મેઘમહેર:રાજકોટમાં વીજળીના કડાકા ભડાકા સાથે એક કલાકમાં એક ઇંચ વરસાદ, જોરદાર પવન ફૂંકાતા ગાંધીગ્રામમાં સોસાયટીમાં એક વૃક્ષ ધરાશાયી થયું

રાજકોટ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ધોધમાર વરસાદથી રસ્તાઓ પર પાણી ભરાયા, શહેરીજનોએ ગરમીમાંથી રાહત મેળવી

રાજકોટમાં આજે મેઘરાજાની સવારી આવી પહોંચી છે. સવારથી જ વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું. પરંતુ બપોર બાદ વાતાવરણમાં પલ્ટો આવતા કાળા ડિબાંગ વાદળોથી આકાશ ઘેરાયું હતું. અને સાંજથી ધોધમાર વરસાદ વરસવાનું શરૂ થયું હતું. જ્યાં એક કલાકમાં એક ઇંચ જેટલો વરસાદ પડતા રસ્તા પર પાણી ભરાયા હતા. તેમજ ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. ઉલ્લેખનીય છે કે વરસાદ સાથે ભારે પવન ફૂંકાતા ગાંધીગ્રામમાં આવેલી વિતરાગ સોસાયટી માં એક વૃક્ષ ધરાશાયી થયું હતું.

રાજકોટમાં ક્યાંક ધોધમાર તો ક્યાંક ધીમીધારે વરસાદ
રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે આજે સવારથી જ રાજકોટમાં વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું. પરંતુ બપોર બાદ વાતાવરણમાં અચાનક પલ્ટો જોવા મળ્યો હતો અને સાંજે મેઘરાજાએ પધરામણી કરી હતી. શહેરના જંક્શન, 150 ફૂટ રિંગ રોડ, યાજ્ઞીક રોડ, કાલાવડ રોડ, મોરબી રોડ સહિતના વિસ્તારોમાં ધીમીધારે વરસાદ વરસ્યો હતો. તેમજ સોરઠિયાવાડી વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. આથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે.

17 દિવસ પહેલા ધોધમાર વરસાદ પડ્યો હતો
ઉલ્લેખનીય છે કે આજથી 17 દિવસ પહેલા શહેરના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો, જેમાં મોરબી હાઇવે, યુનિવર્સિટી રોડ, આકાશવાણી ચોક, ઈન્દિરા સર્કલ અને રૈયા રોડ સહિતના વિસ્તારોમાં એક કલાકમાં એક ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો. આ ઉપરાંત ગોંડલ પંથકમાં વીજળીના કડાકાભડાકા સાથે ધોધમાર વરસાદ પડ્યો હતો. જ્યાં 4 કલાકમાં જ 5 ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો. ભારે વરસાદને પગલે શહેરના અનેક વિસ્તારોમાં કેડ સમા પાણી ભરાયાં હતાં. જેના કારણે વાહન વ્યવહાર ખોરવાયો હતો