મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ:રાજકોટમાં 2 કલાકમાં 4 ઇંચ વરસાદ, નીચાણવાળા વિસ્તારો જળબંબાકાર, ધોરાજીમાં 3.5 ઇંચથી પાણી ભરાયા, આજી-2 ડેમના પાંચ ગેટ ખોલાયા

ધોરાજી4 મહિનો પહેલા
રાજકોટમાં 150 ફૂટ રિંગ રોડ પર પાણી ભરાયા.
  • રાજકોટના 150 ફૂટ રિંગ રોડ, કાલાવડ રોડ, યાજ્ઞીક રોડ, સોરઠિયાવાડી, મોરબી રોડ સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ
  • મોતીસર ડેમમાં 2 દરવાજા ખોલાતા નીચાણવાળા ગામોને એલર્ટ કરાયા
  • લોધિકામાં 7 ઈંચ વરસાદ ખાબકડા પાણી-પાણી થયું

રાજકોટમાં મેઘરાજા અનરાધાર બન્યા હોય તેમ બપોર બાદ સમગ્ર શહેરમાં વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. બે કલાકમાં શહેરમાં 4 ઇંચ વરસાદ નોંધાયો છે અને હજી ધીમીધારે વરસાદ શરૂ છે. આથી રસ્તા પર ગોઠણસમા પાણી ભરાયા છે. ધોરાજીમાં સતત બીજા દિવસે મેઘરાજાએ હેત વરસાવતા સાડા ત્રણ ઈંચ વરસાદ નોંધાયો છે. લોધિકામાં 4 કલાકમાં 7 ઇંચ વરસાદ વરસતા ઠેર ઠેર પાણી ભરાયા છે અને નીચાણવાળા વિસ્તારો જળબંબાકાર બન્યા છે. ફોફળ નદીમાં પાણીની આવકના કારણે લોધીકાથી કોઠા પીપળીયા અને લોધીકાથી ચાંદલી ગામનો રસ્તો હાલમાં બંધ હોવાનું મામલતદારે જણાવ્યું છે. રાજકોટના કાલાવડ રોડ પર વાગુદડ ગામે નદીમાં પૂર જેવી સ્થિતિ જોવા મળી છે. વેણુ ડેમના ચાર દરવાજા ચાર ફૂટ ખોલવામાં આવ્યા છે.

પરાપીપળીયાની નદીના પૂરમાં ફસાયેલાઓનું રેસ્ક્યૂ કરાયું
રાજકોટ-જામનગર રોડ પર આવેલા પરાપીપળીયા ગામમાં નદીના પૂરમાં 10 લોકો ફસાયા હતા. તેઓરેલવે ફાટક નજીક બેઠા હતા. પુલ પર પૂર આવી જતા રસ્તો બંધ થયો હતો.10 લોકો ફસાયાની ફાયરબ્રિગેડને જાણ કરાતા ટીમ રેસ્ક્યૂ માટે પહોંચી હતી. તમામને રેસ્ક્યૂ કરી લેવામાં આવ્યા હતા.

ફાયર બ્રિગેડની ટીમે 10 લોકોને રેસ્ક્યૂ કરીને બહાર કાઢ્યા હતા
ફાયર બ્રિગેડની ટીમે 10 લોકોને રેસ્ક્યૂ કરીને બહાર કાઢ્યા હતા

ઉપલેટા તાલુકાના ગધેથડ ગામ નજીક વેણુ - 2 ડેમના દરવાજા ગમે ત્યારે ખોલાશે
ઉપલેટા તાલુકાના ગધેથડ ગામ નજીક આવેલા વેણુ- 2 ડેમ તેની નિર્ધારિત સપાટીએ 70 ટકા ભરાઈ જવામાં હોય 31358 ક્યૂસેક પાણીની આવક ચાલુ હોવાથી ડેમના દરવાજા ગમે ત્યારે ખોલવામાં આવશે. તો ડેમની નીચાણવાળા વિસ્તારોમાં આવતા ગધેથડ, વરજાંગ જાળીયા, મેખાટીંબી, નિલાખા અને નાગવદર ગામના લોકોએ નદીના પટમાં અવરજવર ન કરવા અને સાવચેત રહેવા ફ્લડ કંટ્રોલરૂમ તરફથી જણાવવામાં આવ્યું છે.

રાજકોટના મવડી વિસ્તારની અનેક સોસાયટીમાં પાણી ઘૂસ્યા.
રાજકોટના મવડી વિસ્તારની અનેક સોસાયટીમાં પાણી ઘૂસ્યા.

