કેન્દ્રીય રાજ્યમંત્રીએ કેજરીવાલને મનોરોગી કહ્યા:રાજકોટમાં દેવુસિંહ ચૌહાણે કહ્યું- કેજરીવાલની મનોદશા બગડી, સતત દિવાસ્વપ્ન જુએ છે

રાજકોટ2 મહિનો પહેલા

રાજકોટ માર્કેટ યાર્ડમાં પોસ્ટ ઓફિસના ઉદઘાટનમાં આજે કેન્દ્રીય રાજ્યમંત્રી દેવુસિંહ ચૌહાણ આવ્યા હતા. ઉદઘાટન બાદ વોટ્સન મ્યુઝિયમની મુલાકાત કરી હતી. આજે રાજકોટમાં કેજરીવાલે IBના રિપોર્ટ પ્રમાણે આજે ચૂંટણી થાય તો આપની સરકાર બને તેવું નિવેદન આપ્યું હતું. જેને લઈને મીડિયાએ સવાલ કરતા દેવુસિંહે જવાબ આપતા જણાવ્યું હતું કે, કેજરીવાલની મનોદશા બગડી છે. મનોરોગીની જેમ દિવાસ્વપ્ન જુએ છે, હવે આ વધુ પડતું થઈ ગયું છે.

ગુજરાતની પરિપક્વ જનતામાં દ્વિધા ઊભી કરે છે
દેવુસિંહે વધુમાં જણાવ્યું હતું કે, આપ સૌ જાણો છો કે, જાહેર જીવનની અંદર મોટા ગજાના નેતા જુઠ્ઠું બોલતા હોય ત્યારે તેઓની વિશ્વનીયતા ઘટતી હોય છે. વ્યક્તિને સપનું જોવાની છૂટ હોય છે. દિવાસ્વપ્ન પણ જોવાની છૂટ હોય છે પરંતુ આ દિવાસ્વપ્ન તમારી વિશ્વસનીયતા ઘટાડતા હોય તેમ લોકો પાસે એવું વ્યક્ત કરતા હોય કે અમારી પાસે રિપોર્ટ છે. આજકાલ પોતાની વાતનો આધાર મેળવવા માટે જ્યારે આવા ખોટા રિપોર્ટ મેળવવાની કલ્પિત વાતો કરીને ગુજરાતની પરિપક્વ અને સમજણ ધરાવતી જનતાના મનમાં દ્વિધા ઊભી કરવાનો પ્રયત્ન છે તેવું હું માનું છું.

દેવુસિંહ ચૌહાણે કબા ગાંધીના ડેલાના કાર્યક્રમમાં હાજર રહ્યા હતા.
દેવુસિંહ ચૌહાણે કબા ગાંધીના ડેલાના કાર્યક્રમમાં હાજર રહ્યા હતા.

અપ્રચાર કરી ચૂંટણી જીતવાનો પ્રયાસ કરે છે
દેવુસિંહે વધુમાં જણાવ્યું હતું કે, કોઈ કાર્યકર્તા આવું કરે અને રાજ્યનો મુખ્યમંત્રી આવું કરે ત્યારે આ બન્નેમાં ખૂબ મોટું અંતર હોય છે. કેજરીવાલની મનોદશા બગડી છે ત્યારે એક પ્રકારે મનોરોગી હોય અને મનોરોગી સતત આવાં દિવાસ્વપ્ન જોતો હોય છે. સામાન્ય જનતાની જેમ આ સપનાને સાકાર કરવાના આધાર બને છે. રાજકીય પક્ષો અનેક હોય પણ સંગઠન ન હોય પોતે ચૂંટણી જીતી ચૂક્યા છે એવો દાવો કરીને અપ્રચારના આધારે ચૂંટણી જીતવાનો પ્રયાસ કરી રહ્યા છે. પરંતુ આવો મોકો અન્ય રાજ્યમાં મળે પણ ગુજરાતમાં નહીં. છેલ્લાં કેટલાંક વર્ષોથી વિકાસને સમજતી પ્રજા સાથે આવી વાત કરવી તે વધારે પડતું છે.

