લમ્પી વાયરસ વકર્યો:રાજકોટ જિલ્લામાં 7 પશુના મોત, પડધરીમાં સંક્રમણ વધુ, 748 પશુઓમાં લક્ષણો જોવા મળ્યા

રાજકોટ20 દિવસ પહેલા
રાજકોટ જિલ્લા પશુપાલન અધિકારી ડો. કે. યુ. ખાનપરા

રાજકોટ શહેર સહિત સમગ્ર જિલ્લામાં પશુઓમાં અને ખાસ કરીને ગૌમાતાઓમાં લમ્પી સ્કિન ડિસીઝનો ઉપદ્રવ વધતા માલધારીઓમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. હાલ ગામડે ગામડે ગૌધન પર આ વાઇરસની વધતા ઓછા પ્રમાણમાં અસર જોવા મળી રહી છે ત્યારે માલધારીઓ દ્વારા ઠેરઠેર ગાયોના મૃત્યુ થઇ રહ્યા હોવાના આક્ષેપો થઇ રહ્યા છે, આ અંગે રાજકોટ જિલ્લા પશુપાલન અધિકારી ડો. કે. યુ. ખાનપરાએ મીડિયાને જણાવ્યું હતું કે, અત્યાર સુધીમાં લમ્પીથી સત્તાવાર રીતે 7 પશુઓનાં મોત થયા છે. પડધરી તાલુકામાં લમ્પીનું સંક્રમણ વધુ ફેલાયું છે.

વેક્સિનેશનની પ્રક્રિયા શરૂ
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, હાલ જિલ્લાના 11 તાલુકામાં કુલ 66 ગામોમાં કુલ 748 પશુઓમાં લમ્પીના લક્ષણો જોવા મળ્યા છે, તંત્ર દ્વારા કુલ 30,129 દુધાળા પશુમાં વેક્સિનેશન કરાયું છે. લમ્પીના શંકાસ્પદ લક્ષણો ધરાવતી ગાયોને ગોટપોક્સ રસી આપવાનું શરૂ કરાયું છે. આ પ્રકારની રસી આપ્યા બાદ પશુમાં આ વેક્સિનની પોઝિટિવ અસર થતા સહેજે પંદરથી વીસ દિવસનો સમય લાગતો હોય છે. હાલ રાજકોટ જિલ્લામાં જરૂર જણાય તેવા પશુઓમાં વેક્સિનેશનની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે.

આ ગામોમાં પશુઓના મોત થયા
વધુમાં તેમણે જણાવ્યું હતું કે,જે ગામ પશુના મોત થયા છે. તેની વાત કરીએ તો દડવી, રાજપરા, વાડધરી, સાલ પીપળીયા, ધોકળિયા અને કેરાળા ગામમાં પશુના મોત થયા છે. હાલ જિલ્લા પંચાયત દ્વારા આરોગ્યની 49 ટીમ બનાવવામાં આવી છે. અને 1962 ઇમરજન્સી સેવા પણ કાર્યરત છે. લોકોએ ચિંતા કરવાની જરૂર નથી.