મવડીની અનેક સોસાયટીઓમાં પાણી ઘૂસ્યા
રાજકોટના મવડી વિસ્તારમાં આવેલા ઉમિયા ચોકથી બાપા સિતારામ ચોકમાં પાણી ભરાયા છે. ગત વર્ષે પણ આવિસ્તારમાં પાણી ભરાયા હતા. અનેક સોસાયટીઓમાં પાણી ઘૂસ્યા છે. પાણીના નિકાલની વ્યવસ્થા ન હોવાથી લોકો હેરાન પરેશાન થયા છે. મનપા અધિકારી અને પદાધિકારીઓની પ્રિ-મોન્સૂનની કામગીરી પાણીમાં ગરક થઇ હોયો તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. જામકડોરણા પથંકમાં પવન સાથે વરસાદ પડતા જૂનાગઢ-જામનગર રોડ પર રાયડી પાસે પીપળાનું વૃક્ષ પડી જતા વાહન વ્યવહાર બંધ થતાં મામલતદાર સહિતના અધિકારીઓની ટીમ દોડી જઈ રોડ પરથી વૃક્ષને દૂર કરી રોડ ફરી શરૂ કરાયો હતો.

ધોરાજીમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા.
ધોરાજીમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા.

રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં આજે રવિવારે હવામાન વિભાગે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. ત્યારે રાજકોટ જિલ્લામાં સતત બીજા દિવસે વરસાદ વરસી રહ્યો છે. ધોરાજીમાં આજે સવારથી જ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. આથી રસ્તાઓ પર પાણી ભરાયા છે. આથી ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી ઠંડક પ્રસરી ગઈ છે. બીજી તરફ ગોંડલમાં પણ આજે સતત બીજા દિવસે ધોધમાર વરસાદ શરૂ થયો છે.

150 ફૂટ રિંગ રોડ પર શીતલ પાર્ક નજીક રસ્તા પર પાણી ભરાયા.
150 ફૂટ રિંગ રોડ પર શીતલ પાર્ક નજીક રસ્તા પર પાણી ભરાયા.
રાજકોટ જિલ્લામાં આજનો વરસાદ.
રાજકોટ જિલ્લામાં આજનો વરસાદ.
રાજકોટમાં બાળકોએ વરસાદમાં ન્હાવાની મજા માણી.
રાજકોટમાં બાળકોએ વરસાદમાં ન્હાવાની મજા માણી.

સમગ્ર શહેરમાં ધોધમાર વરસાદ
રાજકોટમાં સતત બીજા દિવસે મેઘ સવારી આવી પહોંચી છે અને ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. શહેરના 150 ફૂટ રિંગ રોડ, કાલાવડ રોડ, રેસકોર્સ રિંગ રોડ, આજીડેમ, મોરબી રોડ, ઢેબર રોડ, કોઠારીયા, સોરઠિયા વાડી સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. શહેરના નાનામવા ચોક સહિત અનેક વિસ્તારમાં પાણી ભરાયા છે.

નાણાવટી ચોક પાસે પાણી ભરાયા.
નાણાવટી ચોક પાસે પાણી ભરાયા.

આજી-2 ડેમ પાંચ દરવાજા ત્રણ ફૂટ ખોલવામાં આવ્યા
રાજકોટ નજીક માધાપર પાસે આવેલા આજી-2 ડેમમાં ઉપરવાસમાં ભારે વરસાદના કારણે પાણીની આવક થતાં ડેમ તેની નિર્ધારીત સપાટીએ ભરાય જતા ડેમના પાંચ દરવાજા ત્રણ ફૂટ ખોલવામાં આવ્યા છે. ડેમના નીચાણવાળા વિસ્તારના અડબાલકા, બાધી, દહીસરડા, ડુંગરકા, ગઢડા, હરિપર, ખંઢેરી, નારણકા, ઉકરડા અને સખપર ગામના લોકોએ નદીના પટ પર અવર જવર ન કરવા અને સાવચેત રહેવા ફ્લડ કંટ્રોલરૂમ તરફથી જણાવવામાં આવ્યું છે.

રાજકોટની માધાપર ચોકડી પાસે પાણી ભરાયા.
રાજકોટની માધાપર ચોકડી પાસે પાણી ભરાયા.

