મનપા કમિશનરને પત્ર:ગુજરાતના લાખો વિદ્યાર્થીઓના ભાવિ સાથે ચેડા કરનાર એજન્સીએ જ રાજકોટ મનપાની પરીક્ષાઓ લીધી છે, કોંગ્રેસે 8 વર્ષની માહિતી માગી

રાજકોટએક મહિનો પહેલા
  • કૉપી લિંક
કોંગ્રેસે મનપા કમિશનરને પત્ર લખી માહિતી માગી (મનપા કચેરીની ફાઇલ તસવીર). - Divya Bhaskar
કોંગ્રેસે મનપા કમિશનરને પત્ર લખી માહિતી માગી (મનપા કચેરીની ફાઇલ તસવીર).
  • ખાનગી એજન્સી દ્વારા વિવિધ મુદ્દાઓની માહિતી 48 કલાકમાં આપવા આવે તેવી માગ

રાજ્યમાં હેડ ક્લાર્કની ભરતીનું પેપર ફૂટી જવાના પ્રકરણની તપાસ ચાલી રહી છે. પ્રિન્ટિંગ પ્રેસ એજન્સી પણ આરોપીની ભૂમિકામાં આવી છે. ત્યારે આ કંપનીએ ગુજરાત તરફથી યુનિવર્સિટી અને તે અગાઉ રાજકોટ મહાપાલિકામાં પણ આઠ વર્ષ ભરતી પરીક્ષાઓ લીધાનું બહાર આવતા કોર્પોરેશનમાં પણ ચકચાર ફેલાઇ છે. જવાબદારો અને વફાદારોએ જે-તે વખતે ધ્યાન દોરવા છતાં આ એજન્સીની ભેદી પરીક્ષા પદ્ધતિ ચાલુ રહી હતી. હવે ફરી આજે કોંગ્રેસે આ જૂના પ્રકરણ પરથી ધૂળ ખંખેરી સત્ય વિગતો 48 કલાકમાં આપવા કમિશનરને પત્ર લખ્યો છે. જેમાં મનપાએ ભરતી પ્રક્રિયા માટે નિયત કરેલી ખાનગી એજન્સીની વર્ષ 2011થી 2019 સુધીની માહિતી માગી છે.

માહિતી 48 કલાકમાં આપવા માગ
એજન્સી દ્વારા પીડીએફના બદલે એક્સેલમાં પરિણામ આપવામાં આવતું હોવાથી વાંધો ઉઠાવવામાં આવતો હતો. છતાં જનરલ બોર્ડ કે RTIમાં કોઇ માહિતી અપાય ન હોય રાજકોટમાં આ સમયમાં થયેલી ભરતીઓ ચર્ચામાં આવી ગઇ છે. મહાનગરપાલિકાના વિરોધપક્ષના નેતા ભાનુબેન સોરાણી અને કોંગ્રેસ કાર્યાલય મંત્રી વિરલ ભટ્ટે આજ રોજ મ્યુનિસિપલ કમિશનરને પત્ર લખી મહાનગરપાલિકા દ્વારા ભરતી પ્રક્રિયા માટે નિયત કરવામાં આવેલી ખાનગી એજન્સી બાબતે વિવિધ મુદ્દાઓની માહિતી 48 કલાકમાં આપવા અને ભરતી કૌભાંડમાં મનપાના ક્યાં અધિકારીની સંડોવણી છે તેની વિગતો આપવા અંગેની લેખિત રજૂઆત કરી છે. મહાનગરપાલિકા દ્વારા ભરતી પ્રક્રિયા માટે નિયત કરવામાં આવેલ ખાનગી એજન્સીની વર્ષ 2011થી 2019 સુધીની કામગીરીની માહિતી મંગાઇ છે.

ક્યાં ક્યાં મુદ્દે માહિતીઓ મગાઇ
- મહાનગરપાલિકામાં ભરતી પ્રક્રિયા માટે ખાનગી એજન્સીને ક્યારે નિયત કરવામાં આવેલ?
- આ ખાનગી એજન્સીનું નામ અને સરનામાં
- વિવિધ ભરતી પ્રક્રિયા માટે ખાનગી એજન્સી નિયત કરવા માટે ક્યાં દૈનિક વર્તમાનપત્રમાં જાહેરાત આપવામાં આવી હતી?
- મહાનગરપાલિકામાં વિવિધ ભરતી પ્રક્રિયા માટે ટેન્ડર પ્રક્રિયા કરનાર જવાબદાર અધિકારીના નામ અને હોદા
- સ્થાયી સમિતિ દ્વારા કરવામાં આવેલા ઠરાવ અને એજન્ડાની નકલ
- આ ટેન્ડર પ્રક્રિયામાં કુલ કેટલી એજન્સીઓએ ભાગ લીધેલો હતો
- મનપા સાથે થયેલા કરારની વિગતો અને વર્ક ઓર્ડરની નકલ આપવી
- વર્ષ 2011થી વર્ષ 2019 સુધી વિવિધ ભરતી પ્રક્રિયા માટે ખાનગી એજન્સીએ લેવામાં આવેલ પરીક્ષાઓની તારીખો
- આ એજન્સીને મહાનગરપાલિકા દ્વારા ચૂકવવામાં આવેલ નાણાની વિગત અને એજન્સી દ્વારા મુકવામાં આવેલ બિલોની વિગત
- 2011થી 2019 સુધીમાં ભરતી પ્રક્રિયા પાછળ થયેલ ખર્ચની વિગતો
- વિવિધ ભરતી પ્રક્રિયા માટે ખાનગી એજન્સી સાથે પરીક્ષાની કાર્ય પદ્ધતિ તેમજ ગોપનીયતાની શરતો
- વિવિધ ભરતી પ્રક્રિયા માટે ખાનગી એજન્સી દ્વારા ક્યા ફોર્મેટમાં પરીક્ષાના પરિણામો આપવામાં આવેલ છે તેની માહિતી આપવી
- ભરતી પ્રક્રિયા માટે એજન્સીની માહિતી મેળવવા સામાન્ય સભામાં વર્ષ 2015 થી 2021 સુધીમાં કેટલા કોર્પોરેટરોએ પ્રશ્ન પુછેલ છે

અન્ય સમાચારો પણ છે...