ચૂંટણી તંત્રને લોકોનો પણ સાથ:રાજકોટ જિલ્લામાં નાગરિકો આચારસંહિતા ભંગ પર રાખે છે ચાંપતી નજર, સી-વિજીલ એપ પર 27 ફરિયાદ કરી

રાજકોટ25 દિવસ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ કલેક્ટર કચેરીમાં ફરિયાદ નિવારણ સેલ કાર્યરત કરવામાં આવ્યો. - Divya Bhaskar
રાજકોટ કલેક્ટર કચેરીમાં ફરિયાદ નિવારણ સેલ કાર્યરત કરવામાં આવ્યો.

રાજકોટ જિલ્લામાં હાલ વિધાનસભાની ચૂંટણીને લઈને આદર્શ આચારસંહિતા અમલી છે. ત્યારે વિવિધ વિસ્તારોમાં થતા આચારસંહિતાના ઉલ્લંઘન અંગે નાગરિકો સી-વિજીલ (C-Vigil) એપ પર ફરિયાદો કરીને ચૂંટણી તંત્રનું ધ્યાન દોરી રહ્યા છે. રાજકોટ જિલ્લાના વિવિધ વિધાનસભા મત વિસ્તારોમાંથી આજે આવેલી પાંચ ફરિયાદો સહિત કુલ 27 ફરિયાદોનો ચૂંટણીતંત્ર દ્વારા ગણતરીની મિનિટોમાં જ નિકાલ કરાયો છે.

અત્યારસુધીમાં કેવી કેવી ફરિયાદો આવી છે?
રાજકોટ જિલ્લાના વિવિધ મત ક્ષેત્રોમાંથી મોટાભાગની ફરિયાદો સરકારી દીવાલો પર પોસ્ટર લગાવવા, વૃક્ષો તેમજ જાહેર સ્થળો પર મંજૂરી વિના પોસ્ટર કે બેનર લગાવેલા હોવાની હતી.

કેવી રીતે ઉકેલાય છે ફરિયાદ?
​​​​​​​આચારસંહિતાના ઉલ્લંઘન કે ભંગની ફરિયાદોના નિવારણ માટે ચૂંટણીપંચ દ્વારા અસરકારક પદ્ધતિ ગોઠવવામાં આવી છે. જે મુજબ સી-વિજીલ એપ પર કોઈ નાગરિક ફરિયાદ અપલોડ કરે ત્યારે કન્ટ્રોલ રૂમમાંથી આ ફરિયાદ પાંચ જ મિનિટમાં જે તે વિધાનસભા મત વિસ્તારની હોય, એ વિસ્તારમાં કાર્યરત ફ્લાઈંગ સ્કવોડને મોકલવામાં આવે છે. ફ્લાઈંગ સ્ક્વોડ આ ફરિયાદ પર તુરંત પગલાં લે છે અને વધુમાં વધુ 100 મિનિટની અંદર આ ફરિયાદ ઉકેલી નાખે છે. આ ફરિયાદ ઉકેલાઈ ગયાની ખાતરી જે તે મતક્ષેત્રના ચૂંટણી અધિકારી દ્વારા આપવામાં આવે છે. રાજકોટ જિલ્લામાં અત્યારસુધીમાં આવેલી ફરિયાદો સરેરાશ સાત મિનિટ જેટલા ટૂંકા ગાળામાં ઉકેલવામાં આવી છે.

ચૂંટણીપંચ દ્વારા અસરકારક પદ્ધતિ ગોઠવવામાં આવી.
ચૂંટણીપંચ દ્વારા અસરકારક પદ્ધતિ ગોઠવવામાં આવી.

નાગરિકો ફરિયાદ કરી શકે તે માટે હેલ્પલાઇન નંબર જાહેર કરાયો
રાજકોટ જિલ્લાની આઠેય વિધાનસભા બેઠકોની ચૂંટણી મુક્ત અને ન્યાયી વાતાવરણમાં યોજવા માટે જિલ્લા ચૂંટણી અધિકારી અરૂણ મહેશ બાબુના નેતૃત્વમાં જિલ્લા ચૂંટણીતંત્ર અત્યારે રાઉન્ડ ધી ક્લોક કામગીરી કરી રહ્યું છે. રાજકોટ જિલ્લામાં આદર્શ આચારસંહિતા ભંગની ફરિયાદોના નિકાલ માટે ફરિયાદ નિવારણ સેલ કાર્યરત કરવામાં આવ્યો છે. જે અંતર્ગત આચારસંહિતાના ઉલ્લંઘન કે ભંગ અંગે નાગરિકો ફરિયાદ કરી શકે તે માટે ટોલ ફ્રી હેલ્પલાઇન નંબર 1800-233-0322 જારી કરવામાં આવ્યો છે. ઉપરાંત સી-વિજીલ મોબાઈલ એપ પર પણ ફરિયાદ કરી શકાય છે.

ફરિયાદની 100 મિનિટમાં ફરિયાદનો નિકાલ કરવામાં આવે છે.
ફરિયાદની 100 મિનિટમાં ફરિયાદનો નિકાલ કરવામાં આવે છે.

સૌથી વધુ ગોંડલ મતક્ષેત્રમાંથી ફરિયાદ નોંધાઇ
રાજકોટ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે કાર્યરત ફરિયાદ નિવારણ સેલમાં સી-વિજીલ એપના માધ્યમથી અત્યારસુધીમાં 27 જેટલી ફરિયાદો આવી છે. જેમાં બે ફરિયાદો સદંતર ખોટી હોવાથી પડતી મૂકવામાં આવી હતી. જ્યારે ધોરાજી તથા જસદણ વિસ્તારમાંથી 1-1, ગોંડલ મત ક્ષેત્રમાંથી 10, જેતપુર ક્ષેત્રમાંથી 2, રાજકોટ પૂર્વમાંથી 3, રાજકોટ ગ્રામ્યમાંથી 2, રાજકોટ દક્ષિણમાંથી 5 તથા રાજકોટ પશ્ચિમ ક્ષેત્રમાંથી 1 મળીને કુલ 25 ફરિયાદો નોંધાઇ હતી. આ ફરિયાદો પર ત્વરિત કાર્યવાહી કરીને તેનો નિકાલ કરવામાં આવ્યો હતો. રાજકોટ જિલ્લાના ટોલ ફ્રી નંબર પર હજુ સુધી કોઈ ફરિયાદ આવી નથી.

અન્ય સમાચારો પણ છે...