઇ પટેલ અને પશ્ચિમમાં અરવિંદભાઇ મણીઆરે ભાજપમાંથી ચૂંટણી લડી હતી, વર્ષ 2080માં પૂર્વમાં ભાજપે કેશુભાઇની જગ્યાએ ચીમનભાઇ શુક્લને ટિકિટ આપી હતી જ્યારે પશ્ચિમમાં અરવિંદભાઇ મણીઆર યથાવત્ રહ્યાં હતાં.

ત્યારબાદ પૂર્વ બેઠક પરથી શિવલાલભાઇ વેકરિયા જ્યારે પશ્ચિમમાંથી વજુભાઇ વાળા ચૂંટણી લડ્યા હતા, બાદમાં શિવલાલભાઇની જગ્યાએ ચીમનભાઇ શુક્લને ફરીથી ટિકિટ આપવામાં આવી હતી તો બીજી બેઠક પર વજુભાઇ વાળા યથાવત્ રહ્યાં હતાં, વજુભાઇ વાળા સાત ટર્મ સુધી રાજકોટ પશ્ચિમ બેઠક પર લડ્યા અને જીત્યા હતા જ્યારે પૂર્વમાં ઉમેદવાર બદલાવવાની પરંપરા યથાવત્ રહી હતી, ચીમનભાઇ શુક્લ બાદ એ બેઠક પર ઉમેશભાઇ રાજ્યગુરુ, ત્યારબાદ રમેશભાઇ રૂપાપરા, ટપુભાઇ લીંબાસિયા, ગોવિંદભાઇ પટેલ, કશ્યપભાઇ શુક્લ અને અરવિંદભાઇ રૈયાણી ચૂંટણી લડ્યા હતા, ઉપરોક્ત એકપણ વ્યક્તિ ભાજપમાંથી આ બેઠક પર રિપીટ થઇ નથી, અરવિંદ રૈયાણી ગત ચૂંટણીમાં જીત મેળવી હતી,

પ્રથમ વખત ધારાસભ્ય બન્યા હતા અને એ જ ટર્મમાં તેઓ મંત્રી બન્યા હતા, પાટીદાર, યુવા ચહેરો અને પ્રથમ ચૂંટણીમાં જ મંત્રી બનવા સુધીની સફર હોવાથી રૈયાણી 2022માં રિપીટ થશે તેવું મહત્તમ લોકો માની રહ્યાં હતાં પરંતુ ગુરુવારે જાહેર થયેલી યાદીમાં રૈયાણીનું નામ કપાતા રાજકોટ પૂર્વ વિધાનસભા બેઠક પર ભાજપની નો રિપીટની પરંપરા યથાવત્ રહી હતી.

અન્ય સમાચારો પણ છે...