સરકાર એક તરફ ઇન્ટરનેટ યુગમાં આધુનિક ઝડપી કામગીરીના મુદ્દા પર ભાર આપી રહી છે ત્યારે જ ગામડાંઓમાં આજે પણ યોગ્ય દીર્ઘદૃષ્ટિના અભાવે ક્યાંકને ક્યાંક સરકારી કામકાજો અંતર્ગત રગડધગડ કામગીરી થઇ રહી છે. આ બાબતનું શ્રેષ્ઠ ઉદાહરણ આયુષ્માન કાર્ડ કાઢવાની કામગીરીમાં જોવા મળી રહ્યું હોય તેવું ચિત્ર ફલિત થઇ રહ્યું છે.
એક વર્ષમાં ટાર્ગેટ કરતા અડધા જ આયુષ્માન કાર્ડ નીકળ્યા
હાલમાં ખાસ કરીને ગામડાંઓમાં આવકના દાખલાની કામગીરીને લઇને મચી રહેલી બૂમરાણ વચ્ચે વારંવાર પોર્ટલ-સર્વર ડાઉન જેવી ક્ષતિઓ વચ્ચે એક તબક્કે આયુષ્માન કાર્ડ સહિતની સરકારી યોજનાઓની કામગીરી ક્યાંકને ક્યાંક પ્રભાવિત થઇ રહી હોઇ, એક વર્ષમાં ટાર્ગેટ કરતા અડધા જ આયુષ્માન કાર્ડ નીકળ્યા છે. રાજકોટ જિલ્લાના 11 તાલુકામાં એક વર્ષમાં 2.38 લાખ આયુષ્માન કાર્ડ કાઢવાનો લક્ષ્યાંક હતો, તેની સામે માત્ર 1.18 લાખ કાર્ડ કાઢી શકાયા છે! પ્રવર્તમાન સમયે નિયમો કડક બનતા ગ્રામજનો માટે મોટી મુશ્કેલી આવકનો દાખલો કઢાવવાની બની છે.
11 તાલુકામાં આયુષ્માન કાર્ડનો 2,38,554નો ટાર્ગેટ અપાયો હતો
આરોગ્ય વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું કે, ગ્રામ્યસ્તરે આવકના દાખલા કઢાવવાની બાબતે પ્રમાણમાં ઢીલાશ જોવા મળી રહી છે. બીજી તરફ ગામડાંઓના ઇ-ગ્રામ યુનિટોમાં વિન્ડોઝ-10 સોફ્ટવેર બેઝ સારી સિસ્ટમ આપવામાં આવી છે. છતાં ક્યારેક સોફ્ટવેર બેઝ પોર્ટલ ડાઉન હોય ત્યારે કામગીરી ખોરવાઇ જવી સહિતની ફરિયાદોનું પ્રમાણ વધ્યું છે. 11 તાલુકા પૈકી આયુષ્માન કાર્ડનો 2,38,554નો ટાર્ગેટ અપાયો હતો જેની સામે હાલ માત્ર 1,18,050 કાર્ડ નીકળી શક્યા છે.
રાજકોટ જિલ્લામાં થયેલી કામગીરી
ક્રમ | તાલુકો | ટાર્ગેટ | કાર્ડ નીકળ્યા |
1 | ધોરાજી | 21,153 | 10,759 |
2 | ગોંડલ | 18,658 | 9,718 |
3 | જામકંડોરણા | 11,095 | 7,001 |
4 | જસદણ | 27,279 | 14,362 |
5 | જેતપુર | 29,520 | 17,309 |
6 | કોટડાસાંગાણી | 14038 | 5458 |
7 | લોધિકા | 10,466 | 3581 |
8 | પડધરી | 13,638 | 6269 |
9 | રાજકોટ | 37,784 | 14,322 |
10 | ઉપલેટા | 32,763 | 16,758 |
11 | વીંછિયા | 22,160 | 12,513 |
કુલ | --- | 2,38,554 | 1,18,050 |
આવકના દાખલાની પ્રક્રિયા લેન્ધી થઇ, પરંતુ લાંબાગાળે ફાયદાકારક
પહેલા ગામડાંઓમાં સરપંચના દાખલાથી આવકનો દાખલો નીકળી જતો, હવે તલાટી અને ઓનલાઇન પદ્ધતિ દ્વારા ચૂંટણીકાર્ડ, આધારકાર્ડ અને રાશનકાર્ડ દ્વારા જ નીકળે છે. આમ જોઇએ તો પ્રક્રિયા લેન્ધી થઇ છે, પરંતુ ઓલ ઓવર લાંબાગાળે ગ્રામજનો માટે વિવિધ યોજનાઓ સલગ્ન ફાયદાકારક છે. હા, કેટલાક કિસ્સાઓમાં કાગળિયાઓ પુરા ન થઇ શકતા હોય તેવી સ્થિતિમાં કામગીરી મોડી થાય તેવું બની શકે. તાજેતરમાં રાજકોટ જિલ્લાના 19 ગામડાંમાં આ અંગે કેમ્પો યોજાયા હતા, જેમાં 354 આયુષ્માન કાર્ડ અને 793 આધારકાર્ડ સહિત વિવિધ યોજનાઓ સંલગ્ન કુલ 2,341 લાભાર્થીએ લાભ લીધો હતો. - ભૂપત બોદર, પ્રમુખ, જિલ્લા પંચાયત, રાજકોટ
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.