તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નોકરીની શોધ:રાજકોટ જિલ્લામાં કોરોનાકાળમાં નોકરી માટે 6 મહિનામાં 10 હજારથી વધુ અરજી આવી

રાજકોટ22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સરકારી નોકરીના સપના જોતા યુવાનો હાલ ખાનગી કંપનીઓમાં નોકરીની શોધમાં લાગ્યા
  • મહામારીને કારણે જોબ મેળા બંધ થયા તેથી યુવાનો ઘરે બેઠા કરે છે ઓનલાઈન અરજી

કોરોનાની મહામારીએ અનેક યુવાનોની રોજગારી છીનવી લીધી છે. તેમા પણ લાંબા સમયથી ભરતીઓ ન આવવાને કારણે બેરોજગારીની બૂમ પડી ગઈ છે. બેરોજગારીએ એટલી હદે ભરડો લીધો છે કે સરકારી નોકરીના સપના જોતા યુવાનો હાલ ખાનગી નોકરીની શોધમાં નીકળી પડ્યા છે. રાજકોટ જિલ્લામાં છેલ્લા 6 મહિનામાં નોકરી માટે રોજગાર કચેરી ખાતે 10,508 અરજી આવી છે.

અભ્યાસ કોઈ પણ કર્યો હોય, કોર્સ મોટી ફી ભરીને કર્યો હોય કે, ડિગ્રી ભલે સારી હોય પણ નોકરી માટે યુવાનોને રઝળવાનો વારો આવ્યો છે. લાંબા સમયથી નવી ભરતીઓ જાહેર ન થતા અને જૂની ભરતી માટે ફોર્મ ભર્યા હોવા છતાં પરીક્ષા ન લેવાતા યુવાનો નાછૂટકે ખાનગી નોકરીની શોધમાં છે. કોરોનાને કારણે જોબ મેળા પણ બંધ છે. નોકરી માટે ઓનલાઈન અરજી સ્વીકારવામાં આવે છે.

જેમાં વર્ષ 2021માં જાન્યુઆરીથી જૂન મહિના સુધીમાં 10,508 યુવાનોએ નોકરી માટે રોજગાર કચેરીમાં અરજી કરી છે. અરજી કરનારાઓમાં 9,707 યુવક અને 801 યુવતીનો સમાવેશ થાય છે. આ સ્થિતિ વચ્ચે જો સરકારી ખાતામાં ખાલી પડેલ જગ્યાઓ પર વહેલાસર ભરતી નહીં થાય તો બેરોજગારી સૌથી મોટો પડકાર બનશે.

નોકરી માટે કેટલી અરજી આવી કેટલાને નોકરી મળી?

  • 2019માં 20,099 અરજી આવી, 17,319 યુવાનને નોકરી મળી
  • 2020માં 34,605 અરજી આવી, 24,655 યુવાનને નોકરી મળી
  • વર્ષ 2021ના 6 મહિનામાં 10,508 અરજી આવી, જેને નોકરી આપવાની કામગીરી શરૂ છે

કોવિડના કારણે ટેલિફોનિક ઈન્ટરવ્યૂ
કોરોનાની સ્થિતિને જોતા સંક્રમણ ન ફેલાય તે માટે યુવાનો નોકરી માટે ઓનલાઈન અરજી કરે છે. અરજી બાદ જે તે કંપનીમાં જગ્યા હોય તે અંગે અરજદારને જાણ થાય છે. જેમાં નોકરી ઈચ્છુક અરજદારની પસંદગી થાય તો તેનું ટેલિફોનિક ઈન્ટરવ્યૂ લેવામાં આવે છે. બાદમાં તેને કોલલેટર પહોંચાડવામાં આવે છે. > ચેતનભાઈ દવે, રોજગાર કચેરીના નિયામક

સૌથી વધુ અરજી ITIના વિદ્યાર્થીઓની
નોકરીની શોધ છતાં ન મળે ત્યારે યુવાનો રોજગારી કચેરીમાં અરજી કરતાં હોય છે. જેમાં સૌથી વધુ અરજી કરનાર ITIના વિદ્યાર્થીઓ છે. ITIના વિવિધ કોર્સ કર્યા બાદ યુવાનો નોકરી માટે અરજી કરતાં હોય છે. જોકે મોટાભાગના યુવાનોને શાપર અને મેટોડા ઉપરાંત યોગ્ય જગ્યાએ પસંદગી કરાય છે.

અન્ય સમાચારો પણ છે...