મોતીસર ડેમના 2 દરવાજા ખોલાયા, નીચાણવાળા ગામો એલર્ટ
રાજકોટમાં ધોધમાર વરસાદના પગલે જળાશયોમાં નવા નીરની આવક થઈ છે. પશ્ચિમ રાજકોટને પાણી પૂરું પાડતા ન્યારી 1 ડેમમાં બે ફૂટ નવા નીરની આવક થઈ હતી. આજી-1 ડેમમાં 1 ફૂટ નવા નિરની આવક થઈ. રાજકોટ જિલ્લાના મોતીસર ડેમ પણ ભારે વરસાદને પગલે ઓવરફ્લો થયો હતો. ખેડુતોના સિંચાઈ માટેના આ ડેમમાં બે દરવાજા હાલ ખોલવામાં આવ્યા છે. જ્યારે ડેમના 17 દરવાજા પરથી પાણી વહી રહ્યું છે. ડેમમાંથી પાણી છોડાતા નીચાણવાળા કોલીથડ, હડમતાળા સહિત પાંચ ગામોને પ્રસાશન દ્વારા એલર્ટ કરવામાં આવ્યા છે. નોંધનીય છે કે, રાજકોટ જિલ્લાના પાટિયારી, મોટી મેંગણી, નાની મેંગણી સહિતના ગામડાઓમાં 6 થી 7 ઇંચ જેટલો વરસાદ થવાના પગલે ડેમમાં નવા નીરની આવક થઈ હતી.

ગોંડલમાં રસ્તા પર પાણી ભરાયા.
ગોંડલમાં રસ્તા પર પાણી ભરાયા.

ગોંડલમાં રસ્તા પર પાણી ભરાયા
ગોંડલમાં આજે પણ ધોધમાર વરસાદ શરૂ થયો છે. ગોંડલ શહેર અને આસપાસના વિસ્તારમાં મેઘરાજા ધોધમાર વરસાદ વરસાવી રહ્યાં છે. અસહ્ય ઉકળાટ બાદ વરસાદ આવતા લોકોએ ગરમીમાંથી રાહત અનુભવી છે. સવારથી જ આકાશ કાળા ડિબાંગ વાદળોથી ઘેરાયેલું હતું. પરંતુ બપોર બાદ અચાનક વાતાવરણમાં પલ્ટો આવ્યો અને ધોધમાર વરસાદ શરૂ થયો છે. ખેડૂતોમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે.

ગોંડલમાં બપોર બાદ ધોધમાર વરસાદ.
ગોંડલમાં બપોર બાદ ધોધમાર વરસાદ.

ગઇકાલે રાજકોટમાં 6 કલાકમાં 4 ઇંચ વરસાદ વરસ્યો હતો
ગઇકાલે રાજકોટના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. જેમાં મોરબી હાઇવે, યુનિવર્સિટી રોડ, આકાશવાણી ચોક, ઈન્દિરા સર્કલ અને રૈયા રોડ સહિતના વિસ્તારોમાં 6 કલાકમાં 4 ઇંચ વરસાદ ખાબક્યો હતો. આથી રસ્તાઓ પર પાણી ભરાયા હતા. તેમજ વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. વરસાદને કારણે મનપાની પ્રિ-મોન્સૂનની કામગીરીની પોલ ખુલી ગઈ હતી.

રાજકોટમાં અનરાધાર વરસાદ.
રાજકોટમાં અનરાધાર વરસાદ.

ગોંડલમાં 5 ઇંચ વરસાદ ખાબક્યો હતો
ગઇકાલે ગોંડલ પંથકમાં વીજળીના કડાકાભડાકા સાથે ધોધમાર વરસાદ પડ્યો હતો. 4 કલાકમાં જ 5 ઇંચ જેટલો વરસાદ નોંધાતા શહેર પાણી પાણી થઈ ગયું હતું. ભારે વરસાદને પગલે શહેરના અનેક વિસ્તારોમાં કેડ સમા પાણી ભરાયાં હતાં. જેના કારણે વાહન વ્યવહાર ખોરવાયો હતો. ઉમવાડા અંડરબ્રિજમાં કાર ફસાતા સ્થાનિક લોકોએ દોરડા વડે રેસ્ક્યૂ કરી બહાર કાઢી હતી. ગોંડલ પંથકમાં ભારે વરસાદ પડતા ભાદર ડેમ-1(લીલાખા)માં 2083 ક્યુસેક પાણીની આવક થઈ હતી. જેને પગલે ડેમની સપાટી વધીને 17 ફૂટને કુદાવી ગઈ હતી.

જૂનાગઢ-જામનગર રોડ પર રાયડી પાસે પીપળાનું વૃક્ષ પડ્યું.
જૂનાગઢ-જામનગર રોડ પર રાયડી પાસે પીપળાનું વૃક્ષ પડ્યું.

(દેવાંગ ભોજાણી, ગોંડલ)

અન્ય સમાચારો પણ છે...