હાલમાં રાજકોટ જિલ્લામાં પશુઓમાં લમ્પી વાયરસ જોવા મળી રહ્યો છે. આ રોગ એક પશુના બીજા પશુ સાથેના સંપર્ક દ્વારા કે પશુઓના શરીર પર ચોંટેલી ઈતરડી, માખી, મચ્છર વગેરેથી ફેલાતો હોય છે. આ રોગના સંક્રમણને અટકાવવા માટે રાજકોટ જિલ્લા કલેક્ટર અરુણ મહેશ બાબુ દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જેમાં રાજકોટ જિલ્લામાં એક ગામમાંથી બીજા ગામમાં પશુઓની હેરફેર કરી શકાશે નહીં. આ જાહેરનામું 21 ઓગસ્ટ સુધી લાગુ રહેશે.
પશુઓના મેળા, વેપાર, પ્રદર્શન પર પ્રતિબંધ
રાજકોટના દરેક તાલુકાઓમાંથી એક ગામમાંથી બીજા ગામમાં પશુઓની હેરફેર કરવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. પશુઓના વેપાર, પશુમેળા, પશુ પ્રદર્શન, પશુઓ સાથેની રમતો અને પશુઓને એકઠા કરવાના થતા હોય તેવા આયોજનો ઉપર મનાઇ ફરમાવવામાં આવી છે. કોઈ રસ્તામાં કે જાહેર જગ્યાએ ચેપી રોગવાળા જાનવરો તથા રોગવાળા મૃતક જાનવરોના મૃતદેહ અથવા તેના કોઈ ભાગને ખુલ્લા કે છૂટા છોડી દેવાની અથવા તેમને લાવવા લઇ જવા નહીં.
જાહેરનામાનો ભંગ કરનાર દંડ અને શિક્ષાને પાત્ર રહેશે
લમ્પી સ્કિન રોગથી સંક્રમિત જાનવરો જે જગ્યાએ હોય તે જગ્યાનો ભોગવટો કરનારે અથવા રહેવાસીઓએ તે જગ્યાને સ્વચ્છ રાખવા તથા તેમાંથી રોગ બીજનો નાશ કરવા જણાવ્યું છે. આ ઉપરાંત જે પશુ લમ્પી સ્કીન રોગ થયો છે તેમ જણાતું હોય તેવા જાનવરોને એકમેકથી છૂટા રાખવા તે મુજબની વ્યવસ્થા કરવા જણાવાયું છે. આ જાહેરનામું રાજકોટ ગ્રામ્ય જિલ્લાના સમગ્ર વિસ્તારમાં 21 ઓગસ્ટ સુધી લાગુ રહેશે. આ જાહેરનામાનો ભંગ કરનાર દંડ તેમજ શિક્ષાને પાત્ર થશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.