પોસ્ટ ઓફિસના ઉદઘાટન કાર્યક્રમમાં બાળકીને ગીફ્ટ આપતા દેવુસિંહ ચૌહાણ.
પોસ્ટ ઓફિસના ઉદઘાટન કાર્યક્રમમાં બાળકીને ગીફ્ટ આપતા દેવુસિંહ ચૌહાણ.

ગાંધીજી લીડરશીપ અને ટ્રસ્ટનું સૌથી મોટું ઉદાહરણ હતા
દેવુસિંહે વધુમાં જણાવ્યું હતું કે, જે લોકોએ આ દેશમાં જનહિત અને રાષ્ટ્રહિતમાં કામ કરવાનું છે, ગુજરાતના આ વિકાસને ઝંખતી પ્રજાહિતમાં કામ કરવું છે, એ તમામને ભાજપ આવકાર આપે છે. આજે ગાંધીજીનો જન્મ દિવસ છે, ગાંધીજી લીડરશીપ અને ટ્રસ્ટનું સૌથી મોટું ઉદાહરણ હતા. ગાંધીજીના એક અવાજ પર લોકો નોકરી છોડી સ્વતંત્રતાની લડાઈમાં જોડાતા હતા. ગાયના રક્ષણને લઈને વાત કરી છે તેમાં ગુજરાતની પ્રજાને ગુમરાહ કરવાનો મારો કોઈ મતલબ નથી.

ગઇકાલે કેજરીવાલ પર પાણી બોટલ ફેંકવાનો પ્રયાસ કરાયો
ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે ત્યારે દિલ્હીથી રાષ્ટ્રીય નેતાઓ હવે રાજકોટની મુલાકાતે આવી રહ્યા છે અને પોતાનું શક્તિ પ્રદર્શન દેખાડી રહ્યા છે. ગઈકાલથી દિલ્હીના મુખ્યમંત્રી અને આપ સુપ્રીમો અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન રાજકોટની મુલાકાતે હતા. ગઈકાલે બન્ને મુખ્યમંત્રી નીલસિટી ક્લબ ખાતે ટૂંકું રોકાણ કર્યા બાદ ખોડલધામ નવરાત્રિ મહોત્સવમાં હાજરી આપી હતી. અહીં કેજરીવાલના આગમન વખતે કોઇ ટીખળખોરે પાણીની બોટલ ફેંકી હતી. પરંતુ તે કેજરીવાલની ઉપરથી પસાર થઈ ગઈ હતી.

ભગવંત માને પંજાબી સ્ટાઈલમાં ગરબા લીધા.
ભગવંત માને પંજાબી સ્ટાઈલમાં ગરબા લીધા.

CM માન અનોખી સ્ટાઇલમાં દાંડિયા રમ્યા
ખોડલધામ નવરાત્રિ મહોત્સવમાં અરવિંદ કેજરીવાલે મીડિયાને જણાવ્યું હતું કે, આજે તેઓ રાજકોટમાં નવરાત્રિના પર્વની ઉજવણી કરવામાં સહભાગી થયા છે અને તેઓ આજે પાટીદારો સાથે કોઈપણ પ્રકારની ચર્ચા કરવા આવ્યા નથી. પરંતુ નવરાત્રિને માણવા આવ્યા છે. બીજી તરફ પંજાબના CM ભગવંત માને નીલસિટી ક્લબ ખાતે હાજરી આપીને સ્ટેજ પર અનોખી સ્ટાઇલમાં દાંડિયા રાસ રમીને ઉપસ્થિત સર્વેને હસાવ્યા હતા અને તેમના પંજાબી સ્ટાઇલના દાંડિયાના સ્ટેપથી ખુદ આપ નેતા ઈન્દ્રનીલ રાજ્યગુરુ પણ ખડખડાટ હસી પડ્યા હતા.